Abtak Media Google News

સરકારી હોસ્પિટલની સેવા હવે ખાનગી જેવી જ

લોકોનો સિવિલ હોસ્પિટલ પ્રત્યે વધ્યો છે ભરોસો: ડો. મુકેશ પટેલ

કિડની ફેલ્યોર કેસમાં દર્દીઓને ડાયાલીસીસ કરવું જરૂરી હોય છે. જેના માટે રાજકોટમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ દર્દીઓને જયારે કોરોના પોઝિટિવ આવે ત્યારે પરિસ્થિતિ ખુબજ ગંભીર બની જાય છે.

પ્રાઇવેટ હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓના ડાયાલીસીસનું જોખમ લેવા માંગતા ન હોવાથી તેઓએ રાજ્ય સરકાર દ્વારા ચાલતી એકમાત્ર સિવિલ હોસ્પ્ટિલને જ સ્વીકારવી પડે છે. પ્રવર્તમાન સંજોગોમાં આવા  કેટલાક કેસ સામે આવ્યા છે. જેમાં સાત દર્દીઓને કોરોના પોઝિટિવ આવતા તેઓને  કોવીડ-૧૯ સિવિલ હોસ્પિટલનો સધિયારો મળ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંદર્ભે ખાસ કોવીડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં કિડનીના દર્દીઓ માટે અલાયદો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં ખાસ કરીને હૃદય, કિડની, ડાયાબિટીસના દર્દીઓની વિશેષ સારસંભાળ રાખવી પડે છે, જે અહીંના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા લેવામાં આવે છે.

રાજકોટ સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કિડનીના કોરોના સંક્રમિત દર્દીઓ આવતા હોસ્પિટલના  સ્ટાફ દ્વારા તેમની વિશેષ સારસંભાળ લેવામાં આવી રહી છે. સિવિલના મનોચિકિત્સક વિભાગના હેડ ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, જે લોકો પહેલા ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લઈ ચુક્યા છે તેઓને સરકારી દવાખાનાનું નામ પડતા પહેલા તો વિશ્વાસ જ નથી આવતો કે અહીં પણ સારી સાર-સંભાળ લેવામાં આવશે, જે સ્પષ્ટ કરવું અમારી ટીમ માટે સૌથી અઘરું કામ હતું.

દર્દીના સગાસંબંધીઓ જયારે ડાયાલીસીસ સેન્ટર અને અહીંના સ્ટાફ દ્વારા લેવામાં આવતી કાળજી નજરે જુએ છે ત્યારે જ તેમને ભરોસો બેસે છે. કોવીડ હોસ્પિટલના કિડની વિભાગમાં અમારી ટીમ દ્વારા ખાસ કરીને દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. ડોક્ટર્સની ટીમ દ્વારા તેમને ભરોસો બેસાડવામાં આવ્યો કે તેઓ બિલકુલ સ્વસ્થ થઈ જશે, તેમ ડો. પટેલે ઉમેર્યું હતું.

ડો. મુકેશે વિશેષમાં જણાવ્યુંહતું કે, દર્દીનેકોરોના હોવાી તેમના નજીકના કોઈ સંબંધી પણ ત્યાં હાજર ન હોવાથી સ્ટાફની જવાબદારી વધી જાય છે. કિડનીની બીમારીને કારણે દર્દીનું શરીર નબળું પડી જાય છે.

દર્દીને આપવામાં આવતી કિડનીની દવા ઇમ્યુનીટી ઘટાડે છે, જયારે કોરોના મટાડવા માટે દર્દીનો ઇમ્યુનીટી પાવર વધારવા માટે હોય છે, આમ વિરોધાભાસી વાતાવરણ વચ્ચે દર્દીની સારવાર કરવી વધુ ચેલેંજિંગ હોવાનું ડો. મુકેશ પટેલ જણાવે છે.

હાલ ડો રાહુલ ગંભીર, ડો. બકુલ દુધરેજીયા અને તેમની ટીમ આ ચેલન્જ સાથે ખુબજ સ્વસ્તાપૂર્વક આ કપરી કામગીરી પાર પાડી રહયા છે. તમામ સાત દર્દીઓની કોરોનાની સારવાર સાથો સાથ જરૂર મુજબ ડાયાલીસીસ પણ કરવામાં આવે છે. હાલ દર્દીઓ કિડનીલક્ષી બીમારી સામે સ્વસ્તાપૂર્વક લડી તંદુરસ્તી મેળવી રહ્યા છે તેમજ કોરોના સામે પણ લડત આપી રહ્યાનું ડો. રાહુલ ગંભીર જણાવે છે. ટૂંક સમયમાં જ કોરોનાની સારવાર પૂર્ણ થયા બાદ તમામ દર્દીઓને રજા આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ પ્રત્યે લોકોનો ભરોસો વધી રહ્યો છે તે જ અમારા માટે સંતુષ્ટિ છે તેમ ડો રાહુલ અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલની ટીમ ગૌરવ સાથે જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.