Abtak Media Google News

ગંભીર ઈજાઓ થતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા

જુનાગઢ મનપાના કચરા કલેકશન માટે દોડતા વાહનો સવારના સુમારે જાણે રેસમાં ઉતર્યા હોય તેમ શહેરની ગલીઓમાં કચરા કલેકશન વાનો કુદાવે છે. ગઈકાલે સવારના સુમારે દાતાર રોડ પાસે આવેલ દુબડી પ્લોટના કૈલાસનગરમાં એક વૃદ્ધાને આ વાને હડફેટે લેતા વૃદ્ધાને ગંભીર ઈજાઓ થતા પ્રથમ જુનાગઢ અને બાદમાં રાજકોટ વધુ સારવાર માટે ખસેડવા પડયા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર ગઈકાલે સવારના સુમારે મનપાની ડોર ટુ ડોર કચરા કલેકશનમાં નીકળતા વાને દાતાર રોડ પાસે આવેલા દુબડી પ્લોટના કૈલાસનગર વિસ્તારમાં શેરી નં.૭માં રહેતા કંચનબેન ઓધાભાઈ (ઉ.વ. આશરે ૫૨) વાળાને હડફેટે લઈ રીતસર કચડતા બંને પગમાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવા પડેલ જયાં ફરજ પરના તબીબે તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા પડેલ. સવારના સુમારે શહેરના સુમસામ રસ્તાઓ પર આ કચરા કલેકશનના વાનો માંતેલા સાંઢની જેમ રખડે છે તેવું આ ઘટના બાદ ઉપસ્થિતોમાં ચર્ચાયું હતું.

એથી વિશેષ કચરા કલેકશનની ગાડીઓમાં આડેધડ ડ્રાઈવરો બદલતા હોય અમુક ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ ન હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. નિર્દોષ શહેરીજનો, બાળકો, વૃદ્ધા સવારના સમયે રસ્તા પર નીકળે છે એવા વિચાર સાથે કે હાલ ટ્રાફિકમાં મહદઅંશે શાંતી હશે પણ ગલીખાચામાંથી ઓચિંતા જ પુરપાટ ઝડપે નીકળતા આ કચરાના વાનોએ અવાર-નવાર અનેકને હડફેટે લીધા છે.

પોલીસ ફરિયાદો ન હોવાના કારણે અને સવારના સુમારે ટ્રાફિક પણ ન હોવાના કારણે આ વાન ચાલકો આરામથી છટકી જાય છે. આવા વાન ચાલકો પર મનપાના સતાવાળાઓએ લગામ લગાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.