Abtak Media Google News

પતિની નજર સામે જ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: લોહીવાળી છરી સાથે જેતપુરના શખ્સની ધરપકડ.

જૂનાગઢના એ.જી.સ્કૂલ વિસ્તારમાં જેટકોના મહિલા અધિકારીની પતિની નજર સામે જ બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે જેતપુરના શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. હત્યા કરી ભાગી રહેલા મુસ્લિમ શખ્સને ટોળાએ છરી સાથે ઝડપી પોલીસ હવાલે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં રહેતા અને માણાવદર ખાતે જેટકોમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મનિષાબેન હરીનભાઇ વૈષ્ણવ પોતાના પતિ હરીનભાઇ સાથે એ.જી.સ્કૂલ સામે આવેલા સંવાદ કોમ્પ્લેક્ષમાં કામ અર્થે ગયા હતા.

એ.જી.સ્કૂલ પાસે જેતપુરના ફિરોઝ ગફાર નામના શખ્સ સાથે બાઇક અથડાતા થયેલી બોલાચાલીના કારણે મનિષાબેન વૈષ્ણવને છરીનો ઘા ઝીંકી ફિરોઝ ભાગી ગયો હતો. મનિષાબેન વૈષ્ણવ પર હુમલો થતા તેઓ ઘટના સ્થળે ઢળી પડતા ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા.

હુમલો કરી ભાગી રહેલા ફિરોઝ ગફારને ટોળાએ ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.

ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા પતિ હરીનભાઇ ઉર્ફે કાનાભાઇની નજર સામે જ પત્ની મનિષાબેન પર છરીથી હુમલો થતા તેઓ પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેણીનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

પોલીસે ફિરોઝ ગફાર ભાટી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.