Abtak Media Google News

ગ્રાહકોને આઇયુસી ટોપ અપ વાઉચરનાં મૂલ્ય જેટલો ડેટા ફ્રી મળશે જિયોનાં ગ્રાહકો માટે ટેરિફમાં કોઈ વધારો નહીં

ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યાં પછી કોલ ટર્મિનેશન ચાર્જીસ માટેની સનસેટ જોગવાઈની સમીક્ષા લંબાવતા અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેનાં પરિણામે અબજોપતિ મુકેશ અંબાણી જિયોએ બુધવારે જાહેરાત કરી હતી કે, ટેલીકોમ ઓપરેટરનાં યુઝર્સ દ્વારા હરિફ નેટવર્ક ઓપરેટર્સનાં યુઝર્સને થતાં વોઇસ કોલ પર મિનિટદીઠ ૬ પૈસા ચાર્જ વસૂલશે, પણ યુઝર્સને આ રકમ જેટલાં મૂલ્યનો ફ્રી ડેટા આપીને એની ભરપાઈ કરી દેશે.

જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ટેલીકોમ ઓપરેટર્સ જિયોને એનાં યુઝર્સ દ્વારા હરિફ ઓપરટેર્સનાં નેટવર્ક પર કોલ કરવા માટે ચુકવણી કરવી પડશે, ત્યાં સુધી મિનિટદીઠ ૬ પૈસાનો ચાર્જ લાગુ રહેશે.

આ ચાર્જીસ જિયો યુઝર્સ દ્વારા અન્ય જિયો ફોન પર તથા લેન્ડલાઇન ફોન પર તેમજ વ્હોટ્સએપ, ફેસટાઇમ અને આ પ્રકારનાં અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થતાં કોલ પર લાગુ થતાં નથી. તમામ નેટવર્કમાંથી આવતાં ઇનકમિંગ કોલ પર પણ કોઈ ચાર્જ નહીં લાગુ પડે.

ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ વર્ષ ૨૦૧૭માં કથિત ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જ (આઇયુસી) મિનિટદીઠ ૧૪ પૈસાથી ઘટાડીને ૬ પૈસા કર્યા હતાં અને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાનો અંત જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં આવશે. પણ હવે આ વ્યવસ્થાને લંબાવવાની જરૂર છે કે નહીં એની સમીક્ષા કરવા એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.

જિયો નેટવર્ક પર વોઇસ કોલ ફ્રી હોવાથી કંપનીને ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી હરિફ કંપનીઓને રૂ. ૧૩,૫૦૦ કરોડની ચુકવણી કરવી પડી હતી. ટ્રાઈનાં આ પગલાથી થયેલા નુકસાનની વસૂલાત કરવા કંપનીએ ગ્રાહકો પાસેથી હરિફ નેટવર્ક પર થતાં દરેક કોલ પર મિનિટદીઠ ૬ પૈસા વસૂલવાનો નિર્ણય લીધો છે.

હવે પહેલી વાર બનશે કે જિયો યુઝર્સને વોઇસ કોલ માટે ચુકવણી કરવી પડશે. હાલ જિયો ફક્ત ડેટા માટે ચાર્જ લે છે અને દેશમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ નેટવર્ક પર વોઇસ કોલ ફ્રી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,કન્સલ્ટેશન પેપરે નિયમનકારક અનિશ્ચિતતા ઊભી કરી હોવાથી આઇયુસી ચાર્જ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી જિયોને અનિચ્છાએ, પણ ફરજિયાતપણે તમામ ઓફ-નેટ મોબાઇલ વોઇસ કોલ માટે મિનિટદીઠ ૬ પૈસાનાં આ નિયમનકારક ચાર્જ વસૂલવાની ફરજ પડી છે.

જિયોનાં જે ગ્રાહકો બુધવારથી રિચાર્જ કરાવશે, તેમને અન્ય મોબાઇલ ઓપરેટર્સને કોલ કરવા માટે આઇયુસી ટોપ-અપ વાઉચર્સ મારફતે મિનિટદીઠ ૬ પૈસાનાં પ્રવર્તમાન આઇયુસી દરનો ચાર્જ લાગુ થશે. જ્યાં સુધી ટ્રાઈ ઝીરો ટર્મિનેશન ચાર્જની વ્યવસ્થા ન લાવેસ, ત્યાં સુધી આ ચાર્જ લાગુ થશે. જિયોએ જણાવ્યું હતું કે, “જિયો આઇયુસી ટોપ-અપ વાઉચર વપરાશને આધારે સમકક્ષ મૂલ્ય જેટલો વધારાનો ડેટા પ્રદાન કરશે. એનાથી ગ્રાહકો માટે ટેરિફમાં કોઈ વધારો નહીં થાય.

જિયોએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવા અન્ય ઓપરેટર્સે આઇયુસી ચાર્જ પેટે ચોખ્ખા રૂ. ૧૩,૫૦૦ કરોડની ચુકવણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.