જેતપુર-જામકંડોરણા વિધાનસભામાં ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલનમાં માનવમેદની ઉમટી

કોંગ્રેસને જોરદાર ફટકો: જામકંડોરણાના જિલ્લા પંચાયતના કોંગી સભ્ય મનોજ બાલધાના સગાભાઈ ભરતભાઈ બાલધા ભાજપમાં જોડાયા: યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાએ ખેસ પહેરાવી આવકાર્યા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સતા પર આવી રહ્યું હોવાનું તમામ સર્વે બતાવી રહ્યા છે. આ સર્વેને જાણે જેતપુર-જામકંડોરણા તાલુકાના લોકો સમર્થન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જેતપુર-જામકંડોરણા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનું વિજય વિશ્ર્વાસ સંમેલન મળ્યું હતું.

જેમાં ૨૫ હજારથી વધુ લોકો ઉમટી પડતા કોંગ્રેસે મતદાન પહેલા જ હાર સ્વિકારી લીધી હતી. જેતપુર અને જામકંડોરણા તાલુકાના વિકાસ રથને વેગ આપવા માટે ફરી જયેશભાઈ રાદડિયાને વિજેતા બનાવવા મતદારોએ અડિખમ સંકલ્પ લઈ લીધો છે. કોંગ્રેસને જોરદાર ફટકો પડયો છે. જામકંડોરણાના જિલ્લા પંચાયતના કોંગી સભ્ય મનોજભાઈ બાલધાના સગાભાઈ ભાજપમાં જોડાતા કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે.

ભારતીય જનતા પાર્ટીના જેતપુર-જામકંડોરણા વિધાનસભા મત વિસ્તારના વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ૨૫ હજારથી વધુ મેદની ઉમટી પડી હતી. આ તકે રાજય સરકારના યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાએ મતદારોને એવું વચન આપ્યું હતું કે, તેઓ જેતપુર અને જામકંડોરણા પંથકમાં વિકાસ કામોને વેગ આપવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે. આ બંને તાલુકાઓને ગુજરાતના સર્વેશ્રેષ્ઠ તાલુકા બનાવવાની તેઓની નેમ છે.

જેતપુર અને જામકંડોરણા પંથકના લોકોને ઘરઆંગણે તમામ સુવિધાઓ મળી રહે તેવી રીતે કામ કરવાનું આવશે. આ તકે પાર્ટીના વરીષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય વિશ્ર્વાસ સંમેલનમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ જગદીશભાઈ પાંભર તેમજ જામકંડોરણાના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય મનોજ બાલધાના સગાભાઈ ભરત બાલધા ભાજપમાં જોડાતા કોંગ્રેસને જોરદાર ફટકો પડયો છે.

સાંસદ પિતા અને લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા વર્ષોથી લોકોની અડિખમ સેવા કરવા માટે જાણીતા છે. અડધી રાત્રે હોકારો આપે તેવા નેતાના પુત્ર એવા જયેશભાઈ રાદડિયાને ફરી એક વખત જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠક પરથી ઐતિહાસિક લીડ સાથે જીતાડી ધારાસભ્ય બનાવવા અને ત્યારબાદ કેબિનેટ મંત્રીપદે બેસાડવા માટે હજારો મતદારોએ સ્વયંભૂ સંકલ્પ લઈ લીધો છે.

જેતપુર-જામકંડોરણા બેઠક પર જાણે ભાજપનું જોરદાર વાવાઝોડુ ફુંકાયું હોય તેવું લાગી રહ્યું છે. મતદાન પહેલા જ કોંગ્રેસે હાર માની લીધી હોય તેમ કોંગી ઉમેદવાર કે કાર્યકરો હવે પ્રચારમાં નિકળવાની હિંમત કરતા નથી. એક તરફ કોંગ્રેસને પ્રજા જાકારો આપી રહી છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર અને યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાને લોકસંપર્ક અને પ્રચારમાં મતદારો ઉમળકાભેર આવકાર આપે છે.

Loading...