Abtak Media Google News

કોરોના વધે એ પહેલા તંત્ર હરકતમાં

ચા, પાનના ગલ્લા, લારીઓ ઉપર તૂટી પડવા મહાપાલિકાએ છ ટુકડી બનાવી

શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈ મહાપાલિકાએ ખાસ એકશન પ્લાન ઘડી કાઢ્યો છે અને જ્યાં ભીડ જણાય ત્યાં હોટલ, દુકાનો કે ધંધાના સ્થળ સીલ કરવાનું નક્કી કર્યું છે.

જામનગર શહેરમાં કોરોનાના વધતા જતા કેસને લઈને મહાનગરપાલિકાનું તંત્ર પણ ચિંતિત બન્યું છે, અને નવો એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની જુદી-જુદી છ ટીમો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર હોટલ દુકાનના દ્વારે ભીડ એકઠી થતી જણાશે તો કડક કાર્યવાહી કરાશે અને જરૂર પડ્યે હોટેલ -દુકાનો ને સીલ પણ કરવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર તેમજ માસ્ક નહીં પહેરનાર સામે દંડકિય કાર્યવાહી માટેની ઝૂંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ લોકો માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે તેની તકેદારી રાખવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણીની રાહબરી હેઠળ એક બેઠક યોજાઇ હતી. જેમાં મહાનગરપાલિકાની જુદી-જુદી છ ટીમો બનાવી હતી, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોડતી કરવામાં આવી છે.

જે ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. શહેરની ચા પાનની હોટલો વગેરે સ્થળે ભીડ એકત્ર થતી જણાશે તો દંડકીય કાર્યવાહી કરાશે. સાથોસાથ હોટલ દુકાનોને સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરાશે.

નિયમોનો ભંગ કરનારા ૯૮૯૯ સામે કેસ: ૨૫.૫ લાખનો દંડ વસુલાયો

જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન તેમજ અનલોકના સમયગાળા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારાઓ તેમજ માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો સામે ૯૮૯૯ કેસ કર્યા છે, અને તેઓ પાસેથી ૨૫ લાખ,૫૪ હજારથી વધુનો દંડ વસુલ કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવી લોકડાઉન તેમજ અનલોકના સમયગાળા દરમિયાન દિવાળી સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવનારા ૧૧૬૩ લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી ૨,૭૬,૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માસ્ક પહેર્યા વિના નીકળનારા ૮,૦૬૫ લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી ૨૦,૧૪,૬૫૦નો દંડ વસુલ કર્યો છે.

બેખોફ લોકોના કારણે બે દિવસમાં વધુ ૮૧ કેસ નોંધાયા

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસો વધવા લાગ્યા છે છેલ્લા બે દિવસમાં નવા ૮૧ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દિવાળીના તહેવારો બાદ સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે તો બીજી બાજુ લોકોમાં કોઈ જાતની ગંભીરતા જોવા નથી મળતી શહેરમાં હજી ઘણા વિસ્તારોમાં રીતસરની ભીડ જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક પણ ના પહેર્યા હોય તેવા દ્રષ્યો પણ જોવા મળી રહ્યા છે. જેના કારણે સંક્રમણ વધતા પોઝિટિવ કેસોમાં વધારો થતો જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.