Abtak Media Google News

સ્વરક્ષા માટે પ૦ સાઘ્વીજીઓ ‘દંડ પ્રહાર’ ની તાલીમ લઇ રહ્યા છે

સામાન્ય રીતે લાકડીના સહારે ચાલી શકાય છે પરંતુ કયારેક આ લાકડીનો પ્રહાર સ્વ બચાવ માટે પણ થઇ શકે છે. સુરતના ગોપીપુરામાં આવેલા શિતલવાડી ઉપાશ્રયમાં જૈન સાઘ્વીજી મહારાજની છેડતીની ઘટનાને લઇ જૈન સમાજ હમમચી ઉઠયો છે. સ્વ બચાવ માટે હવે જૈન સાઘ્વીજીઓ ઝાંસીની રાણી બનશે તેઓ હવે અત્યાચારનો સામનો કરવા સેલ્ફ ડિફેન્સના પાઠ શીખી રહ્યા છે. સુરતમાં પ૦ જેટલા સાઘ્વીજીઓ ‘દંડ પ્રહાર’ની તાલીમ લઇ રહ્યા છે. રસ્તા ઉપર લાકડીના સહારે એકલા ચાલતા સાઘ્વીજીઓ આજે લાકડીનો સ્વબચાવ તરીકે ઉપયોગ કરશે.

સાઘ્વીજીઓ આચાર્યશ્રીઓની પ્રેરણાથી ર૦ થી ૪૦ વર્ષ સુધીના સાઘ્વીજીઓને સ્વરક્ષાની તાલીમ આપવાનો ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. સુરતના કૈલાસનગરમાં આવેલ જૈન ઉપાશ્રયમાં સ્વરક્ષાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા દંડ પ્રહાર ની તાલીમ આપવાની શરુઆત કરાઇ છે.

જૈન સમુદાયે સાઘ્વીજીઓને મુશ્કેલ સમયે અસામાજીક તત્વોના હુમલા સામે તાત્કાલીક રક્ષણ મેળવવા અને પ્રતિકાર કરવાના આશય સાથે આ તાલીમનું આયોજન કર્યુ છે. સાઘ્વીજી મહારાજમાં રહેલી આત્મશકિતનું બળ જાગૃત કરવા આ તાલીમ મહત્વની સાબિત થશે. આ તાલીમ થકી સાઘ્વીજી મહારાજ ફકત માનની જ નહીં હિંસક પશુઓની સામે પણ પોતાનું રક્ષણ કરી શકશે.

આ અંગે વધુ જણાવતા જીવન કલ્યાણ ટ્રસ્ટના આસીત ગાંધીએ કહ્યું કે, તાજેતરમાં જૈન સાઘ્વીજીઓ પર થયેલા અત્યાચારની ઘટનાને લઇ સાઘ્વીજીઓએ સ્વરક્ષા માટે સેલ્ફ ડીફેન્સ ટ્રેનીગની માંગ કરી અને કહ્યું કે અમે વિવિધ સ્થળોએ સમયાંતરે એકલા જ ચાલીએ છીએ અને કયારેય અત્યાચારનો ભોગ ન બનીએ તે માટે અમારે કેટલીક ટેકનીકનો અભ્યાસ કરવો છે.

જેનાથી અમે સ્વબચાવ કરી શકીએ આ માટે જ સાઘ્વીજીઓને દંડ પ્રહાર ની તાલીમ આપવામાં આવી રહી છે.મહત્વનું છે  જૈન સમાજ અહિંસાનો પૂજારી છે. તેઓ નાના જીવની પણ હિંસા કરતા નથી. સાઘ્વીજીઓની સ્વરક્ષાની ટ્રેનીંગ આપી કોઇને મારવાનો ઉદ્દેશ્ય નથી પરંતુ સાઘ્વીજીઓને હાની પમાડનાર વ્યકિત ભય પામે અને સ્વરક્ષણ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.