Abtak Media Google News

ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા ૧.૧૦ કરોડ યાત્રિકો દંડાયા

રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકો સામે રેલેવે તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરી ૧.૧૦ કરોડ જેટલા ખુદાબક્ષોને પકડી તેની પાસેથી રૂા.૫૬૧ કરોડનો દંડ વસુલ કરી રેલવે તંત્રને ફાયદો કરાવ્યો છે.

રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકો સામે ચેકીંગ ઝુંબેશમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે છ ટકા વધુ ખુદાબક્ષો ચેકીંગ દરમિયાન મળી આવ્યા છે. જેના કારણે રેલવેની આવકમાં રૂા.૫૬૧ કરોડની આવક થઇ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકો પાસેથી ૧,૯૩૮ કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૬ની સરખામણીએ ૨૦૨૦માં ૩૮.૫૭ ટકા દંડ વધુ વસુલ કરવામાં આવ્યા છે.

રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો સામે રેલવે તંત્ર દ્વારા ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. અને તમામ ટ્રેનમાં ચેકીંગને અસરકારક બનાવી ટિકિટની કિંમતની સાથે રૂા.૨૫૦નો દંડ એટલે કે ટિકિટ ઉપરાંત વધારાના રૂા.૨૫૦ વસુલ કરવામાં આવે છે. કોઇ મુસાફર દંડ ભરવાનો ઇન્કાર કરવામાં આવે ત્યારે આવા મુસાફરોને રેલવે પોલીસને સોપવામાં આવે છે અને તેની સામે કલમ ૧૩૭ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. ટિકિટ વિનાના યાત્રિક સામે કાયદેસર કાર્યવાહી કર્યા બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવે ત્યારે તેને અદાલત દ્વારા રૂા.૧ હજારનો દંડ ફટકારવામાં આવે છે ત્યારે પણ દંડ ભરવાનો ઇન્કાર કરે ત્યારે તેને છ માસની સજા કરવામાં આવે છે.

સંસદની રેલવે કમિટિ દ્વારા ૨૦૧૮માં મળેલી બેઠકમાં નાણાકિય અહેવાલની સમિક્ષા કર્યા બાદ ખુદાબક્ષો દ્વારા રેલવેની આવકમાં મોટુ નુકસાન થતુ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. જેના પગલે રેલવે બોર્ડ દ્વારા ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકો સામે કડક રીતે ઝુંબેશ શરૂ કરવા અને ટિકિટ ચેકરોને ચોકકસ ટાર્ગેટ આપવામાં આવતા વર્ષ ૨૦૧૯-૨૦માં ૧.૧૦ કરોડ ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકોને પકડી તેની પાસેથી રૂા.૫૬૧ દંડ વસુલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.