Abtak Media Google News

સ્થાનિક નેતાઓના સંકલનના અભાવ અને જુથવાદના કારણે એક જ સમયે બે જગ્યાએ કાર્યક્રમ

જુનાગઢમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં સ્થાનિક તેમજ સોરઠ પંથકની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં સુપડા સાફ થયા હતા. ૨૧૦ જેટલા કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસને જાકારો આપી ભાજપમાં ઝંપલાવ્યું હતું. બાકી બચેલા કાર્યકરોમાં જુસ્સો અને પ્રાણ ફુંકવા ધારાસભ્ય તેમજ શહેર કોંગ્રેસની આગેવાનીમાં શિવમ્ પાર્ટી પ્લોટ ખાતે વિજય વિશ્ર્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. જયારે આજ સમયે જુનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા સતિષ વિરડાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. સંમેલન માટે પૂર્વ મંજુરી ન હોય તંત્રએ પોલીસને સાથે રાખી કાર્યક્રમના માઈકો બંધ કરાવ્યા હતા.

શહેર કોંગ્રેસ દ્વારા વિજય વિશ્ર્વાસ સંમેલન રાખવામાં આવ્યું હતું જેનો સમય આમ તો ૧૦:૩૦નો હતો પણ માંડ માંડ કાર્યકરો એકઠા થતા એક કલાક બાદ સંમેલન શરૂ થયું હતું. જેમાં જીલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો, શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા જોઈએ એટલા લોકો તો ઠીક કાર્યકરો માંડ આવતા મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી તેમાંય નેતાઓની મુર્ખામીનું ઉદાહરણ તુરંત સામે આવી ગયું હતું. કેમ કે આ સંમેલન યોજવા માટે કોઈપણ પ્રકારની મંજુરી લીધી ન હોય તંત્રએ પોલીસ સાથે આવીને કાર્યક્રમ અટકાવ્યો હતો. જોકે બાદમાં નેતાઓને માઈક વગર ભાષણબાજી કરીને ભાજપના વાવાઝોડામાં વિખેરાઈ ગયેલા કાર્યકરોમાં પ્રાણ ફુંકવા પ્રયત્નો કર્યા હતા.

જયારે બીજીબાજુ વિરોધ પક્ષના નેતાએ સંકલનના અભાવે સંમેલનના સમયે જ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનો કાર્યક્રમ રાખ્યો હતો. સંકલન અને જુથવાદના કારણે હાલ સ્થાનિક કોંગ્રેસ રિતસર એક તબકકે પડી ભાંગી હોય તેવું તેમના જ કાર્યકરોને લાગી રહ્યું છે. ટોચની નેતાગીરી આ મામલે સત્વરે દરમિયાનગીરી નહીં કરે તો ઘણું ભોગવવું પડશે તેવું કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.