Abtak Media Google News

બુધવારે સાંજે ચુંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળશે: ગુરુવારે મતદાન બાદ ૨૩મીએ મોડેલ સ્કુલમાં ૧૪ ટેબલ ઉપર ૧૯ રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી માટે આગામી તા.૨૦ને ગુરુવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. પેટાચુંટણીમાં કાલે સાંજથી પ્રચાર-પડઘમ શાંત પડી જશે. બાદમાં બુધવારે સાંજે ચુંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે ત્યારબાદ ગુરુવારે મતદાન યોજાશે. તા.૨૩ના રોજ મોડેલ સ્કુલમાં ૧૪ ટેબલ ઉપર ૧૯ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. ગત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરીયો ખેસ ધારણ કરતા આ બેઠક ખાલી પડી હતી. જેથી આ બેઠક પર પેટાચુંટણી યોજવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આગામી તા.૨૦ને ગુરુવારના રોજ જસદણ વિધાનસભા બેઠક વિસ્તારના ૨૬૨ પોલીંગ બુથ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તે પૂર્વે આવતીકાલે તા.૧૮ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યાથી પ્રચાર-પ્રસાર બંધ કરી દેવામાં આવશે. બાદમાં ૧૯મીએ ચુંટણી માટે રોકાયેલો સ્ટાફ પોત-પોતાના પોલીંગ સ્ટેશન પર પહોંચીને તેનો કબજો સંભાળી લેશે.

જસદણ વિધાનસભા બેઠકમાં કુલ ૨૬૨ પોલીંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે. મતગણતરી માટે મોડેલ સ્કુલ જીલેશ્ર્વર ગાર્ડન પાસે કમળાપુર, જસદણ પસંદ કરવામાં આવી છે. આ સ્થળે આગામી ૨૩ના સવારે ૮:૦૦ કલાકથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી હાથ ધરાયાના બે થી ત્રણ કલાકમાં પરીણામનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામશે.

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી માટે ગોંડલ તેમજ જેતપુરનો સ્ટાફ રોકવામાં આવ્યો છે. આ તમામ સ્ટાફને ઈલેકશન ડયુટી સર્ટીફીકેટ આપવામાં આવશે. તા.૧૯ના રોજ સ્ટાફના થર્ડ રેન્ડમાઈઝેશન બાદ તેઓને પોલીંગ બુથ ખાતે રવાના કરી દેવામાં આવશે. સાંજે ૪:૦૦ વાગ્યે સ્ટાફ દ્વારા મતદાન મથકોનો કબજો સંભાળી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. આ બેઠકને કબજે કરવા બંને મુખ્ય પક્ષોના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવીને પ્રચાર-પ્રસારનો ધમધમાટ ચલાવી રહ્યા છે. આવતીકાલે સાંજ સુધીમાં બેઠકમાં ઉમેદવારી નોંધાવનાર આઠેય ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાનો રહેશે. નોંધનીય છે કે, જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીનું પરીણામ આગામી લોકસભાની ચુંટણીને પણ અસરકર્તા છે. જેથી જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીનો જંગ બંને મુખ્ય પક્ષો માટે ઘણું મહત્વ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.