Abtak Media Google News

ત્રીસ વર્ષ બાદ અનાયાસે આરોપી અને જયદેવ ઉત્તર ગુજરાતમાં મળી ગયા અજાણતા જ !

ફોજદાર જયદેવની મુળી પોલીસ સ્ટેશનમાંની કાર્ય પધ્ધતિ ને કારણે મુળીનો ક્રાઈમ રેટ ઘણો જ ઘટી ગયો હતો. પોલીસ કરે તે કામ તેવું થઈ ગયું હતુ. જેથી જયદેવ તેનો વાંચનનો શોખ પુરો કરી શકતો હતો ખાસ સમાચાર પત્રોમાં ઝાલાવાડના તમામ ખબરો રસથી વાંચતો.

સુરેન્દ્રનગર એલ.સી.બી. (લોકલક્રાઈમ બ્રાંચ)ના ફોજદાર તે વખતે જયદેવની જ બેચના પટેલ અને ટાસ્કફોર્સ એટલે કે દારૂબંધીમાં વાજા હતા. એક વખત છાપામાં સમાચાર વાંચ્યા કે આ બંને ફોજદારો એ ભેગા મળી સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનની હદમાં જુગારની કલબનો કવોલીટી કેસ રેઈડ કરીને શોધી કાઢ્યો છે કલબનો જુગાર એટલે બંધ મકાનમાં પોતાના ફાયદા માટે નાળ કાઢીને રમાડાતો જુગાર આમતો આવી રેઈડો તો થતી જ હોય છે. પરંતુ આ રેઈડમાં પકડાયેલી વ્યકિતઓ સુરેન્દ્રનગરના નામાંકીત અને પૈસાદાર માણસો હતા. સામાન્ય રીતે જુગારની રેઈડોનાં સમાચાર એક કે બે દિવસ આવીને પછી બંધ થઈજતા હોય છે,અને જનતા ભૂલી પણ જતી હોય છે. પરંતુ આ રેઈડના સમાચારો લાંબા ચાલ્યા અને તે રેઈડને અનુસંધાને ડખો પણ લાંબો ચાલ્યો તેનું કારણ એવું હતુ કે તે કેસમાં પકડાયેલા શાહભાઈ નામનો યુવાન પૈસાદાર રાજકારણી તો હતો પરંતુ તેમના પિતા સુરેન્દ્રનગરનાં પ્રતિષ્ઠિત વકીલ અને કાયદાશાસ્ત્રી પણ હતા.

તે રેઈડ થયા બાદ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવીને તપાસની વિધિ પૂર્વક કાર્યવાહી પણ થઈ ગયેલ. ગુન્હો જામીન લાયક હોવા છતાં ગમે તે કારણે પોલીસ વડાએ આરોપીઓને જામીન ઉપર નહિ છોડવા કહેલુ. આરોપી પક્ષે જીલ્લાનાં નામાંકિત વકીલ હોઈ સીટી પોલીસ સ્ટેશનમાં જ મામલો બગડયો આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટમાં જીલ્લા પોલીસ વડા સહિત સીટી પીઆઈ અને ફોજદારો પટેલ અને વાજા વિ‚ધ્ધ ગેરકાયદેસર અટકાયત વિગેરેની ફરિયાદો દાખલ થઈ. પિતા વકીલ હોય પછી કાંઈ બાકી રહે? પેલી કહેવતની જેમ ‘મોસાળમાં જમણવાર અને પીરસનારી માં’ હોય તો કાંઈ બાકી રહે? ખાસ તો લોકઅપમાં આટલો સમય આવી સેલીબ્રીટીને રહેવું પડે તે જ તકલીફ વાળુતો ઠીક પરંતુ પ્રતિષ્ઠાભંગ જેવું તો લાગે જ. વાત દોઢે ચડી ગઈ

પરંતુ અનુભવે એવું જણાયું છે કે જો થોડી ઘણી ભૂલકોઈ એક પક્ષની હોય છતા બીજો પક્ષે વ્યુહાત્મક રીતે જો સહન કરી લે તો બીજી આપતી કે આફત આવતી નથી. પેલા સુવાકયની માફક ‘અવેરેજ શમે વેર, ન શમે વેર વેરથી’ તેમાં પણ જો કોઈ પક્ષ ના પગ કાદવમાં જ રહેવા ટેવાયેલા હોય તો જતુ કરવું જરૂરી હોય છે.

વકીલ પિતાએ કાયદેસર અને રાજકીય રીતે પણ આ બાબતે દેકારો મચાવી દીધો. પોલીસ અધિકારીઓ શ‚માં સૂરવીરની ભૂમિકામાં હતા પરંતુ પાછળથી જે પગલુ લીધું તેના કારણે જે કાર્યવાહી તથા દેકારો થયો તેનાથી તમામ બચાવની ભૂમિકામાં આવી ગયા હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ કે જીલ્લામાં આ શાહભાઈ એન્ડ કાૃ.નું કોઈ નામ ન લે રેઈડ કે કેસની તો પછીની વાત થઈ !

મુળીમાં નોકરી કરતા ઘણા પોલીસ કર્મીઓ સુરેન્દ્રનગરથી અપડાઉન કરતા હતા. તેઓ દરરોજ મુળી આવી આ વાત તથા જિલ્લાની અન્ય બીજી વાતો જે મીઠુ મરચુ ભભરાવી, પોલીસ વાલા તેમના ભેજાની કરામત ઉમેરીને રસપ્રદ રીતે કવી શૈલીમાં વાતો કરતા તે જયદેવ પણ આ સુરેન્દ્રનગરનું ટાવર ગેજેટ અવશ્ય સાંભળતો.

તે સમયે રાજકોટ મુળી બાજુથી સુરેન્દ્રનગર આવો એટલે પહેલુ બસ સ્ટેન્ડ ટાવર ચોક આવતું ટાવરની બાજુમાં જ સીટી પોલીસ સ્ટેશન અને તેની પાછળ તમામ સરકારી કચેરીઓ જીલ્લા પંચાયત કલેકટર કચેરી, તમામ કોર્ટો, ટેલીફોન એક્ષ્ચેંજ પોલીસ વડાની કચેરી તથા પોલીસ હેડ કવાર્ટર અને સરકીટ હાઉસ પણ ત્યાંજ બધુ બાજુ બાજુમાં આવેલું જીલ્લા આખાની જનતા તથા કર્મચારીઓ ટાવર ચોકમાં તો આવે જ અને ત્યાં જિલ્લા આખાની નવાજૂનની વાતો થાય અને તે વાતોમાં સુધારો વધારો થઈ ને વાતો આગળ ચાલતી તેને લોકો ટાવર ગેજેટ કહેતા.

તે સમયે શ્રાવણ મહિનો સાતમ આઠમના તહેવારો ચાલતા હતા આમેય લોકો શુકનની માન્યતા રૂપે આ તહેવારોમાં ગંજીપાના પાને રમતા જ હોય છે. સામાન્ય રીતે રેઈડ થાય એટલે જુગારીયાઓને થોડા દિવસ ‘સ્મશાન વૈરાગ’ આવતો હોય છે. પરંતુ આ પોલીસ ફરિયાદ કરનારા તમામ રીતે સધ્ધર અને કાયદાથી સજજ અને રક્ષીત જુગારીઓ નિર્ભય હતા. તે રમ્યા વગર આ તહેવારોમાં કેમ રહી શકે?

જયદેવને બાતમી મળી કે મુળીમાં વિશ્રામગૃહની બાજુમાં જ આવેલ જીન મીલમાં બહુમોટો જુગાર મોટા ગજાના ખેલીઓ રમે છે તે સેલીબ્રીટીઓ બીજા કોઈ નહિ અઠવાડીયા દસ દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં પકડાયેલા અને પોલીસવડા સામે પણ કોર્ટમાં ફરિયાદ કરી તે શાહભાઈ એન્ડ કાૃં છે. તેઓ રાત પડે ને આવી જાય છે.અને સવાર સુધી જમાવટ કરે છે. પણ મુળીના કોઈ પન્ટર ને સામેલ કરતા નથી. આ જીન મીલના ચોકીદાર મુળીના જ દરબાર છે. તેમણે આ લોકોને બાંહેધરી આપી છે કે ‘ફોજદારને તો હું જોઈ લઈશ’ આ પન્ટર ટીમમાં જીલ્લાની અગ્રણી સહકારી બેંકના ડિરેકટર અને મોટા વેપારીનો ‘આઈકે’ નામનો પુત્ર પણ આવે છે. તેણે પણ ચેલેન્જ કરી છે કે ‘ફોજદાર શું સાવજ- દીપડો છે? તો અમે પણ દરબાર જ છીએ જોઈ લેશુ’ આ રીતે જેમ રાત જામે તેમ ફીલ્ડ બરાબર જામતુ.

આવી બાતમી મળતા જયદેવે વિચાર્યું કે અગાઉ જયારે જયારે મુળીમાં પોલીસે રેઈડ કરેલી ત્યારે ત્યારે પોલીસનો સામનો થયેલો અને હુમલા પણ થયેલા તે હકિકત હતી. પરંતુ ડરી જાય તો જયદેવ નહિ, તેણે મનોમન નકકી કરી જ નાખ્યું કે રેઈડતો કરવી જ છે. તેથી રાયટર જયુભાને વિશ્ર્વાસમાં લઈ આ સઘળી વાત કરી તેથી જયુભા એ બે ત્રણ વાત રજૂ કરી

એકતો આ જુગારીયા લોકો સાથે વાંધો સુરેન્દ્રનગર પોલીસને છે મરીયમની જેમ માલ સાથે જલ્સા તેઓને છે. અને આપણે ફાતેમાની જેમ શા માટે હેરાન થવું? બીજી વાત આ શાહભાઈ એન્ડ કાૃં જો જીલ્લાનાં પોલીસવડા સામે પણ ફરિયાદ કરતા હોય તો આપણી શું વિસાત? અને ત્રીજી વાત આપણા અધિકારીઓનો ભરોસો કેટલો કરવો. જો વગર વોરંટે રેઈડ કરીએ અને ડખો થાય જોકે આમાં થવાનો જ હતો બધા હાથ ઉંચા કરી દે અને વોરંટ આપે પણ નહિ જયદેવને જયુભાની ત્રીજી વાત વ્યાજબી લાગી અનુભવે પણ એવું જણાવેલ છે કે બધે પહોચી વળાય પણ ઉપરી અધિકારીને પછી મનાવવા અશકય છે.

જયદેવે વ્યુહાત્મક રીતે રેઈડની વાત પડતી મૂકી અને સુરેન્દ્રનગર ખાનગી કામે જવાનું કહી મોટર સાયકલ લઈને ધ્રાંગધ્રા આવ્યો નાયબ પોલીસ વડા મેળા બંદોબસ્તમાં હતા તેમને ખાનગીમાં સમગ્ર હકિકત જણાવી તેથી તેમણે તાબડતોબ જુગાર ધારા કલમ ૬ મુજબનું વોરંટ આપ્યું. બે કલાકમાં જયદેવ મુળી પાછો આવ્યો અને રોલકોલમાં તેણે ચુનંદા માણસો પ્રતાપસિંહ, જયુભા, મંગળસિંહ વિગેરેને કહ્યું કે દસ વાગ્યે વાળુ પાણી કરીને આવી જાવ ધર્મેન્દ્રગઢ ઉમરડા જવું છે. રોલકોલ પૂરો કરી જયદેવ જકાત નાકે આવ્યો. જયદેવને ખ્યાલ હતો કે મોટા માથા આરોપીઓ હોય ત્યારે પંચના ફાંફા પડતા હોય છે જેથી અગાઉથી જ પંચનું પાકુ કરવા આવ્યો હતો.

ત્યાં જકાત ઈજારદાર મહિપતસિંહ જ બેઠા હતા જયદેવે તેમને પુછયું આજે શું કાર્યક્રમ છે તો તેમણે કહ્યું કાંઈ નહિ તેથી જયદેવે તેમને કહ્યું સાતમ આઠમનો બંદોબસ્ત ચાલે છે તેથી મોડે સુધી જાગવું પડશે તેથી મહિપતસિંહે જ કહ્યું વાળુ પાણી કરીને અહી જ આવજો ને ડાયરો કરીશું જયદેવે મનોમન એક પંચ મહિપતસિંહ નકકી કરી નાખ્યા.

રાત્રે અગીયાર વાગ્યે જયદેવ જકાત નાકે બેઠો હતો ત્યારે જીન મીલમાં પણ કોરમ પૂરૂ થઈ ગયું હતુ. ત્યાં બાતમીદારે આવીને આલબેલ આપી. જયદેવે મહિપતસિંહને કહ્યું કે એક જગ્યાએ જુગારની રેઈડમાં જવાનું છે. મહિપતસિંહ તૈયાર થયા અને બીજા પંચ વનરાજસિંહ ને લીધા જયદેવ આ આખી ફોજ લઈ વિશ્રામગૃહ આવ્યો અંધારામાં જોયું તો જીન મીલની ઓફીસનાં વચલા રૂમમાં ટયુબલાઈટો જળહળતી હતી ઝાંપો અંદરથી બંધ હતો જીનના ફળીયામાં આઠ દસ વાહનો પડેલા હતા.

જયદેવે આયોજન મુજબ આગળ ચાલ્યો ઝાંપો અંદરથી બંધ હતો યુધ્ધના નિયમ મુજબ તેમાં વિજય મેળવવા તેના સેનાપતીએજ આગવી આગેવાની લેવી પડે તે મુજબ તે જાતે જ ઝાપા ઉપર ચડી અંદર ઉતર્યો જોકે કમરે લોડેડ રીવોલ્વર બાંધેલ જ હતી. અંદર ઉતરીને જયદેવે ઝાપો ખોલી નાખ્યો અને તે ઓફીસની ઓસરીના પગથીયા ચડતો હતો પંચો તથા પોલીસ હજુ અંદર જ આવતા હતા ત્યાં જીનનો ચોકીદાર પાણી ભરેલો લોટો લઈ ઉભી ઓસરીએ દોડતો આવી લોટો જયદેવને માથા ઉપર મારવા ઝપટ મારી પરંતુ જયદેવે સમય સુચકતા વાપરી પહેરેલ બુટના પંજા વડે ઉલાળીને ચોકીદારની છાતી ઉપર પ્રહાર કર્યો ચોકીદાર તથા લોટાનું પાણી બંને ઢોળાઈ ગયા. તુરંત ઉભા થવાના હોંશકોષના રહ્યા પ્રતાપસિંહ જયુભા વિગેરે દોડી આવ્યા પ્રતાપસિંહે ચોકીદારને હવે સુઈ રહેવા જ કહ્યું. જયદેવજીનની ઓફીસના વચલા ‚મમાં પ્રવેશ્યો અને જોયું તો દસ જણા કુંડાળુ વાળીને પૈસા ગંજીપાના વડે જુગાર રમતા હતા તેમને હુકમ કર્યો કે જેમના તેમ બેઠા રહેજો.

પરંતુ બેઠેલ પૈકી એક જણે હાથ ઉંચો કરી પોતાની ઓળખ શાહભાઈ સુરેન્દ્રનગર તરીકે આપી અને આ રેઈડનું વોરંટ હોય તો બતાવવા કહ્યું જયદેવે પોતે વોરંટ સાથે જ રાખેલુ તે કાઢીને દૂર થી બતાવ્યું તેથી તેણે પુછયુંપંચો છે? આ સાંભળીને મહિપતસિંહે જ પડકાર કર્યો કે ‘એ આ રહ્યો અને બીજા આ વનુભા.’ આથી શાહભાઈ ઠરી ગયા. પંચનામાની કાર્યવાહી શરૂ થઈ. જુગાર રમતા દસેય ઈસમોના નામ સાંભળીને જયદેવ અચંબો પામી ગયો તે દસેય આરોપીઓ તે સમયના સુરેન્દ્રનગરના કરોડોપતીના નબીરા હતા. જે પૈકી એકના બાપને તો મુંબઈમાં કાપડમીલ હતી તો બીજાના બાપને અમદાવાદમાં કાપડ મીલ હતી. બાકીના પણ કોઈને કોઈ સેલીબ્રીટીનાફરજંદો હતા. રૂપીયા પચ્ચીસ હજાર રોકડા ગંજીપાના પાના દસ આરોપીઓ અને અગીયારમો જીનનો ચોકીદાર કમનસીબે સાવ કડકો હતો.

હવે આરોપીઓ સાવ ઢીલાઢફ થઈ ગયા અને વહેવારીક વાતો કરવા લાગ્યા તથા સમાધાન અને પતાવટ માટે ગલગલીયા થાય તેવી વાતો કરવા લાગ્યા. પરંતુ જયદેવને ખબર હતી કે આ તો કોબ્રા સાપના કરંડીયામાં હાથ નાખ્યો છે હવે પકડીને મૂકાય નહિ જયુભાએ પંચનામુ ચાલુ જ કરી દીધું હતુ પરંતુ તેને એ પણ ખબર હતી કે જયદેવને જુગારની રમતમાં કાંઈ ખબર પડતી નથી વળી આ શાહભાઈના પિતા પ્રખ્યાત ક્રીમીનલ પ્રેકટીસનર હતા. તેથી જયદેવ માટે જુગારનો કયો કેસ કરવો જેથી સાહેદીઉલટ તપાસમાં વાંધો આવે નહિ તેની ચર્ચા કરી. જયદેવે કહ્યું હું ગંજીપાના પાનાને ઓળખી શકું છું અને કયા ભારે તથા કયાં હલકા તેની પણ ખબર પડે છે. તેથી જયુભાએ તીનપતીની રમતનું જુગારનું પંચનામું ચાલુ કર્યું.

આ કાર્યવાહી દરમ્યાન જ ‘આઈકે’એ જયદેવ સાથે મીઠીમીઠી વાતો કરી પંચનામું બંધ કરી વાત પડતી મૂકવા આજીજી કરી જયદેવે હા એ હા કરી ને વાત ટાળવા કહ્યું કે હજુ એફઆઈઆર કયાં બનાવી છે. જુઓ આગળ શુ થાય છે. આમને આમ રાત્રે બાર વાગ્યે પંચનામુ શરૂ થયેલુ તે રેઈડની કાર્યવાહી રાત્રે ત્રણ વાગ્યે પૂરી થઈ પરંતુ જયદેવે આ પંચનામાંમાં પટમાં પડેલ રૂપીયા ઉપરાંત આરોપીઓ પાસેથી મળેલા તમામ રૂપીયા તો કબ્જે કર્યા પરંતુ તે સિવાય જુગારના સાધન તરીકે તેઓએ પહેરેલી ઘડીયાળો, દાગીના ઉપરાંત તેમની અત્રે હાજરી નકકી કરવા ઓસરીમાં પડેલ બુટ ચપ્પલો અને તમામ વાહનો પણ કબ્જે કરી લીધેલા. પંચોની પંચનામા ઉપરાંત તમામ મુદામાલ કબ્જે કર્યા તેના માટેની પાવતીઓમાં તથા વોરંટમાં પણ સહીઓ લીધી ચોકીદારની પણ વોરંટમાં સહી લીધી.

તમામ કબ્જે કરેલ મુદામાલ વાહનો સહિત આરોપીઓ પંચો સાથે પોલીસ સ્ટેશને આવ્યા પરંતુ તે દરમ્યાન ‘આઈકે’એ પંચોને પગે પડીને જામીન ઉપર છોડાવવા મનાવી લીધા હતા. કે જોજો અમારી આબ‚ જાય નહિ!

પોલીસ સ્ટેશનમાં આવતા જ મહિપતસિંહે કહ્યું કે સાહેબ મા‚ માન રાખશો? આ લોકોને જામીન ઉપર છોડો તો સારૂ જયદેવને પણ આ લોકોને જામીન ઉપર છોડવા જ હતા પરંતુ થોડા ટટળાવીને આથી જયદેવે કહ્યું જો વાણીયા આરોપીના જામીન વાણીયા જ હોય તો જામીન ઉપર છોડી દઉ.’ જયદેવને ખબર હતી. મુળીમાં જામીન થાય તેવા એક જ વણીક હતા તે મુળીના સ્ટોન ક્રશર ભરડીયા મીલના માલીક શેઠ. આ શેઠને લાખોનો નફો હોય તો પણ રાત્રે ઘરબહાર નીકળતા નહિ પરંતુ મહિપતસિંહે રાત્રે જ શેઠને ટેલીફોનથી શાહભાઈ સાથે વાત કરાવી દીધી. જયદેવને નવાઈ એ વાતની લાગી કે જે શેઠ દિવસ પોલીસ સ્ટેશનની બાજુમાંથી પણ ચાલે નહિ તેઓ રાત્રીના નાઈટ ડ્રેસમાં જ તુરત જ પોલીસ સ્ટેશનને આવીને હાજર થઈ ગયા.

આરોપીઓનાજામીન લેવાયા. પરંતુ પ્રશ્ર્ન થયો હવે સુરેન્દ્રનગર જવુ કઈ રીતે ? જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ ચાલો મારી જીપમાં તેમ કહી શેઠને રવાના કર્યા અને તમામને જીપમાં બેસાડી હાઈવે ઉપર આવ્યો અને એક ટ્રક રોકયો અને કહ્યું બધા ચડી જાઓ ટ્રક સીધો ટાવર ચોકમાંજ ઉભો રહેશે. આરોપીઓને મનમાં એમ હતુ કે જીપમાં સુરેન્દ્રનગર જવાનું હશે! આથી તમામે કહ્યું ટ્રકમાંતો કયારેય બેઠા નથી પરંતુ હવે બેસી જઈએ પણ ત્યાં ગામમાં ઉઘાડા પગે કોઈ જોઈ જાશે તો? પણ હવે કોઈ ઉપાય ન હતો. ટ્રક રવાના થયો.

જયદેવે આ ગુન્હાની એફ.આઈ.આર. જુગાર પ્રતિબંધક ધારા ક.૪.૫ મુજબ એવી લખી કે કોર્ટમાં સાહેદી વખતે ઉલટ તપાસમાં પણ કોઈ વંધો આવે નહિ. આ રેઈડ તથા કવોલીટી કેસ શોધ્યાનો આરોપીઓના નામ મુદામાલની વિગત સાથેનો વાયરલેસ પોલીસ કંટ્રોલરૂમ સુરેન્દ્રનગરને આપ્યો આ મેસેજ વાંચીને તમામ આશ્ર્ચર્ય સાથે ગૌરવ પૂર્વક વાતો કરવા લાગ્યા કે આનુ નામ પોલીસ કહેવાય પરંતુ અમુક અનુભવીઓ એમ પણ કહેતા હતા કે આ મામલો અહિં નહિ અટકે આ શાહભાઈ એન્ડ કાૃં જો પોલીસ વડા વિરૂધ્ધ પણ ફરિયાદ કરીને હંગામો મચાવતા હોય તો મુળી ફોજદાર કઈ વાડીનો મુળો? ખરી બબાલ તો હવે થશે, વાત આખા જીલ્લામાં વાયરલેસની ઝડપે જ ફેલાઈ ગઈ.

જયદેવે પત્રકારો માટે રેઈડની વિગત આરોપીઓ મુદામાલ વિગેરેની લખીને પી.એસ.ઓ.ને અગાઉથી જ આપી દીધી હતી કે રૂબરૂ આવે તો કોપી કરવા દેવી જો ફોનથી માંગે તો વાંચી જવી તેવી સૂચના કરી. સવારે નવ વાગ્યે જ અમુક પત્રકારો મુળી આવી પહોચ્યા જયદેવનો ઈન્ટરવ્યૂ લેવા.

આવા કેસમાં સામાન્ય રીતે પોલીસ વડા ટેલીફોનથી અભિનંદન આપતા હોય છે. પરંતુ સાડા અગિયાર વાગ્યે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા જાતે મુળી આવી જયદેવને અભિનંદન આપ્યા તેની હિંમતને દાદ દીધી અને કહ્યું કે ખાતાનો વટ રહી ગયો.

પરંતુ તમામના અનુમાનો મુજબ આ રેઈડ બાબતે જયદેવ વિ‚ધ્ધ કોઈ ફરિયાદ થઈ નહિ તેથી નવાઈ લાગી કે આમ કેમ? પરંતુ ફરિયાદ નહિ થવાના પણ ઘણા કારણો કાયદેસરનાં તથા ગેરકાયદેસરનાં હતા ! પરંતુ આ જુગારનો કેસ શોધ્યો તે પછીનાં જ દિવસોમાં જયદેવે એક દારૂનો એવો કેસ શોધ્યો કે જેની નોંધ આખા ભારત દેશે તો લીધી પરંતુ તેના સમાચાર આખી દુનિયામાં પહોચ્યા!

આ રેઈડના જીલ્લા આખાના તમામ ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રત્યાઘાતો પડયા અને પોલીસદળમાં જયદેવની જે છાપ એક ‘બોલ્ડ’ પોલીસ અધિકારીની હતી તે વધુ મજબુત બની જયારે આ જુગારના આ કેસની ટ્રાયલ ચાલવાની થઈ ત્યારે જયદેવે કોન્સ્ટેબલ જયુભાને પંચનામા તથા એફ.આઈ.આર.ની બાબતોનું જીવંત રીહર્સલ કરાવી ઉલટ તપાસના સંભવીત પ્રશ્ર્નોથી પણ વાકેફ કરી સાહેદી માટે તૈયાર કર્યા.

ત્રીસ વર્ષ બાદ એટલે કે સેવા નિવૃત્તિ પછી એક વખત જયદેવ મહેસાણા જીલ્લાનાં પ્રખ્યાત તિર્થસ્થાન બહુચરાજીથી પસાર થતો હતો જયદેવને આ શકિતપીઠના દર્શન કરવાની ઈચ્છા થઈ. દર્શન કર્યા બાદ મંદિરની બહાર નીકળતા એક અજાણ્યા ભાઈએ જયદેવ સામે હંસીને કહ્યું ‘સાહેબ ભૂલીગ યા ને?’ જયદેવ ખરેખર ભૂલી ગયો હતો. તેમણે મુળી જીનના સંદર્ભ સાથે પોતાની ઓળખાણ આપી તે હતા મી. શાહભાઈ ખરેખર ‘ધ ગ્રેટ ગેમ્બલર’ જેમણે તે પછી રાજકારણમાં ખૂબ મોટા હોદાઓ પણ મેળવેલ, ઉદ્યોગપતી તો હતા જ. બંને એક બીજાને જોઈને ખુશી થયા આનંદની વાતો કરી ભલે જૂની કડવી યાદરૂપે પણ ખૂશ થયા. ફકત એક પરિચિત વ્યકિત તરીકે, કોઈ રાગનહિ દ્વેષ નહિ કોઈ વૈમનસ્ય નહીં પરંતુ ખુશ થયા ! આ ભારતીય સંસ્કૃતિની એક અણમોલ ભેટ છે. કમેકે આજના ઝડપી યુગમાં જો સૌથી વધુ સહન કરવું પડતુયં હોય તો તે ‘સંબંધો અને માણસાઈને જ ’ વધારે સહન કરવું પડે છે. તે તો તમામ ને અનુભવ હશે જ. પરંતુ શાહભાઈની સહિષ્ણુતા એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મુજબની હતી. સંત અને શૂરાની ભૂમિમાં શૂરવિર હંમેશા ખેલદીલ હોય છે. તેમ શાહભાઈ સુરાતો ખરાજ પણ સંત જેવા માયાળુ પણ ખરા કે જયદેવને સામેથી બોલાવી ને યાદ અપાવી વાતચીત કરી !

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.