રૂ.૨ હજાર કરોડની ખાદ્ય પુરવા કાંગારૂ ભારત સામે રમવા સજજ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તમામ ભારત સાથેની ટુર્નામેન્ટની તારીખો જાહેર કરી

કોરોનાની વૈશ્ર્વિક મહામારીથી અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે કોરોનાએ ક્રિકેટને પણ નથી બક્ષયું તે વાત પણ સ્પષ્ટ થઈ રહી છે. અનેકવિધ ક્રિકેટ બોર્ડ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ સંકટમાંથી બહાર આવવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ભારત સાથેની સીરીઝ રમી આશરે ૨ હજાર કરોડની ખાધ પુરશે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત સાથેની ટુર્નામેન્ટની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે વર્ષના અંતે થનાર ટેસ્ટ, વનડે અને ટી-૨૦ શ્રેણીનું શેડ્યૂલ નક્કી કર્યું છે. ટૂરની શરૂઆત ઓક્ટોબરમાં ૩ ટી-૨૦ની સીરિઝથી થશે. પહેલી મેચ બ્રિસબેનમાં ૧૧ ઓક્ટોબરે, બીજી મેચ અને ત્રીજી મેચ ૧૪ અને ૧૭મી અનુક્રમે કેન્બેરા અને એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ પછી બંને ટીમો ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેશે.

આ ટૂર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન રમાશે.  તેના પછી બંને દેશ વચ્ચે ૪ ટેસ્ટની સીરિઝ રમાશે. પ્રથમ મેચ ૩ ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. તે પછીની મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે ૧૧ ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. કોરોનાને કારણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ પ્રવાસ પર ૧૪ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે, બીસીસીઆઈ દ્વારા આ માટે મંજૂરી આપવામાં આવી છે. બંને દેશો વચ્ચે ૨૬ ડિસેમ્બરે મેલબોર્નમાં બોક્સિંગ ડે રમવામાં આવશે. આ પછી ૩ જાન્યુઆરીએ સિડનીમાં ન્યૂ યર ટેસ્ટ થશે. હકીકતમાં, ક્રિસમસ પછીના બીજા દિવસે ૨૬ ડિસેમ્બરેની મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે વર્ષની પ્રથમ મેચને ન્યૂ યર ટેસ્ટ કહેવામાં આવે છે.

ભારતીય ટીમ એડિલેડમાં પોતાની બીજી અને વિદેશમાં પહેલી ડે-નાઈટ ટેસ્ટ રમશે. ભારતે પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટ ૨૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ કોલકાતા ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. ભારત આ મેચ એક ઇનિંગ્સ અને ૪૬ રને જીત્યું હતું. ભારત ઓસ્ટ્રેલિયા ૩ વનડે સીરિઝની પહેલી મેચ ૧૨ જાન્યુઆરીએ પર્થ, બીજી મેચ ૧૫ જાન્યુઆરીએ સિડની અને ત્રીજી મેચ ૧૭ જાન્યુઆરીએ સિડની ખાતે રમશે. જોકે, આ શ્રેણી થશે કે નહીં તે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે.

અગાઉ એવી અટકળો કરવામાં આવી રહી હતી કે આ તમામ ટેસ્ટ એક જ મેદાન પર થઈ શકે છે, પરંતુ અત્યારે એવું નથી. જ્યારે સંજોગો નિયંત્રણમાંથી બહાર આવે ત્યારે જ આ નિર્ણય લેવામાં આવશે. ભારત સામેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચથી તેની ક્રિકેટ સીઝનની શરૂઆત કરશે. આ ડે-નાઇટ ટેસ્ટ ૨૧ નવેમ્બરથી પર્થમાં રમાશે.

Loading...