Abtak Media Google News

ચોથા તબક્કામાં ૯ રાજ્યોની ૭૧ લોકસભા બેઠકો પર ૨૯મીએ મતદાન : ૯૪૩ ઉમેદવાર મેદાનમાં : ૩૯૨ ઉમેદવારોની સંપત્તિ એક કરોડને પાર

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૯ રાજ્યોની ૭૧ બેઠકો પર ૨૧૦  એટલે કે ૨૩%  કલંકિત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.જેમની પર ગુનાહિત કેસો નોંધાયેલા છે. ૧૫૮ એટલે કે ૧૭ ટકા ઉમેદવારો એવા છે જે ગંભીર ગુનાના આરોપીઓ છે. આ તબક્કામાં ૩૬૦ કરોડપતિ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે.

જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ સૌથી ધનવાન ઉમેદવાર છે. છિંદવાડાથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર નકુલ પાસે ૬૬૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.આ વાત એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં સામે આવી છે.એડીઆરએ ચોથા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૯૪૩માંથી ૯૨૮ ઉમેદવારોના સોંગદનામાનું વિશ્લેષણ કર્યુ છે. ત્રીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે.૨૧ ઉમેદવારો સામે મહિલાઓ સાથે જોડાયેલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં દુષ્કર્મ, યૌન ઉત્પીડન અને મહિલાઓ પ્રત્યે ક્રુરતા જેવા મામલાઓ સામેલ છે

૧૨ ઉમેદવારો એવા છે, જેમણે સોગંદનામામાં કબૂલાત કરી છે કે તેઓ ગુનાહિત કેસોમાં દોષી સાબિત થઈ ચુક્યા છે. ૫ ઉમેદવારો સામે હત્યાના કેસ પણ ચાલી રહ્યાં છે. ૨૪ ઉમેદવાર પર હત્યાના પ્રયાસોનો આરોપ છે. ૪ ઉમેદવારો વિરૂદ્ધ ખંડણી માટે અપહરણ કરાવવાનો પણ આરોપ છે. આ ઉપરાંત ૧૬ ઉમેદવારો સામે નફરત ભરેલા નિવેદનો આપવાના કેસો નોંધાયા છે.

૩૯૨ ઉમેદવાર એવા છે જેમની સંપત્તિ ૧ કરોડથી વધારે છે. એડીઆરએ જે ૯૨૮ ઉમેદવારોના સોગંદનામાના વિશ્લેષણ કર્યું છે, તેમાંથી ૩૯૨ એટલે કે ૨૫ ટકા ઉમેદવારોની સંપત્તિ ૧ કરોડથી વધારે છે.કોંગ્રેસના ૯૦ ઉમેદવારોમાં ૭૪ એટલે કે ૮૨ ટકા જ્યારે ભાજપના ૯૭ માંથી ૮૧ એટલે કે ૮૪ ટકા ઉમેદવારોની સંપત્તિ ૧ કરોડથી વધારે છે.બીજી તરફ સપાના ૧૦માંથી ૯,બસપાના ૧૨ અને શિવસેનાના ૭ ઉમેદવારોની સંપત્તિ ૧ કરોડથી વધારે છે. ચોથા તબક્કામાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૨.૯૫ કરોડ રૂપિયા છે.

કોંગ્રેસે વારાણસીમાં મોદી સામે ફરી અજય રાયને મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે વારાણસીથી અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. પહેલા અહીંથી પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવાની અટકળો હતી. પ્રિયંકાએ પોતે પણ કહ્યું હતું કે, જો પાર્ટી અધ્યક્ષ કહેશે તો વારાણસીથી ચૂંટણી લડવામાં મને ખુશી થશે. કોંગ્રેસે ગત વખતે પણ વારાણસી બેઠક પરથી અજયને જ ટિકિટ આપી હતી. અજય રાય પહેલા કોલસલા વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય રહ્યા હતા. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ સપાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ ૨૦૦૯માં અપક્ષ ધારાસભ્ય રહ્યા હતા. છેલ્લે અજય તમામ પક્ષો સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.