Abtak Media Google News

તાજેતરમાં જ સમગ્ર દેશના શહેરોના સર્વેમાં સ્વચ્છતાના માપદંડોમાં આપણું જામનગર ૧ર૭ મા ક્રમે ધકેલાઈ ગયું… અને આ સર્વેક્ષણે જામનગર ગંદુ શહેર છે તે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી કેવી થાય છે તે તમામ નાગરિકોને સુપેરે ખબર જ છે, છતાં સ્વચ્છતાના મુદ્દે મહાનગરપાલિકાના સત્તાધિશો અને સ્ટાફ બધા ઘોર નિંદ્રામાં રહે છે, એટલું જ નહીં, ’સ્વચ્છતા ઝુંબેશ’ ’સ્વચ્છ જામનગર, હરિયાળુ જામનગર, સ્વસ્થ જામનગર’ના રૃપાળા નામ સાથે અવારનવાર નાટકો અથવા મસમોટા ખર્ચાઓ સાથેના તાયફાઓ થતા રહે છે, અને વાસ્તવિક્તા એ છે કે જામનગરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… કોઈને આવી ગંભીર બાબત અંગે કડક પગલાં લેવાની ફૂરસદ નથી!

અત્રે એક ઉદાહરણ ખૂદ મહાનગરપાલિકાના સેવાસદન ભવનનું જ રજૂ કર્યું છે. આ સેવાસદનમાં કોણ જાણે કોણ સફાઈની જાળવણી કરે છે? સેવાસદનની હાલત જ શહેર કેવું ગંદુ હશે તેનો ચિતાર રજૂ કરી દ્યે છે.

આ સેવાસદનના ટોયલેટ બ્લોકની હાલત તસ્વીરમાં દેખાય છે જ્યાં દીવાલ અને ટાઈલ્સના મૂળ કલરના બદલે પાન-મસાલાની પીચકારીઓનો કદરૃપો રંગ જ દેખાય છે. સેનેટરીના સાધનો તૂટી ફૂટી ગયા છે, નળ-ગેન્ડી જેવા તો અદૃશ્ય જ છે? આ ટોયલેટ બ્લોકમાં અંદર જવાનું તો શક્ય જ નથી, પણ  તેની બાજુમાંથી પણ નીકળી ન શકાય તેવી અત્યંત ખરાબ હાલત છે.

સૌથી નવાઈની વાત એ છે કે શહેરમાં નાની-મોટી દુકાનોમાં ચેકીંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે કરતા મહાનગરપાલિકા તંત્રના જ સેવાસદનમાં ચારે તરફ પ્લાસ્ટિકની ચા ની પ્યાલીઓ, ઝબલા થેલીઓ, પાન-મસાલાના પાઉચ, અન્ય કચરો જોવા મળે છે. (અગાઉ અનેક વખત બિયરના ખાલી  ડબલા, દારૃની ખાલી બોટલો પણ મળી આવ્યાના દાખલા છે)

મહાનગરપાલિકામાં સફાઈ વિભાગમાં સફાઈ કામદારો, સુપરવાઈઝરોનો જંગી સ્ટાફ છે, અને હવે ખાનગી કંપનીને કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાથી મહાનગરપાલિકાના સફાઈ વિભાગના કર્મચારીઓને તો જલસા થઈ ગયા છે. આ કોન્યટ્રાક્ટરની કામગીરી સામે પણ ભારે અસંતોષ છે જ, પણ  કોઈના પેટનું પાણી હલતું નથી.

જે હોય તે, મહાનગરપાલિકાના સેવાસદન અને આખા પ્રીમાઈસીસની સફાઈની જવાબદારી કોની? જેની પણ જવાબદારી છે તે વિભાગના જવાબદાર અધિકારી તેમજ તેમના સ્ટાફની આવી ગંભીર બેદરકારી સામે શા માટે પગલાં લેવાતા નથી? મ્યુનિ. કમિશનર વહીવટમાં કુશળ અને શિસ્તના કડક આગ્રહી છે, તેમ છતાં અધિકારીઓ, ચૂંટાયેલા  પ્રતિનિધિઓ અને નીચેનો સ્ટાફ તેમને પણ ’ભૂ’ પાઈ રહ્યા છે તેવું ચોક્કસ ફલિત થાય છે!

શહેરની સ્વચ્છતાનો અરીસો એવા સેવાસદન સંપૂર્ણ પણે સ્વચ્છ રહે તેવા કાયમી પગલાં લેવા જોઈએ, અને  સેવાસદનમાં દરરોજ આવતા અગ્રણીઓ, અરજદારો સહિતની આમજનતાને તેની સુવિધાઓનો લાભ મળવો જોઈએ…

બાકી પોતાના આવવા-જવાની લોબી કે પોતાની એ/સી ચેમ્બરમાં બધું સાફ સુથરૃ હોય, આ સેવાસદનમાં અન્યત્ર ચોમેર ફેલાયેલી ગંદકી નજરે પડતી નથી… અથવા આંખ આડા કાન કરી દેવામાં આવે છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.