Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ પાસે ત્રાસવાદીઓએ અમરનાથ યાત્રીઓ પર કરેલા અંધાધૂંધ ગોળીબારથી ગુજરાતનાં સાત યાત્રીકોનાં મોત થયા હોવાની ગમખ્વાર ઘટનાના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડી રહ્યા છે. કાશ્મીરમાં આર યા પાર કરવાનો સમય પાકી ગયો હોવાનો લોકોનો મત છે.

બાબા અમરનાથના ભકતો ઉપરના આતંકી હુમલાને લઈ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણા શહેરો-ગામડાઓમાં પૂતળા દહન સહિતના વિરોધ માટે પ્રદર્શન વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની તૈયારી છે.

લોકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ સરકારને સણસણતા સવાલો પૂછ્યા હતા કે હવે આતંકવાદીઓના ખાત્મા માટે વધારે કોની રાહ જોવાય છે. આજે મહિલાઓ સહિત નિર્દોષ યાત્રીઓ ત્રાસવાદીઓની ગોળીથી વિંધાઇ ગયા છે હવે સરકારે એક પળ માટે પણ જંપીને બેસવું જોઇએ નહીં.

સંખ્યાબંધ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, જમ્મુ અને કાશ્મીરમાં પણ હાલ ભાજપનો સાથ ધરાવતી પીડીપીની સરકાર છે. આમ છતાં પણ ત્રાસવાદીઓ મનમાન્યું કરી જાય તે સૂચવે છે કે કાશ્મીર પર પક્કડ ઢીલી પડી છે. બુરહાન વાનીને ઠાર કરાયો તે પછી છેલ્લાં એક વર્ષથી કાશ્મીરમાં પરિસ્થિતિ સ્ફોટક બની છે. આ વખતે ઇન્ટેલિજન્સ અહેવાલોમાં આશંકા વ્યક્ત થતી જ હતી કે અમરનાથ યાત્રા પર હુમલો થશે. તેમ છતાં સલામતી વ્યવસ્થામાં કોઇ કચાશ રહી ગઇ કે કેમ તેની તપાસ થવી જોઇએ.

સંખ્યાબંધ લોકોએ એવા મેસેજ લખ્યા હતા કે જમ્મુ અને કાશ્મીરમાં પળના પણ વિલંબ વગર રાજ્યપાલ શાસન લાદી દેવું જોઇએ અને કેન્દ્ર સરકારના સીધા નિર્દેશ પ્રમાણે સૈન્યને છૂટો દોર સોંપી દેવો જોઇએ. એક એક ત્રાસવાદીની વીણી વીણીને ઠાર ના કરવામાં આવે ત્યાં સુધી સરકારે જંપીને બેસવું ના જોઇએ.

ફેસબૂક, ટ્વિટર, વ્હોટસ એપ સહિતનાં માધ્યમો ઉપરાંત રૂબરૂ ચર્ચાઓમાં પણ લોકોએ કાશ્મીરમાં છેલ્લાં એક વર્ષથી અલગતાવાદી તત્વો તેમનું ધાર્યું કરી જાય છે અને સરકાર માત્ર નિવેદનો આપીને બેસી રહે છે તે અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની વધેલી હિંમત સરકારના વધુ પડતા આત્મવિશ્વાસનું જ માઠું પરિણામ છે. ેટલાય લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે હિન્દુ મતોથી સરકાર ચૂંટાઈ છે ત્યારે જ ચીને માનસરોવર અને આતંકીઓએ અમરનાથ યાત્રા અટકાવી દીધી છે.છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમરનાથ યાત્રાએ જઇ આવેલા સંખ્યાબંધ યાત્રીઓએ જણાવ્યું હતું કે અમને પાછલાં વર્ષોમાં આ યાત્રા સરળતાથી પૂર્ણ કરવામાં કોઇ તકલીફ પડી નથી. સલામતી વ્યવસ્થા તથા અન્ય તમામ સગવડોની રીતે કોઇ ફરિયાદ ન હતી. પરંતુ, આ વખતે જ વાતાવરણ આટલી હદે વણસી ગયું છે. અમરનાથ યાત્રા પર ત્રાસવાદીઓનો કાયમ ડોળો રહેતો હોય છે પણ આ વખતે આતંકવાદીઓ તેમનો નાપાક ઇરાદો પાર પાડવામાં સફળ ગયા તે સરકારની નિષ્ફળતા સૂચવે છે. સોશિયલ મીડિયા પર ભાજપના કટ્ટર સમર્થકોએ પણ સરકાર પર ભારે રોષ ઠાલવ્યો હતો. કેટલાય લોકોએ વડાપ્રધાન મોદી સહિત સમગ્ર ભાજપને અપીલ કરી હતી કે રાહુલ ગાંધી ચીનના રાજદૂતને મળ્યા હોય કે ના મળ્યા હોય તેવા મુદ્દા ચગાવવાના રહેવા દો અને અત્યારે તાબડતોબ કાશ્મીરની પીડીપી પાર્ટી સાથે ભાજપનું જોડાણ તોડી નાખો. આ અપવિત્ર જોડાણે જ કાશ્મીર સહિત સમગ્ર દેશનું અહિત કર્યું છે.

આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના નેતાઓ કાર્યકરો યાત્રીકો પર થયેલા હુમલાના વિરોધમાં પૂતળા દહન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.