Abtak Media Google News

વાડીએ જતી વેળાએ કારે બાઈકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

જસદણના બળધોઈ ગામના પાટીયા પાસે મંગળવારે સવારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા પત્નીની નજર સામે પતિ અને પુત્રીનું મૃત્યુ નિપજયુ હતુ અને ત્રીપલ સવારીમાં બાઈક પાછળ બેઠેલા સવિતાબેનને હાથ પગમાં ફેકચરો થતા તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અંગે મૃતકના નાનાભાઈ રાયધનભાઈની ફરિયાદ પરથી આટકોટ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે જસદણ તાલુકાના બળધોઈ ગામે રહેતા અને રાજકોટ ભાવનગર હાઈવે પર વાડી ધરાવતા નારણભાઈ માંડણભાઈ સુવાણ ઉ.૪૮ પોતાના બાઈકમાં તેમના પત્ની સવિતાબેન અને પુત્રી રસીલાબેન ઉ.૧૩ ઘેરથી લઈ મંગળવારે સવારે પોતાની વાડીએ જતા હતા અચાનક સામેથી પુર ઝડપે આવતી એક કારએ આ ત્રીપલ સવારી બાઈકને હડફેટે લેતા નારણભાઈ અને તેમની પુત્રી રસીલાબેન ઉ.૧૩નું ઘટના સ્થળે મોત નિપજેલ હતુ. જયારે બાઈકમાં બેઠેલા સવિતાબેનને હાથ પગમા ગંભીર ઈજા થતા તેઓ રાજકોટ સારવાર હેઠળ છે.

આ બનાવ બનતા ખોબા જેવડા બળધોઈ ગામમાં શોકનો માહોલ છવાયો છે. આટકોટ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ નોંધી ભાગી છૂટેલા અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.