Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજનાનું વિસ્તરણ નવેમ્બર માસના અંત સુધી કરી દેશનાં ૮૦ કરોડ નાગરિકોને વિનામૂલ્યે પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો ચણા આપવાનો નિર્ણય દેશની કેન્દ્ર સરકારની દેશના નાગરિકો પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવે છે, આ નિર્ણયને હું સહૃદય આવકારું છું.

વાઘાણીએ જણાવ્યું હતું કે લોકડાઉનના તુરંત બાદ થી અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સહાય યોજના થકી એપ્રિલથી નવેમ્બર માસના અંત સુધીમાં દોઢ લાખ કરોડથી વધુના મૂલ્યનું અનાજ દેશના ૮૦ કરોડ નાગરિકોને વિનામુલ્યે પ્રાપ્ત થશે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના આયુષ્માન ભારત યોજનાની જેમ જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સહાય યોજના પણ વિશ્વની સૌથી મોટી અન્ન સુરક્ષા યોજના બની છે.  વિશ્વના ઘણા વિકસિત દેશોની કુલ વસતી કરતાં પણ વધુ નાગરિકોને વિનામૂલ્યે અનાજ સહાય પ્રાપ્ત થઇ રહી છે તે નોંધનીય બાબત છે. કોંગ્રેસ પ્રધાનમંત્રી જનધન યોજનાની ટીકા કરતી હતી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાનું પરિણામ છે કે આજે કોરોનાના સંકટના સમયમાં ૨૦ કરોડ થી વધુ જનધન ખાતામાં ૩૧ હજાર કરોડથી વધુની રકમ સીધી જમા કરાવવામાં આવી છે, આ ઉપરાંત છેલ્લા ત્રણ માસમાં ૯ કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં ૧૮૦૦૦ કરોડ રૂપિયા ડીબિટી મારફત સીધા જમા કરાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર જગતના તાત એવા ખેડૂતો અને દેશના ગરીબોની પડખે ઊભી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.