Abtak Media Google News

“મહેસાણાના બુદ્ધિશાળી, હિંમતવાન અને પોલીસ જવાનોના હમદર્દ એવા પોલીસવડાએ કહ્યું હું જાતે જ રવાના થાવ છું તમારાથી થાય તેટલું કરો!”

આતંકવાદી….

ગોધરાકાંડ અન્વયેના કોમી તોફાનો બાદ ગંભીર ગુન્હાઓ તો સામાન્ય રીતે બનતા હોય તેમ બને જ પરંતુ ઉંઝાના અમુક ખાટસ્વાદીયાઓની ટોળાશાહી અને તેમની પોલીસ દળને દોડતું  રાખવાની મનોવૃત્તિ ને કારણે જે એક પછી એક ખૂન, અપહરણ, ડબલ ખૂન કેસોમાં જેરીતે આતંકવાદીઓ દ્વારા જ આ ગુન્હાઓ થયાની અફવાઓ ફેલાવી અવળી રજૂઆતો કરવામાં આવતી હતી તેથી પોલીસ દળ અતિશય પરેશાન થતું હતુ.

એક બાજુ ગૌરવયાત્રાના તંગદીલી ભર્યા બંદોબસ્ત અને તેની સાથે જ આવી અફવાઓ અને રજૂઆતો અને આવા વણશોધાયેલા ગંભીર ગુન્હાઓ ને કારણે પીઆઈ જયદેવને ટેન્શનએ વાતનું રહેતુ હતુ કે આવી ખોટી અફવાઓને કારણે કયાંક ફરીથી કોમી તોફાનો શરૂ થઈ જાય નહિ. આથી જયદેવ પુરી તાકાત અને કાબેલીયતથી તપાસો કરી વાસ્તવિક સત્ય સામે લાવી લોકોને અફવાના ઓછાયા અને ભયમાંથી બહાર લાવવા કોશિષો કરતો હતો. જોકે કોમી તોફાનોના ગુન્હાઓની તપાસો એવી કઠીન અને અટપટી હતી કે જયદેવ તેમાંથી પણ ઉંચો આવતો નહતો.

આ દરમ્યાન નાગોરી બીલ્ડીંગ વાળા ગુન્હામાં જે આરોપીઓનું લાંબુ લીસ્ટ હતુ તે પૈકી એકી સાથે એંશીથી નેવું આરોપીઓ એક દિવસે એકી સાથે રજૂ થયા. જયદેવે તે તમામની ધરપકડ કરવાની હતી બહારથી વધારાની કોઈ મદદ મળે તેમજ ન હતી કેમકે તમામ જગ્યાઓએ બંદોબસ્તો ચાલુ હતા. આમ છતા જયદેવે પોતાના જવાનોને કામે લગાડી, તપાસમાં કોઈ કસર ખામી ન રહે તે માટે પુરી મહેનતથી તમામ આરોપીઓની એકી સાથે ધરપકડ વિધી ચહેરા નિશન પત્રકો નોંધવા તમામની ફોટોગ્રાફી કરી તમામના નિવેદનો નોંધવા, તેમની પાસેથી કબ્જે કરવાના મુદામાલના હથીયારો વિગેરે અંગે ટુંકી સમય મર્યાદામાં કાર્યવાહી કરી.

તમામ આરોપીઓને ચોવિસ કલાક પોલીસ કસ્ટડીમાં રાખી રીમાન્ડ માટે અદાલત સમક્ષ રજૂ કર્યા. જેઓ પોલીસ દળમાં ફરજ બજાવે છે તેમને જ ખબર પડે કે આ એંશી નેવું આરોપીઓને ચોવિસ કલાક કસ્ટડીમાં રાખી મર્યાદિત પોલીસ બળથી કાર્યવાહી કરવી કેટલી લાંબી અને કષ્ટદાયક છે. જેમ પુરૂષને પ્રસુતીની વેદનાનો ખ્યાલ ન પડે તેમ બીજાને આ તકલીફનો ખ્યાલ ન આવે તે સહજ છે. તેમ છતાં ઉંઝાના મહેનતું પોલીસ જવાનો અને જયદેવે આ વૈતરૂ પણ પાર પાડયું.

ઉંઝા શહેરનું વાતાવરણ એવું તંગ હતુ કે જો  કોઈ લઘુમતી આરોપીને પણ પોલીસ સ્ટેશનમાં લાવ્યાની ખાટસ્વાદીયાઓને જાણ થાય તો તૂર્ત જ આ ખાટસ્વાદીયાઓ લોકોના ટોળે ટોળા એકઠા કરી પોલીસ સ્ટેશને ઉમટી પડે અને હુમલા માટે તૈયારી કરે. આથી ઉનાવા ગામે જે ગુન્હાઓમાં જેટલા લઘુમતી આરોપીઓની ધરપકડ વિધી થાય તે. આરોપીઓની કરવાની થતી કાયદેસરની કાર્યવાહીઓ ઉનાવા પોલીસ ચોકીમાં જ પૂરી કરીને ઉંઝા પોલીસ સ્ટેશનના રજીસ્ટરોમાં તેના દાખલા રાખવા પડતા હતા.

આ પ્રમાણે એક વખત ઉનાવા ખાતે પણ લઘુમતી આરોપીઓ સામુહિક રીતે પોલીસ સમક્ષ રજુ થતા જયદેવે તમામ કાયદેસરની કાર્યવાહી તો પુરી કરી દીધી, પરંતુ કોર્ટમાં આટલા બધા આરોપીઓને એકી સાથે રજુ કરે તો ઉંઝાની મર્યાદિત પોલીસથી ટોળાશાહીને કાબુ કરવું અશકય હતુ આથી જયદેવ મેજીસ્ટ્રેટને મળ્યો અને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા, જોકે તેઓ પણ ઉંઝાનીઆતકલીફથી વાકેફ જ હતા. આથી જયદેવે તેમને કહ્યું કે સાંજના આપના નિવાસ સ્થાને (કે જે ગામથી છેવાડે બારોબાર સોસાયટી વિસ્તારમાં હતુ) ત્યાં રજૂ કરવા જણાવતા, તેમણે કહ્યું હા બરાબર છે હું પણ મારા જરૂરી મદદનીશોને હાજર રાખી વહેલી તકે કાયદેસરની કાર્યવાહી પૂરી કરીશું અને તે આફત પણ આરીતે ટળેલી.

આવા વાતાવરણમાં જ એક દિવસ જયદેવ ઓફીસમાં લખવાનું કામ કરી રહ્યો હતો દરમ્યાન બપોરનાં એક વાગ્યાના સુમારે તેના મોબાઈલ ફોનમાં રીંગઆવી જયદેવે વાત કરતા કોઈ અજાણી વ્યકિતએ જણાવ્યું કે આતંકવાદીઓએ માર્કેટ યાર્ડમાંથી ટ્રકનું અપહરણ કરેલ છે અને તે ટ્રક લઈને આતંકવાદીઓ ઉંઝા બજારમાં ટ્રક એ રીતે ચલાવીને જઈ રહ્યા છે કે, જાણે ખળામાં ટ્રેકટર ચલાવતા હોય તેમ ઉભી બજારે રસ્તામાં ચાલતા લોકોને કચડી, ચગદી અને છુંદીને, અનેક લારી ગલ્લાઓ, રીક્ષાઓ, ફેરીયાઓનો કડુસલો કરી માર્કેટ યાર્ડથી ગાંધી ચોક સુધીની આખી બજાર લોહીથી લથબથ કરી દીધેલ છે. આતંકવાદીઓ ટ્રકને ગાંધી ચોકમાં વાળી નહી શકતા ટ્રક સીધોજ સામેની દુકાનમા અંદર ઘુસાડી દીધો છે અને દુકાનમાં પણ કેટલાક કચડાઈ ગયા છે !

જયદેવને થયું કે આ ત્રણ ચાર દિવસ ચાલેલા ગોધરા ખાતેના રેલવે હત્યાકાંડના પ્રત્યાઘાતી ભયંકર કોમી તોફાનોમાં તો ઉંઝા શહેરમાં એક જ લાશ પડી હતી હવે આ તો ખેગાળો થયો જો હવે કોમી તોફાનો ફરી શરૂ થયા તો પુરી મુશ્કેલી.

જયદેવે સમય સુચકતા વાપરી તૂર્ત જ વાયરલેસ દ્વારા ઉંઝા સેક્ધડ મોબાઈલ કે જે બજારમાં કે હાઈવે ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તેને વર્ધી આપી તાત્કાલીક ગાંધી ચોકમાં પહોચવા જણાવ્યું આથી સેક્ધડ મોબાઈલ જે બજારમાં જ હતી તેના ઈન્ચાર્જ હેડ કોન્ટેબલે જયદેવ ને મોબાઈલ ફોન કરી ઉભી બજારનો જીવંત પણ અરેરાટી થાય તેવો ચિતાર આપ્યો અને કહયું કે અમે બજારમાં ફલકુનાળુ વટીને હવે ગાંધીચોકમાં જ પહોચીએ છીએ.

પોલીસદળને ગુન્હાવાળી જગ્યાએ તાત્કાલીક પહોચવાથી અનેક ફાયદા થાય છે. એક તો ખાટસ્વાદીયા, ચૌદસીયાઓ હજુ ત્યાં પહોચ્યા નથી હોતા, તેથી પોલીસ સાથે જીભા જોડીકે સંઘર્ષનો પ્રશ્ર્ન નથી રહેતો બીજુ સાચી અને વાસ્તવીક હકિકત પણ જાણવા મળી શકે. ત્રીજુ પોલીસ દળની છાપ આમ જનતામાં સારી પડે અને પોલીસમાં વિશ્ર્વાસ બેસે.

ઉભી બજારનો  સરાજાહેર બનાવ, મોબાઈલ ફોનનો છૂટથી ઉપયોગ અને લોકોની ટોળા શાહી ની હેબીટ અને  જાણવાની ઈતેજારીની માનસીકતા નેકારણે ટુંક સમયમાં જ બજારમાં એટલી મેદની ઉમટી પડી કે માણસને ચાલવાની પણ જગ્યા ન મળે. પરંતુ તે પહેલા સેક્ધડ મોબાઈલે ગાંધી ચોકમા પહોચી જઈ તેના મજબુત અને બાહોશ ઈન્ચાર્જ શબ્બીર ખાન અને ઈદ્રીશે ટ્રક જે દુકાનમાં ઘૂસી ગયો હતો તે ટ્રક ની કેબીનનો દરવાજો ખૂલતો નહિ હોઈ આતંકી આરોપી ડ્રાઈવર તેમાંથી બહાર નીકળી શકતો નહતો. જેથી બંને પોલીસ જવાનોએ તેને ખેંચીને બહાર કાઢી તાત્કાલીક સેક્ધડ મોબાઈલમાં બેસાડીને જયદેવને ફોનથી વાત કરી કે અહી હાજર લોકો ડ્રાઈવરને તેમને સોંપી દેવા કહી રહ્યા છે. આથી જયદેવે તેને કહ્યું ‘તમે ગમે તેમ કરી ત્યાંથી નીકળી આરોપીને લઈને પોલીસ સ્ટેશને પહોચી જઈ તેને લોકઅપમાં સલામત રીતે રાખી દેવો હું ગાંધી ચોક પહોચું જ છું પરંતુ તેને ખ્યાલ બહાર જ રહી ગયું કે હવે તોફાની ટોળાઓ પોલીસ સ્ટેશન તરફ વળશે.

બીજી તરફ દુધલી દેશની વાડીથી ફલકુનાળાના રસ્તેથી આવી રહેલ જયદેવની ઉંઝા વન મોબાઈલ ફલકુ નાળા પાસે આવતા કીડીયારાની જેમ ઉમટી પડેલ લોકોના ખીચોખીચ માહોલમાં ફસાયેલી હતી. માણસો ની ભીડ એટલી બધી હતી કે હવે માણસો ધારે તો પણ ખસી શકે તેમ ન હોઈ જીપને માર્ગ મળવાનો કોઈ સવાલ જ ન હતો.

મુસાફરી દરમ્યાન સેક્ધડ મોબાઈલમાં હેડ કોન્સ્ટેબલ શબ્બીર ખાને આરોપીને પુછપરછ કરી માહિતી મેળવેલ તે તેણે મોબાઈલ ફોનથી જયદેવને આપી કે આરોપી રાજસ્થાનથી ટ્રક લઈને આવેલ છે. અને તેમાં પ્રતિબંધીત ડ્રગ્ઝ ગાંજો, ચરસ વિગેરે ભરેલું છે. આથી જયદેવને મામલો વધુ ગંભીર જણાતા આંતરરાજય ગેંગની સંડોવણી જણાતા તેણે પણ મોબાઈલ ફોનથી સીધી મહેસાણા જીલ્લા પોલીસ વડાને આ સંબંધી હકિકત જણાવી દીધી અને કહ્યું કે ઉભી બજાર રકત રંજીત થઈ હોઈ હવે કાયદો અને વ્યવસ્થા જાળવવા પણ મુશ્કેલ છે તેતો ઠીક પરંતુ આ સંજોગોમાં હવે ખાટસ્વાદીયાના નિશાના ઉપર કદાચ પોલીસ પણ આવે આથી બુધ્ધિશાળી હિંમતવાન અને ખરેખર તાબાના પોલીસ જવાનોના હમદર્દ એવા પોલીસવડાએ પરિસ્થિતિ પામી જઈ જયદેવને કહ્યું તમે તમારાથી થાય તેટલુ કરી મામલો જાળવી રાખવા પ્રયત્ન કરો અમો પણ જાતે રવાના થઈએ છીએ.

Admin Ajax 1

પોલીસ વડાએ મહેસાણા જીલ્લાનાં ઉંઝાની નજીકમાં પોલીસ દળનાં જે અધિકારીઓ પાસે વાહનો હતા તેમને વધુમાં વધુ પોલીસ બળ હથીયારો સાથે ઉંઝા પોલીસ સ્ટેશને પહોચવા હુકમ કરી પોતે પણ ઉંઝા આવવા રવાના થયા.

આ તરફ જયદેવની ઉંઝાવન જીપ લોકોની ભીડમાં આગળ વધી શકે તેમ ન હોયતે અને તેના જવાનો જીપમાંથી નીચે ઉતરીને ટોળાની ભીડ વચ્ચે રસ્તો કરી ચાલતા ગાંધી ચોકમાં આવ્યા ત્યાં જયદેવને ચિંતાએ હતીકે કયાંક તોફાનીઓ ટ્રકને આગ ચાંપી ન દે.પરંતુ જોયું તો કોઈ એ હજુ સુધી ટ્રકને આગ ચાંપી ન હતી કેમકે ત્રણેક પગથીયા ચડીને અડધો ટ્રક દુકાનમાં અંદર ઘુસેલો હતો જો કોઈ આગ લગાડે તો સાથે દુકાન પણ સળગે ! આથી કોઈએ ટ્રકનો ચાળો કર્યો ન હતો પરંતુ લોકોની ઉગ્રતા અને આક્રમકતા ખૂબજ હતી.

આ દુકાન બહાર જ એક ચગદાયેલ રીક્ષા અને એક માનવ લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી તેની બાજુમાંરોડ ઉપર જ એક ગંભીર રીતે ઈજા પામેલ વ્યકિત પડેલ હતો. જયદેવે ત્વરીત નિર્ણય કર્યો કે આ લાશ અને લોહીથી લથબથ ઈજાગ્રસ્તને જોઈને આમ જનતા વધારે ઉગ્ર બની આક્રમકતા ધારણ કરશે જેથી તેમને તાત્કાલીક દવાખાને ફેરવવા જરૂરી છે. પરંતુ પોલીસ વન મોબાઈલ તો એવી ફસાયેલી હતી કે તે આ ખીચોખીચ માનવ મદનીમાંથી ચાલી શકે તેમજ નહતી.

બીજીબાજુ જોયું તો એક સફેદ આર્મડા જીપ ટોળામાં નીકળવા મથી રહી હતી આ જીપ ઉંઝાના કામલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હતી જેમાં ત્યાંના મહિલા ડોકટર જઈ રહ્યા હતા જયદેવે ડોકટરને તેમની જીપ મદદમાં આપવા વિનંતી કરતા આ માનવતાવાદી ડોકટરે તૂર્ત જ જીપમાંથી ઉતરીને ડ્રાયવરને કહ્યું કે તું સાહેબ સાથેજા અને મદદ કર. જયદેવને થયું કે ખરેખર ડોકટરો માનવતા વાદી જ હોય છે કોઈ ક જ કોટકુસવા પીએમ ડોકટર જેવા તકલાદી માનસના હોય છે. ઉંઝામાં બે સરકારી દવાખાના હતા. એક નવું કોટેજ હોસ્પિટલ અને જુનુ કોટકુવા ખાતેનું આજુબાજુનાં લોકોની સારવાર માટે ચાલુ રાખેલુ પરંતુ ખાસ તો માનવ લાશોના પોસ્ટ મોર્ટમ માટેનું જ તે હતુ.

આ કામલી દવાખાનાની જીપમાં લાશને સુવાડી,ઈજાગ્રસ્તને બેસાડી જયદેવે તે જીપની સાયરન લાઈટ ચાલુ કરી ધીમેધીમે પણ મહા મહેનતે જીપને ઉમીયા માતાના રસ્તેથી કોટકુવા હોસ્પિટલે લઈ લાશને પીએમ રૂમમાં મૂકાવી, સાથે રહેલ ઈજાગ્રસ્તને વધુ સારવારની જરૂર હોય આ કામલીની જીપમાંજ વિસનગર રોડ ઉપર થઈ કોટેજ હોસ્પિટલમાં આવ્યો અને ઈજાગ્રસ્તને સારવારમા દાખલ કર્યો.

પરંતુ બીજીબાજુ લાશ અને ઈજાગ્રસ્તને લઈને જયદેવ ગાંધી ચોકમાંથી રવાના થયા બાદ અમુક ખાટસ્વાદીયાએ લોકોના ટોળાઓને ગેરમાર્ગે દોરી પોલીસ સ્ટેશન તરફ વાળેલા પોલીસ સ્ટેશને આવતા આ લોકોના ટોળાઓને ખબર પડેલી કે આ લોકો ઉપર બેરહેમીથી ટ્રક ચલાવી હત્યા કરનારો જ્ઞાતિએ લઘુમતી કોમનો છે આ ખબર પડતા જ ટોળાએ પોલીસ સાથે લમણાજીક ચાલુ કરી પોલીસ સ્ટેશનમાં એક તો મર્યાદીત પોલીસ જવાનો તેથી ખાટસ્વાદીયાઓ અને ટોળાને વધારે સુગમતા પડી. હજુ આ લમણાજીક ચાલુ હતી ત્યાંજ પરિસ્થિતિ પામી જઈ એક હોંશિયાર જમાદાર સાહેબ ખાને આરોપીને હાથકડી સહિત જ લોકઅપમાંથી બહાર કાઢી દાદરો ચડી ત્રીજા માળે અગાશીમાં વાંકાવાંકા ચાલીને અગાસીનાં બીજે છેડે જે ફોજદારોના કવાર્ટરનો દાદરો હતો ત્યાં પહોચી ગયા આ ફોજદારી કવાર્ટરોમાં કોઈ ફોજદારો રહેતા નહિ હોઈ તેમાં નવા બદલાઈને આવેલા તથા કુંવારા પોલીસ કોન્સ્ટેબલોની બેરેક તરીકે તેનો ઉપયોગ થતો હતો. તેમાં આરોપીને લઈને છુપાઈ જઈ ત્યાં હાજર કોન્સ્ટેબલને કવાર્ટરને બહારથી તાળુમારી ચાલ્યા જવાનું કહ્યું.

આ લમણા જીક શરૂ થઈ તે પહેલા તો પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવરે ઘણા ફંદ કર્યા હતા અને ફર્યું ફર્યું બોલતો હતો પરંતુ ત્યાં હાજર ડી સ્ટાફના જમાદાર રણજીત સિંહે વાતોઉપરથી તારણ કાઢી લીધેલું કે આ આરોપી વ્યકિતતો પાગલ જણાય છે. અને ઉનાવા મીરાદાતારની જગ્યામાંથીનાસી છૂટેલો જણાય છે.

ઉનાવા મીરાદાતારની જગ્યામાં આવા પાગલ ગાંડા વળગાડવાળા કે ચિતભ્રમ વ્યકિતઓને તેના ગરીબ અને અભણ વાલી વારસો એવી આશાએ લાવતા કે આ માનસીક બીમાર વ્યકિતઓને અહિં સારૂ થઈ જશે. જુઓ પ્રકરણ ૨૦૩ ૨૮ મી ફેબ્રુઆરી પાના નંબર ૬૧૯

આ ગરીબ પાગલ અગાઉ ટ્રકનો કલીનર હતો અને અતિશય ગરીબી અને કઠણાઈને કારણે મનોરોગી થતા તેના વાલી વારસ ઉનાવા મીરાદાતાર દરગહે મૂકી ગયેલા. ઉનાવાથી નાસી છૂટીને આ પાગલે ઉંઝા માર્કેટ યાર્ડમાં રેઢો પડેલો ટ્રક ચાલુ કરી ગાંડપણના ઉન્માદમાં જ ઉભી બજારે ટ્રક ચલાવી લોકોને કચડતો કચડતો ગાંધીચોકમાં આવેલો અને ટ્રકને તારવવાની કે વાળવાની કોઈ તસ્દી જ લીધી નહતી. અને ટ્રક સીધો દુકાનમાં ઘુસાડી દીધો હતો. પરંતુ રસ્તામાં બજારમા આઠ નવ જગ્યાએ રાહદારીઓ ફેરીયા ,લારીઓ, સાયકલો, મોટર સાયકલો રીક્ષાઓ વિગેરેનો કચ્ચરઘાણ કાઢેલો.

ત્યારપછી છેલ્લે તો આ અપહરણ કરાયેલ ટ્રકનો ડ્રાઈવર અને માલીક પણ પોલીસ સ્ટેશને આવી ગયેલા અને તેમણે જણાવેલ કે ખેત પેદાશનો માલીક ટ્રકમાથી ઉતરીને પેઢીમાં ગયેલો અને ટ્રક ડ્રાઈવર તથા કલીનર ટ્રકની ચાવી સહિત રેઢો મૂકી ચા પાણી પીવા ગયા હતા ત્યારે ટ્રક ઉપડી ગયેલો ટ્રકમાં તો જીરૂ અને વરીયાળી જ હતા જેની છેલ્લે પોલીસે ખાત્રી પણ કરેલી.

મર્યાદીત પોલીસ જવાનો અને ટોળાઓની સંખ્યા વધતી જતા ઝનુની ખાટસ્વાદીયાઓ પોલીસ સ્ટેશનમાં ઘુસણ ખોરી કરી આરોપી સાથે પોતે જ હિસામ કરી લેવા પ્રયત્નો ચાલુ કર્યો પોલીસ સ્ટેશન કે લોકઅપમાં આરોપીને નહિ જોતા ટોળુ પોલીસ સ્ટેશનના બીજા માળે આવેલી પોલીસ ખાતાની જ શાખાઓમાં તપાસ કરી અમુક ખાટસ્વાદીયા તો દાદરો ચડી અગાસીમા જઈ ફોજદારી કવાર્ટરના દાદરેથી નીચે ઉતરતા હતા પરંતુ બીજા માળના કવાર્ટરને બહારથી તાળુ મારેલુ હોય આ બારકસો બંધ જાણીને નીચે જ ઉતરી ગયેલા પરંતુ રૂમમાં પૂરાયેલા જમાદારનો તો દમ ઘૂટાતો હતો. કેમકે ગાંડાને તો કોઈ ડર બીક સમજણ ન હતી તે બકબક કર્યે જતો હતો તેથી તેણે આ તોફાનીઓને અવાજના સંભળાય તે માટે પાગલ ને બાથરૂમમાં લઈ જઈ પુરી દઈ ટુવાલથી મોઢે ડુચો દઈ મુંગો કરવા પ્રયત્ન કર્યો હતો.

દરમ્યાન વિસનગર, મહેસાણાથી પોલીસનો વિશાળ કાફલો આવી જતા ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થર મારો કરતા ટોળાઓને પોલીસે લાઠી ચાર્જ કરીને વિખેરી નાખ્યા હતા.

આ બનાવમાં મૃત્યુતો એક જ જણાનું થયું હતુ પરંતુઈજાગ્રસ્તોની સંખ્યા અસંખ્ય હતી આથી જયદેવે પોલીસ સ્ટેશનમાં આવી ને શ્રી સરકાર તરફે આરોપી વિરૂધ્ધ આ સમગ્ર બનાવ અંગે ખૂન અને ખૂનની કોશિષની ફરિયાદ આપી. પોલીસ વડાએ જયદેવને આવા વિકટ અને અસમંજસ ભર્યા સંજોગોમાં પણ કુનેહ પૂર્વક કામ કરી મામલો જાળવી રાખવા અંગે અભિનંદન આપ્યા. પરંતુ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ખાટસ્વાદીયાઓ દ્વારા આતંકવાદીઓ ના નામે અફવાઓ ફેલાવી જનતામાં ઉશ્કેરાટ અને તંગદીલી ભરી પરિસ્થિતિ એવી ઉભી કરવામાં આવતી હતી કે પોલીસને તે થાળે પાડવામાં ‘નાકે દમ આવી જતો હતો.’ જયદેવને હવે કોઈ અભિનંદન પણ અસર કરતા નહતા. જોકે આ કિસ્સામાં તો જનતાનો આતંકવાદીઓ અંગેનો ભય પણ અસ્થાને ન હતો તે સમયે તાજેતરમાં જ ગોધરાકાંડ પછી આતંકવાદીઓએ ગાંધીનગર સ્થિત સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત ‘અક્ષરમંદિર’માં વિસ્ફોટકો અને ઓટોમેટીક ગનો એકે ૪૭ એકે ૫૬ સાથે ઘાતકી અને ભીષણ હુમલો કરી મંદિરમાં અસંખ્ય શ્રધ્ધાળુ દર્શનાર્થીઓને મારી નાખ્યા હતા.

(ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.