Abtak Media Google News

પાણી, વાણી, પ્રકૃતિ, રાષ્ટ્રધર્મ અને સદાચારનું જતન કરી નવા વર્ષને વધાવવાની સંતોએ આપી શીખામણ

જુનાગઢ ગઈકાલે ધન-તેરસથી શરુ થતા દિપોત્સવના પર્વ નિમિતે અતિ પવિત્ર અને પાવનભૂમિ ગિરનાર તિર્થક્ષેત્રના સાધુ-સંતોએ સમગ્ર જન સમુદાય માટે શિખામણના શબ્દો સાથે આગામી નવા વર્ષ દરેક જનસમુદાય માટે આરોગ્ય, ધન, ધાન્ય તેમજ સુખી અને સમૃદ્ધ રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ જપ, તપ અને સિઘ્ધોની ભૂમિ આ ભૂમિના ઘણા સાધુ-સંતો અને મહંતો હાલ હિંદુ ધર્મ અને પરંપરાનું જતન કરી રહ્યા છે. આવા સંતોમાંના સંતોએ સમગ્ર જનસમુદાય માટે દિપોત્સવી પર્વ નિમિતે આશીર્વાદ પાઠવ્યા હતા.

ગુરુ ગોરક્ષનાથ આશ્રમના પ.પૂ.શેરનાથબાપુએ જણાવ્યું હતું કે, અતિ પવિત્ર અને પાવનભૂમિ નરસૈયાની આ નગરીમાંથી પ્રકાશપર્વ નિમિતે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરીએ જુનુ વર્ષ વીતી ગયું નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આ નવા વર્ષે સમાજની એકતા માતા-પિતા, અતિથી, ગુરુનું સન્માન થાય, સમાજમાં ગૌસેવા જેવા કાર્યો થાય, સમાજ શિક્ષિત અને દિક્ષીત થાય, વ્યસનથી દુર રહી પાણી, વાણીનું જતન કરી, વૃક્ષોનું જતન કરવા શીખ આપી હતી.

આવી જ રીતે મહામંડલેશ્વર વિશ્વભર ભારતીબાપુએ આ દિપોત્સવી પર્વથી શરૂ થતા વિક્રમ સંવત ૨૦૭૫ના નવા વર્ષ માટે દિપાવલીની શુભકામના પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, દરેક ભાવિક ભકતોના ધર્મ અને સંસ્કાર જળવાઈ રહે સાથે સૌનુ સુખ, સૌનો સાથ, સૌનો વિકાસ થાય સમાજમાંથી ભય, ભુખ અને ભ્રષ્ટાચાર નાબુદ થાય, વ્યસન અને ફેશન દુર થાય તેમજ બને તેટલા એકબીજાને સહયોગી થાય.

તેમજ દરેકને આઘ્યાત્મીક ચેતના દ્વારા આઘ્યાત્મીક ઉર્જા પ્રાપ્ત થઈ દરેકનો વિકાસ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. અખાડા પરીષદના સંરક્ષણમંત્રી તેમજ ભવનાથના મહંત હરીગીરી મહારાજે દિપોત્સવ પર્વ નિમિતે ગીરનારની તિર્થભૂમિના દરેક સંતોને યાદ કરી ધનતેરસથી શરૂ થતા આ પ્રકાશપર્વ અને ખાસ કરીને લક્ષ્મી અને ધનના આ પર્વ માટે ધન પ્રાપ્ત કરવું તેમજ દાન ખર્ચ કરવું તે બાબતે કહ્યું હતું કે, આજના દિવસથી દિપાવલી પર્વ માટે જરૂરીયાતમંદ માણસોમાં ધન ખર્ચ કરવાથી દાન,ધર્મ,પૂણ્યના કાર્યો આ દિવસોમાં કરવાથી આગામી સમયમાં તેમનો બહોળો લાભ મળે છે તેવું આ દિવસોનું મહાત્મય છે. સાથે સાથે આ પર્વ નિમિતે દરેકને આશીર્વાદ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.