Abtak Media Google News

કર્નલ જે.ડબલ્યુ વોટસનનું કાઠીઓનો ઈતિહાસ લખતાં લખતાં જ મૃત્યુ યું હતુ, જે પુસ્તકને આજે બે ભાષામાં ડો.પ્રદ્યુમન ખાચરે સંપાદિત કર્યું; શનિવારે સનસાઈન હોટેલ ચોટીલા ખાતે પુસ્તકનો વિમોચન સમારોહ

કેટલાક અંગ્રેજ અધિકારીઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ક્ષેત્રમાં રસ ધરાવીને લેખન અને સંશોધનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું અને ઉત્તમ કાર્ય કર્યું હતું. આવા જ એક ઇતિહાસપ્રેમી અધિકારી રાજકોટના પોલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબલ્યુ.વોટસન હતા જેમણે કાઠિયાવાડનો પ્રથમ કહી શકાય એવો ઇતિહાસ ગ્રંથ કાઠિયાવાડ સર્વસંગ્રહ ઇ.સ. ૧૮૮૪માં પ્રગટ કર્યો હતો.

કર્નલ જે. ડબલ્યુ.વોટસન ૧૬ વર્ષની ઉંમરે ભારતમાં આવેલ અને તેમણે પૂના, મુંબઇ, રાંચી,  ગોંડલ, કોલાપુર, ભાવનગર અને છેલ્લે રાજકોટ ખાતે નોકરી કરી હતી.જેમણે ૩૫ વર્ષ ભારતમાં રહીને સેવા કરીને ૫૧ વર્ષની નાની ઉંમરે ઇ.સ. ૧૮૮૯માં તેમણે અચાનક જ વિદાય લીધી. આ સમયે જૂનાગઢના વલ્લભજી આચાર્યએ  ‘વોટસન વિયોગ’ લખીને કરૂણ શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ વોટસનના કેટલાક સદ્કાર્યો અધૂરા રહ્યા હતા. કાઠિયાવાડનાએ સમયના રાજવીઓએ  તેમની સ્મૃતિમાં રાજકોટમાં મ્યુઝિયમનું નામ આપ્યું વોટસન મ્યુઝિયમ.

જેનું એક અધૂરું કાર્ય હતું તેમણે કાઠીઓના ઇતિહાસ માટે સંશોધન કરી બારોટી સાહિત્યનો અભ્યાસ કરી મેળવીને તટસ્થતાપૂર્વક કાઠીઓનો ઇતિહાસ લખ્યો હતો. પરંતુ તે હસ્તપ્રત એમનું અકાળે અવસાન થવાથી આજ સુધી એમ ને એમ છપાયા વિના પડી રહી હતી અને સદભાગ્યે બગસરા દરબાર મેરામવાળાએ તેને જીવની જેમ સાચવી રાખી હતી. તે મૂળ હસ્તપ્રતમાં તમામ પ્રકારની સૂઝબૂઝ વાપરી સંશોધિત કરીને ઇતિહાસકાર ડો. પ્રદ્યુમ્ન ખાચરે કાઠી દરબારોના સહયોગથી સંપાદિત કરી આજે અંગ્રેજી અને ગુજરાતીમાં બે ભાષામાં આ પુસ્તક સંપાદિત કરી આપેલ છે.

વોટસનના અધૂરા કાર્યને પૂર્ણ કરવાનો યશ  ડો.ખાચર અને કાઠી સમાજના દાતાઓને ફાળે જાય છે. આ બંને પુસ્તકોનો લોકાર્પણ સમારોહના  દરબાર દાદાબાપુ ખાચર પરિવારે નિમંત્રક બની તેમની સન સાઈન હોટેલ ચોટીલા ખાતે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.

આ બંને ગ્રંથોનું લોકાર્પણ ઉદયસિંઘ માહુરકના હસ્તે કરવામાં આવશે. આ ગ્રંથ ખુદ કર્નલ વોટ્સનને અને દરબાર મેરામવાળા બગસરાને અર્પણ કરવામાં આવશે.  આ પ્રસંગે કાઠિયાવાડના રાજ પરિવારના અનેક મહાનુભાવો અને કાઠી સમાજના મોભીઓ તથા દાતાઓ તથા ઇતિહાસ અને સંસ્કૃતિપ્રેમી લોકો હાજર રહેશે. વિશેષમાં આ લોકાર્પણ પ્રસંગે ઇતિહાસકાર ડો.એસ.વી.જાની રાજકોટ પણ હાજરી આપી પ્રસંગની અભિવૃદ્ધિ કરશે.

આ ઘટના પછી સમાજને અને ઈતિહાસ પ્રેમીઓને એમ જરૂર આશ્વાસન મળવાનું છે કે સંશોધનનો દીવડો કદી બુઝાતો નથી અને ઇતિહાસ  સંશોધનના ક્ષેત્રમાં થયેલું કાર્ય ક્યારેય પણ નિષ્ફળ જતું નથી કે અધૂરું રહેતું નથી એ જરૂર વહેલું કે મોડું સમાજ જાણે જ છે અને જાગે છે કે આ કાર્ય કરવા જેવું છે અને તે ફરીવાર પુનરાવતાર પામતું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.