જૂનાગઢ: ગૌચરની જમીનમાં ખનીજચોરી, 25 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

માંગરોળના સાંગાવાડા અને દિવાસા વચ્ચે ગૌચરની જમીનમાં ગેર કાયદેશર ધમધમતી ખાણો પર પોલીસ તથા ખાણખનીજ વિભાગે ત્રાટકી, રાજકિય ઓથ નીચે ચાલતી ખનીજ ચોરી ઝડપી પાડી હતી અને ગેર કાયદેસર રીતે ખનીજ ભરાયેલા ૩ ટ્રક તથા ૯ ચકરડી સહિત અંદાજિત રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ ડીટેન કરી ૩ ટ્રક ચાલકોને પકડી પાડી, વિશેષ તપાસ હાથ ધરાઇ છે. જેને લઇ ને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આ અંગે માંગરોળ નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના જણાવ્યા અનુસાર શીલ પોલીસને બાતમી મળેલ હતી કે, માંગરોળના શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાંગાવાડા અને દિવાસા વચ્ચે આવેલ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે.

આથી શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચુડાસમા તેમના સ્ટાફ સાથે બાતમી વાળા સ્થળે પહોંચી તપાસ કરતાં ખનીજ ચોરી થતી હોવાનું માલુમ પડતાં પથરો ભરેલા ત્રણ ટ્રક તથા ૯ ચકરડી મળી કુલ રૂપિયા આશરે ૨૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટ્રક ચાલક અલ્તાફ બાપુશા, અરવિંદ લખમણભાઇ મોકરીયા અને ઇકબાલ સર વરખાન બેલીમની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માંગરોળ ડીવાયએસપી પુરોહિતના વધુમાં જણાવ્યા અનુસાર શીલા વિસ્તારમાં જગદીશભાઈ ડાકી નામના વ્યક્તિ પાસે લાઇમ સ્ટોન કાઢવાની મંજૂરી હતી પરંતુ મંજૂરી વાળી જગ્યા સિવાય અન્ય સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી હતી, જે બાબતની બાતમી મળતા શીલ પોલીસે આજે દરોડા પાડી ૩ ડ્રાઇવર સહિત લાઇમ સ્ટોન ભરેલા ૩ ટ્રક અને ૯ ચકરડીઓ મળી અંદાજિત આશરે રૂ. ૨૫ લાખ જેટલાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને ખાણ ખનીજ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગને સાથે રાખીને વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય ઓથ નીચે ખનીજ ચોરી ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી અને ખનિજ ચોરો દ્વારા મહામૂલી ખનીજ ચોરી બેફાગ થઇ રહી હતી, ત્યારે પોલીસને બાતમી મળતાં પોલીસે કડક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Loading...