Abtak Media Google News

ટેકસટાઈલ ઉદ્યોગને જીએસટી રિફંડ છ-છ મહિનાથી ન અપાતા ગુંગળામણ: નાના અને મધ્યમ એકમોની પરિસ્થિતિ દયનીય બની

રાજયમાં રૂ.૧૦૦ કરોડથી વધુ જીએસટી રિટર્ન સલવાઈ ગયા

જેતપુર, રાજકોટ, અમદાવાદ અને સુરતના ટેકસટાઈલ ઉદ્યોગોને જીએસટી રિફંડમાં તંત્રની લાલીયાવાળીના કારણે ફટકો પડયો છે. જીએસટી રિફંડ છ-છ મહિનાથી પેન્ડીંગ હોવાથી ઉદ્યોગો ગુમળામણ અનુભવવા લાગ્યા છે. માત્ર એકલા ગુજરાતમાં જ રૂ.૧૦૦ કરોડનું જીએસટી રિટર્ન પેન્ડીંગ હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હજુ સુધી એક પણ જીએસટી રિટર્ન રિફંડ કરવામાં આવ્યું નથી. જેના કારણે ઉદ્યોગો આર્થિક અકળામણ અનુભવે છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ તકલીફ પડી રહી છે. રો-મટીરીયલના ભાવ વધતા ઈન્પુટ કોસ્ટ વધી છે. અધુરામાં પૂરું તંત્રએ રિફંડ દબાવી રાખતા ઉદ્યોગોને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

નિષ્ણાંતોના કહ્યાં મુજબ ટેકસટાઈલ પ્રોસેસીંગ માટે ઉપયોગમાં લેવાતા કલર અને કેમીકલ સહિતના મટીરીયલ્સનો ભાવ આસમાને પહોંચી ગયો છે. કૌસ્ટીક સોડા અને કોસ્ટીક લાઈના ભાવમાં ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત કલરના કેમીકલના ભાવ પણ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વધી ગયા છે.

ઉદ્યોગકારોના નાણા જીએસટી રિટર્નમાં સલવાઈ જતા નવા ઓર્ડર માટે પણ તકલીફ પડવા લાગી છે. કેટલાક ઉદ્યોગકારો ફરિયાદ કરી રહ્યાં છે કે, જીએસટીના દર કરતા સલવાઈ રહેલું રિફંડ ખૂબજ વધુ છે. જીએસટી રિફંડમાં થતી લાલીયાળીના પરિણામે હાલ તો જેતપુર, રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના ક્ષેત્રોની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ ડચકા ખાવા લાગી છે. સરકાર ટૂંક સમયમાં રિફંડ માટેની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.

એક તરફ રો-મટીરીલ્સના વધતા ભાવ, બીજી તરફ જીએસટીમાં સલવાઈ રહેલા નાણાના કારણે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને માઠી અસર પહોંચી રહી છે. રાજયનું ટેકસટાઈલ ઉદ્યોગ જીએસટીના કારણે વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જીએસટી દર અને ઈન્પુટ પ્રોસેસ પરના એવરેટ ટેકસમાં પણ અસમાનતા હોવાથી મોંઘુ પડી રહ્યું છે તેવી ફરિયાદો ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.