Abtak Media Google News

વૈશ્વિક સ્તર પર જે રીતે પાકિસ્તાન આતંકી પ્રવૃતિને પોશી રહ્યા હોવાનું સામે આવ્યું છે તે જોતાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, વિશ્વ સમુદાય પાકિસ્તાનને તમામ મોરચે ભરી પીવા માટે સજ્જ બન્યું છે ત્યારે ભારત દેશે આર્થિક, રાજકિય અને સંરક્ષણ ક્ષેત્રે પાક.ને કોર્નર કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પોતાનાં અસ્તિત્વને ટકાવવા માટે હવાતિયા મારી રહ્યું છે. સ્થિતિનું નિર્માણ એવી રીતે થવા પામ્યું છે કે, યુનોમાં પણ પાકિસ્તાનને પછડાટ મળતા પાકિસ્તાને તેનાં કાયમી પ્રતિનિધિને હટાવ્યા છે. જોવાનું એ રહ્યું કે, આગામી દિવસોમાં પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો આવશે કે કેમ ?

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ દૂર કર્યા પછી આકુળ વ્યાકુળ પાકિસ્તાને અનેક દેશો પાસે કાલાવાલા કર્યાં અને યુએનમાં પણ મામલો ઉઠાવ્યો પરંતુ તેને ક્યાંય પણ ભાવ મળ્યો નહોતો. હવે અમેરિકાની ટૂરથી પરત ફર્યા પછી પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને યુએનમાં પોતાના સ્થાયી પ્રતિનિધિને હટાવ્યાં છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર ન્યુયોર્કમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવવાની જાહેરાત કરી છે. મલીહાની જગ્યાએ મુનીર અકરમ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. યુએનમાં ભાવ ન મળવાના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે આ નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ઈમરાન ખાને ભડકાઉ ભાષણ આપ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ દૂર થયા પછી ઈમરાન ખાન અનેક દેશનો દરવાજો ખખડાવી ચૂક્યાં છે ઉપરાંત યુનાઈટેડ નેશનમાં પણ અનેકવાર આ મુદ્દો ઉછળી ચૂક્યો છે. જોકે, તેના હાથમાં કશું જ આવ્યું નથી. ૨૭ સપ્ટેમ્બરના ભાષણ પછી તેમને કોઈ જ દેશે ભાવ નથી આપ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે મલીહા લોધી યુએનમાં પાકિસ્તાનના પક્ષમાં વાતાવરણ બનાવવામાં સફળ ન રહી જેથી તેને હટાવવામાં આવી છે.

મલીહા લોધીએ ઈમરનાની અમેરિકન યાત્રા દરમિયાન એક ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનને વિદેશ મંત્રી ગણાવ્યાં હતાં. જ્યારે લોકોએ ટ્રોલ કરવાનું શરુ કર્યું ત્યારે મલીહાએ પોસ્ટ ડિલીટ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. કાશ્મીરનું નામ આવતાં જ પાકિસ્તાનના મોટાભાગના નેતા હોશ ગુમાવી બેસે છે. મલીહાએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં દાવો કર્યો હતો કે કાશ્મીરી લોકો પર ભારત અત્યાચાર કરી રહ્યું છે અને સાબિતી તરીકે તેણે ખોટી તસવીર રજૂ કરી હતી. જેમાં એક પેલેસ્ટાઈનની યુવતીને તેણે કાશ્મીરી ગણાવી હતી. જોકે પછી તેની પોલ ખુલી જતાં ખૂબ જ ટીકા થઈ હતી. મલીહા લોધી ફેબ્રુઆરી ૨૦૧૫થી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ હતી. તેની જગ્યા લેનાર અકરમ પહેલા ૬ વર્ષ યુએનમાં સ્થાઈ પ્રતિનિધિત્વ લઈ ચૂક્યાં છે. નોંધનીય છે કે અમેરિકા ટૂરથી પરત ફર્યા પછી ઈમરાન ખાને કબૂલ કર્યું હતું કે કાશ્મીર મામલે તેનો સાથ આપનાર કોઈ જ નથી. યુએનમાં આપેલા પોતાના ભાષણ દરમિયાન તેણે મુસ્લીમ દેશોને ઉશ્કેરવાની પણ કોશિશ કરી હતી. યુએનમાં ઈમરાન ખાને આરોપ લગાવ્યાં હતાં કે કાશ્મીરીઓ સાથે બળજબરી કરવામાં આવી રહી છે. જોકે, ભારતે પછી તેને અસલી ચહેરો બતાવ્યો હતો. ભારતના પ્રતિનિધિત્વએ દુનિયાના દેશોને જણાવ્યું કે કઈ રીતે પાકિસ્તાન લઘુમતિઓ પર અત્યાચાર કરી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.