Abtak Media Google News

સરકારે ૨૯૦ લીટર કેરોસીન ફાળવ્યું, પુરવઠાનાં દરોડામાં ૯૦૦ લીટર કેરોસીનનો જથ્થો મળી આવ્યો: મેન્યુઅલી વિતરણ કરનાર બે સસ્તા અનાજનાં વેપારીનો પરવાનો ૯૦ દિવસ માટે રદ્દ

ગરીબોના હિસ્સાનું અનાજ-કેરોસીન બારોબાર વેંચી મારતા સસ્તા અનાજના વેપારીઓનું જબરુ કારસ્તાન જિલ્લા પુરવઠા અધિકારીએ ઝડપી પાડયું છે. ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમે સસ્તા અનાજના વેપારીને ત્યાં પાડેલા દરોડામાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સરકારે ૨૯૦ લીટર જ કેરોસીન ફાળવ્યું હોવા છતાં દરોડા દરમિયાન દુકાનદાર પાસેથી ૯૦૦ લીટર કેરોસીનનો જથ્થો મળી આવતા તંત્ર ચોંકી ઉઠયું છે અને હાલ તુર્ત કેરોસીનનો કુવો ધરાવતા આ વેપારીનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

જાણવા મળતી વિગતો મુજબ જાહેર વિતરણ વ્યવસ કોમ્પ્યુટરાઈઝ વિતરણ ફરજીયાત હોવા છતાં સસ્તા અનાજના દુકાનદારો મેન્યુઅલી વિતરણ કરી રહ્યાં હોય શહેરના એરપોર્ટ રોડ પર ૪-સખીયાનગરમાં દુકાન ધરાવતા લક્ષ્મીબેન ઢાલુમલ ચેલાણીએ ગત માસે ૮૧ ટકા મેન્યુઅલી વિતરણ કર્યું હોય પુરવઠા અધિકારી જોશી અને પુરવઠા નિરીક્ષક રાદડીયા, પરસાણીયા તેમજ કિરીટસિંહ ઝાલાની ટીમે દરોડો પાડતા પુરવઠાની ટીમ ચોંકી ઉઠી હતી. કારણ કે હિસાબી સાહિત્ય નહીં નિભાવનાર સસ્તા અનાજના આ વિક્રેતાને ત્યાં સરકારે ૨૯૦ લીટર જ કેરોસીન ફાળવ્યું હોવા છતાં ૯૦૦ લીટર કેરોસીન મળી આવ્યું હતું. જેથી જિલ્લા પુરવઠા અધિકારીએ રૂ.૨૪૦૦૦ કિંમતનું કેરોસીન સીઝ કરી તાત્કાલીક અસરી પરવાનેદારનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યો હતો.

જયારે અન્ય એક દરોડામાં જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે કોઠારીયા રોડ પર આવેલી શ્રીનગર સોસાયટી મેઈન રોડમાં સસ્તા અનાજના વિક્રેતા ગોપાલ મેસુરભાઈ ચૌહાણને ત્યાં દરોડો પાડી ૨૪૨ લીટર કેરોસીન કિં.રૂ.૬૨૨૫ તેમજ ૮૦ કિલો ઘઉં કિ.રૂ.૧૬૦નો જથ્થો વધુ હોય આ જથ્થો સીઝ કરી સસ્તા અનાજના લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.