Abtak Media Google News

જામનગરના પ્રોફેસરના બેંક ખાતામાંથી રૂ.૪ લાખ ૧૬ હજાર ૮૮૫ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ અંગે પ્રોફેસર દ્વારા અજાણ્યા મોબાઈલ ફોન ધારક શખ્સ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અન્વયે ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં રહેતા અને અમરેલીમાં ખેતીવાડી વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર એક શખ્સની વાતમાં ભોળવાઈ જતાં તેમને માતબર રકમ ગૂમાવી પડી છે.

અજાણ્યા શખ્સે તે પ્રોફેસરને બેંક અધિકારીના નામે ફોન કર્યો હતો અને તેમની પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી લીધી હતી. આ પછી એ ઠગ મહાશયે પ્રોફેસરના બેંક ખાતાને સાફ કરી નાંખ્યું હતું.

જામનગરના વાલકેશ્વરીનગરી, આસ્થા એવન્યુ, ગોકુલ હોસ્પિટલ પાસે રહેતા પ્રોફેસર જયસુખભાઈ નરોત્તમભાઈ નારિયા (૬૧)ને ગત તા.૨૬-૧૧-૨૦૧૮ને સવારે ૬૨૯૧૩ ૯૮૬૬૫ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને પોતાની ઓળખાણ બેંક અધિકારી તરીકેની આપી હતી. મોબાઈલ ફોનમાં આવનારો એસએમએસ પોતાને ફોરવર્ડ કરવા જણાવતા પ્રોફેસરો પોતાના મોબાઈલ ફોનમાંથી મેસેજ ફોરવર્ડ કર્યો હતો. આ પછી પ્રોફેસરના બેંક ખાતામાંથી રૂ.૪,૧૬,૮૮૫ની રકમ ઓનલાઈન ઉપાડી લીધી હતી.

આ બનાવ અંગે પંદર દિવસ પછી પ્રો. જે.એન. નારિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઈન્ચાર્જ પીઆઈ વી.એસ. લાંબાએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બેંક-સરકાર દ્વારા અનેક વખત જાહેરાતો કરવામાં આવી છે કે બેંક ખાતાની વિગતો ક્યારેય પણ ફોન ઉપર માગવામાં આવતી નથી. તમારા એટીએમ પીન નંબર, ઓટીપી નંબર પણ ક્યારેય પૂછવામાં આવતા નથી. આથી બેંક ખાતાની વિગતો કોઈએ આપવી નહી. પોલીસ દ્વારા પણ આવી જ અપીલો અનેક વખત કરવામાં આવી છે.

આમ છતાં એક પ્રોફેસર જેવી ઉચ્ચ શિક્ષિત વ્યક્તિએ ભૂલ કરી અને પોતાના બેંક ખાતાની વિગતો આપી દીધી. આથી અજાણ્યા ફોન કરનાર શખ્સે તેનો બેંક બેલેન્સ ’સાફ’ કરી નાંખી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.