Abtak Media Google News

જામનગર મહાનગર પાલિકા પ્રજાને સ્વચ્છતા જાળવવાની સુરીયાણી સલાહો આપીને જનજાગૃતિના નાટકોના જોરે સ્વચ્છતા અંગેની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તો બીજી તરફ શહેરમાં સફાઈના મુદ્દે તમામ નગરજનોમાં ભારોભાર અસંતોષ અને રોષની લાગણી પ્રવર્તે છે.

મહાનગર પાલિકાનું તંત્ર જે કોઈ કચરો-ગંદકી શહેરમાંથી ઉપાડે છે તેને વિકટોરીયા પુલથી ગુલાબનગર સુધીના વિસ્તારમાં ઉભા કરાયેલા કચરાના ડમ્પીંગ પોઈન્ટ પર ઠાલવવામાં આવે છે. આ ભીનો-સૂકો કચરો અને ગંદકીના ઢગલાંના કારણે માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાયેલી રહે છે. તેમાં વળી મહાનગરપાલિકાએ આ કચરા-ગંદકીના ઢગલાઓને સળગાવવાનું કામ શરૂ કરતાં વિકટોરીયા પુલથી છેક ગુલાબનગર અને રેલવે ઓવરબ્રીજ સુધીના ઓરસચોરસ વિસ્તારમાં દુર્ગધ અને ધૂમાડાનું ભયંકર પ્રદૂષણ ફેલાઈ ગયું છે. પરિણામે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. એટલું જ નહીં, જામનગર-રાજકોટ જેવા સતત ધમધમતા ધોરીમાર્ગ પરથી પસાર થનારાઓને પણ આ પ્રદૂષણથી મુશ્કેલી પડી રહી છે.

આ સમસ્યાથી ત્રાસી ગયેલા લોકો સાથે કોર્પોરેટર જસરાજ પરમાર તથા પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખભાઈ ખાણધરે કચરો ઠાલવવામાં આવતાં ટ્રેક્ટરોને અટકાવી દીધા હતા અને માર્ગ બંધ કરી દેતાં પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. આ ઘટનાથી જાણ થતાં જ મનપાના અધિકારીઓ દોડી આવ્યા હતાં. અને લોકોને શાંત પાડી તાત્કાલિક અસરથી વચલો રસ્તો કાઢીને કચરો ધુંવાવ ગામ તરફની જગ્યાએ ઠાલવવાનો નિર્ણય કર્યો હતો. હંગામી ધોરણે કચરો હવે આ નવી જગ્યાએ ઠાલવવામાં આવી રહ્યો છે.

આ અગાઉ પણ ગુલાબનગરના રસ્તે ડમ્પીંગ પોઈન્ટના પ્રદુષણના મામલે લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને મનપામાં અનેક રજુઆતો કરી છીે પણ મનપા તંત્ર દ્વારા ડમ્પીંગ પોઈન્ટ માટે કોઈ દૂરનું સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. જામનગર શહેરમાં ગંદકીના કારણે રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે મનપા તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં સઘન સફાઈ કામ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.