Abtak Media Google News

આગામી લોકસભા ચૂંટણીની વૈતરણી પાર કરવા મોદીએ મણકા જોડયા

નીતિશકુમારની આગેવાનીવાળા જદયુના બિહારના સાંસદ હરિવંશ નારાયણસિંહને ટેકો જાહેર કરી ભાજપે એક કાંકરે અનેક પક્ષી માર્યા

રાજયસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રાજયસભામાં આજે થઈ રહેલી આ ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની બની રહેશે. ભારતીય જનતા પક્ષે જદયુના બિહારના સાંસદ હરિવંશ નારાયણસિંહને ટેકો જાહેર કરી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. બીજી તરફ નવીન પટનાયકની આગેવાનીવાળા બીજા જનતા દળે પણ ભાજપના પગલે-પગલે ચાલવાનો નિર્ણય લેતા મોદી સરકાર માટે લોકસભા ચૂંટણી જીતવાનો રસ્તો સાફ તો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસની આગેવાની ધરાવતા મહાગઠબંધનમાં મોદી સમકક્ષ લોકપ્રિય ચહેરો નથી. મોદીની સામે ઉભો રહી શકે તેવો એકમાત્ર નેતા નીતિશ કુમાર છે જેને પોતાની તરફેણમાં લઈ ભાજપે વિરોધ પક્ષો માટે વિકલ્પ રાખ્યો નથી. આ ઉપરાંત જદયુના નેતાને ઉપસભાપતિ બનાવવાની પેરવી કરી નીતિશકુમારને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરાંત અવાર-નવાર માથું મારતા શિવસેના સહિતના સાથી પક્ષોને શાનમાં સમજી જવા સીધો સંદેશ આપ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજા જનતાદળે એનડીએના ઉમેદવાર કોવિંદને સર્મન આપ્યું હતું. જયારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ગોપાલકૃષ્ણ ગાંધીની પડખે હતો. અવિશ્વાસના પ્રસ્તાવ સમયે બીજેડીએ ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતું. ત્યારે હવે રાજયસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં ભાજપના સાથીને ટેકો આપવાનું જાહેર કરી લોકસભા ચૂંટણી માટેના અનેક સંકેતો આપ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, રાજયસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં કોંગ્રેસે કર્ણાટકના સાંસદ ડી.કે.હરિપ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી જીતવા કુલ ૧૨૩ મતની જરૂર પડે છે. અલબત એનડીએ કે યુપીએ પાસે પુરતુ સંખ્યાબળ ની જેથી પ્રાદેશીક પક્ષો ઉપર સઘળો મદાર છે. હાલ બિહારના સાંસદ હરિવંશ નારાયણના સર્મનમાં ૧૧૩ સાંસદ હોવાનું કહેવાય છે. જયારે કોંગ્રેસના સાંસદ હરિપ્રસાદના સર્મનમાં ૧૧૮ સાંસદ હોવાનું ચર્ચાઈ છે. જેથી આજની ચૂંટણી લોકસભા માટે મહત્વની બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.