Abtak Media Google News

મોડેલ સ્કુલ ખાતે કાલે સવારે ૮ વાગ્યાથી મતગણના શરૂ થશે: ૧૪ ટેબલ પર ૨૦ રાઉન્ડમાં કરાશે મતની ગણતરી: ૧૨ વાગ્યા સુધીમાં પરિણામ જાહેર

છેલ્લા રાઉન્ડ સુધી ભારે ઉત્તેજના રહેવાની સંભાવના હાર-જીતનું માર્જીન ખુબ પાતળું રહેશે

જસદણમાં ભાજપના ‘કુંવર’ કે કોંગ્રેસના ‘અવસર’ ચૂંટાશે તેનો ફેંસલો આવતીકાલે થવાનો છે. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગત ગુરૂવારના રોજ યોજાઈ હતી. આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મત ગણતરી મોડેલ સ્કૂલ ખાતે સવારે ૮ વાગ્યાથી શરૂ થવાની છે. કુલ ૧૪ ટેબલ પર ૨૦ રાઉન્ડમાં મતગણના કરવામાં આવનાર છે.

જસદણ પેટાચુંટણીમાં ખરેખર તો ‘ગુરૂ’ અને ‘ચેલા’ વચ્ચે જંગ હતો. કોંગ્રેસના અવસરભાઈએ રાજકારણમાં પ્રવેશ કર્યાને ટુંકાગાળામાં પક્ષનો વિશ્ર્વાસ જીતીને જસદણની ટીકીટ મેળવી હતી. જસદણ જંગમાં ભાજપના વિજયની શકયતાઓ કોંગ્રેસ કરતા વધુ જણાઈ છે પરંતુ હાર-જીતનો માર્જીન ખુબ જ પાતળો રહેવાનો હોવાથી અવસરભાઈ જો હારે તો પણ તેના માટે એક સિદ્ધિ ગણાશે. પરીણામથી અવસરભાઈ કંઈ ગુમાવવાના નથી પરંતુ કોંગ્રેસ ‘અવસર’ ગુમાવશે.

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગત ગુરૂવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જસદણ વિધાનસભા બેઠકમાં જંગમાં ભાજપના કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના અવસરભાઈ નાકીયા વચ્ચે સીધો પ્રતિષ્ઠાનો જંગ છે. રાજયભરની નજર આ પેટા ચૂંટણી ઉપર છે. આવતીકાલના રોજ મોડેલ સ્કૂલ ખાતે સવારે ૮ કલાકથી મત ગણતરીની પ્રક્રિયા શ‚રૂથવાની છે. કુલ ૧૪ ટેબલ ઉપર મતગણના ૨૦ રાઉન્ડમાં કરવામાં આવનાર છે.

૧,૬૫,૩૨૫ મતદારોએ મત આપ્યા હોવાથી ૨૦ રાઉન્ડ સુધી મત ગણતરી ચાલવાની છે. સવારે ૧૧:૩૦ સુધીમાં ટ્રેન્ડ આવવા લાગશે. જયારે ૧૨:૩૦ સુધીમાં પરિણામ આવી જાય તેવી શકયતાઓ છે. આમ બપોર સુધીમાં જસદણ વિધાનસભા બેઠકનો તાજ કેના શીરે જાય છે તેનો ફેંસલો થઈ જવા પામશે.

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ૨૬૨ મતદાન મથકોમાં મતદાન થયું હતું. કેન્દ્રીય પંચની જોગવાઈ મુજબ મત ગણતરી ૧૪ ટેબલમાં ગોઠવવામાં આવનાર છે. મત ગણતરીમાં એક સાથે ૧૪ ઈવીએમમાં પડેલા મતોની ચૂંટણી સ્ટાફ દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે. દરેક ટેબલ પર મત ગણતરી માટે એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મુકવામાં આવશે. આ પેટા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટનો ઉપયોગ થયો નથી. ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ઈલેકટ્રીક ડયુટી સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જયારે સૈનિકો માટે ઈલેકટ્રોનીક ટ્રાન્સફર બેલેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે કેદીઓ માટે પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાંથી એક કેદી ૫ ડિસેમ્બરે છુટી જતાં તેમજ બીજા કેદીએ ફોર્મ નં.૧૨ રજૂ ન કરતા તે મતદાન કરી શકયો નથી.

જસદણ પેટા ચૂંટણીમાં ૭૨.૨૩ ટકા મતદાન નોંધાયું છે. ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧,૬૫,૩૨૫ મતદારોએ મત આપ્યા છે. પોસ્ટલ બેલેટ ન હોવાથી ૧૨ વાગ્યા સુધીમાં પરિણામ આવી જશે. ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારો કુંવરજીભાઈ બાવળીયા તેમજ અવસરભાઈ નાકીયાએ પોત-પોતાની જીતના દાવા કર્યા છે.

પરંતુ આવતીકાલે પ્રજાએ કોને મત આપીને પસંદ કર્યા છે તેનો ફેંસલો થવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયની નજર જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પર મંડરાયેલી છે. જસદણ પેટા ચૂંટણી માત્ર ચૂંટણી જ નહીં પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો પ્રતિષ્ઠા જંગ બનવા પામી છે.

જસદણ પેટા ચૂંટણીનું પરિણામ આગામી લોકસભાની ચૂંટણીના સમીકરણો પણ ફેરવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.