Abtak Media Google News

એચઆઇવી અસરગ્રસ્ત લોહી ચઢાવવાથી ૨૮ બાળકો ભોગ બન્યા હતા: સીબીઆઇ ૧૬મીએ દલીલ કરશે

વર્ષ ૨૦૧૧ જૂનાગઢ એચઆઇવી કાંડ મામલે સીબીઆઇએ તપાસ કરી સ્પે. કોર્ટમાં કેસ ન બનતો હોવાનો મુદ્દો ટાંકી રિપોર્ટ રજુ કર્યો હતો. જો કે, તેની સામે ફરિયાદ પક્ષે વાંધો રજૂ કર્યો હતો. જેની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે, ભાજપના નેતા મહેન્દ્ર મશરૂની સર્વોદય બ્લડ બેંક હતી. તે ટ્રસ્ટ હોવા છતાં તેને બ્લડ બેંકનો હોદ્દો આપવામાં આવ્યો છે અને સીબીઆઇએ ખોટી રીતે આરોપીઓને ક્લિન ચીટ આપી છે ત્યારે કોર્ટે તમામ સામે કોગનીઝન્સ લેવું જોઇએ. આ મામલે ફરિયાદ પક્ષે સુનાવણી પૂર્ણ કરતા હવે ૧૬મીએ સીબીઆઇ દલીલ કરશે ઉપરાંત ફરિયાદ પક્ષ હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ દ્વારા રજૂ કરાયલો રીપોર્ટ ભાજપના એમએલએ મહેન્દ્ર મશરૂના દબાણ હેઠળ તૈયાર કરાયો હોવાનો આક્ષેપ પણ આ કેસમાં થયો હતો.

વર્ષ ૨૦૧૧માં જૂનાગઢમાં એચઆઇવી અસરગ્રસ્ત લોહી બાળકોને ચઢાવતા ૨૮ બાળકો એચઆઇવીનો ભોગ બન્યા હતા. જેમાંથી પહેલાં પાંચ અને પછી ત્રણ એમ કુલ આઠ બાળકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ત્યારે આ કેસમાં સીબીઆઇ તપાસ કરી કોઇ ગુનો ન બનતો હોવાનું તથા બલ્ડ બેંકના કર્મચારીઓ સામે બેદરકારી હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, તેની સામે વાંધો રજૂ કરતા ફરિયાદ પક્ષે એડવોકેટ પરેશ વાઘેલાએ એવી દલીલ કરી હતી કે, દેશની સૌથી વિશ્વાનીય એજન્સી આ પ્રકારે તપાસ કરી ક્લિન ચીટ આપે તો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખી શકાય. બેદરકારી છે તો ગુનો તો બને જ છે, બ્લડ બેંક સિવિલ હોસ્પિટલની ગાડી સહિતના સાધનો ગેરકાયદે વાપરતી હોવાનો પણ ખુલાસો થયો છે અને હાઇકોર્ટે પણ કસુરવારો સામે પગલાં ભરવા સાથે તપાસ સોંપી હતી. H.I.V.રોગનાં શિકાર બાળકો ક્યારેય સર્વોદય બ્લડ બેંક સિવાય અન્ય કોઇ સ્થાને બ્લડ માટે ગયા નથી, તો આ ઘટનામાં બ્લડ બેંક શા માટે જવાબદાર નથી?. જો C.B.I.તપાસ અનુસાર જો આરોપીઓ જવાબદાર નથી તો બાળકોને એચ.આઇ.વી. રોગ લાગુ કઇ રીતે પડ્યો?, જો સર્વોદય બ્લડ બેંકનાં જવાબદાર વ્યક્તિઓ આ મામલામાં જવાબદાર નથી તો તેમણે લેબોરેટરીનાં બોર્ડ શા માટે ઉતારી લીધા છે?, સીબીઆઇ જણાવે છે કે બેદરાકારી છે પરંતુ ઇરાદો ન હતો, આરોપીઓની બેદરકારી નથી તો બનાવ કેવી રીતે બન્યો?, આરોપીઓની બેદરકારી નથી તો કોની બેદરકારી છે?, ભાજપના નેતા મહેન્દ્ર મશરૂની સર્વોદય બ્લડ બેંકને કાયદેસરની પરવાનગી જ ન હતી, તેઓ ટ્રસ્ટના ઓથા હેઠળ બ્લડ બેંક ચલાવતા હતા અને ફંડ પણ મેળવતા હતા, જો આ બ્લડ બેંકનું કાર્ડ ન હોય તો જુનાગઢ સિવિલ બ્લડ પણ ચઢાવતી ન હતી. જેથી સમગ્ર મામલે ગુનો બને છે જેથી કોર્ટે સીબીઆઇનો રિપોર્ટ ફગાવી આરોપીઓ સામે કોગનીઝન્સ લેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.