જુનાગઢ: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો સજજ: તૈયારીનો ધમધમાટ

ગણતરીના દિવસોમાં ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પાડવાની આતુરતાથી જોવાતી રાહ

જુનાગઢ જિલ્લા પંચાયત તથા ૯ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સજજ છે અને તૈયારીઓનો ધમધમાટ શ‚ કરી દેવાયો છે. હવે ગણતરીના દિવસોમાં જ ચુંટણીઓને લઈને જાહેરનામું બહાર પાડવાની રાજકીય પક્ષો દ્વારા આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. હજુ જાહેરનામા બહાર પડયા નથી, કે ચૂંટણીની તારીખો પણ નક્કી થઈ નથી, એ પહેલા જ ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી સહિતના તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી ની તૈયારીઓ આરંભી દીધી છે, અને હજુ ટિકિટ નામની ક્ધયા જડી નથી ત્યાં તો ચુંટણી લડવા થનગનતા ઉમેદવારોએ પોતાનો પ્રચાર અને જન સંપર્ક પણ શરૂ કરી દિધો છે. જુનાગઢ જિલ્લા પંચાયત તથા ૯ તાલુકા પંચાયત ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે ગણતરીના દિવસોમાં આવી રહી છે, જે માટે ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ છે, માત્ર ચૂંટણીની તારીખ અને જાહેરનામાનો ઇન્તજાર છે, ત્યારે બીજી બાજુ આ ચૂંટણી જંગ લડી લેવા માટે તમામ રાજકીય પક્ષો અને ટિકિટ ઈચ્છુક ઉમેદવારો તથા આગેવાનો અને કાર્યકરો થનગની રહ્યા છે.

જુનાગઢ જિલ્લા અને ૯ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગત નવેમ્બર માસમાં યોજાનાર હતી. પરંતુ કોરોના મહામારીને લઇ આ ચૂંટણીઓ પાછળ ઠેલાઈ હતી. અને ગણતરીના દિવસોમાં જ ચૂંટણીઓ લઈને જાહેરનામું બહાર પડે તેનો આતુરતાથી ઇન્તજાર થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે તમામ રાજકીય પક્ષ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને આગેવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો જેની ટીકીટ પાકી જ છે, એવા સંભવિત ઉમેદવારોએ લોક સંપર્ક શરૂ પણ કરી દીધા છે.

આ વખતે કોંગ્રેસ પોતાનું ઘર સાચવી રાખવાની મથામણમાં પડતું છે, અને હાલમાં ખેડૂત પ્રશ્નોને લઈને ખેડૂત સંમેલનો કરાઈ રહ્યા છે અને ખેડૂતોના મતો અંકે કરવા ખેડૂતોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો, ભાજપ આ વખતની ચૂંટણી ને જીતી લેવા માટે તમામ પ્રયત્નોમાં લાગી ગયા છે. અને પેજ પ્રમુખો સહિતની કામગીરી કરી, વધુમાં વધુ લોકો સુધી ભાજપનું કમળ પહોંચાડી, મત પેટી સુધી લાવવા માટે જીલ્લા પ્રમુખની લઇને સામાન્ય કાર્યકર જોતરાઈ ગયા છે. જો કે, કોઈપણ રાજકીય પાર્ટી દ્વારા હજુ કોઈ જ ઉમેદવારના નામની યાદીની જાહેરાત કરાઇ નથી. પરંતુ સંભવિત અને ટિકિટ વાંચ્છુકો દ્વારા અત્યારથી પોતે ઉમેદવાર હોય તે રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દિધો છે, અને ગુપ્ત બેઠકોનો દોર શરૂ કર્યો છે. તો પાર્ટી દ્વારા પોતાનો કોણ ઉમેદવાર જીતી શકે છે, તે મુદ્દે સર્વે પણ શરૂ કરી દીધો છે.

Loading...