Abtak Media Google News

જામનગરના જનતા ફાટક વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં મહિલા દ્વારા કૂટણખાનું ચલાવાતું હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે ત્રાટકેલી પોલીસે તે સ્થળેથી મહિલા સંચાલિકા તેમજ બે ગ્રાહકોને પકડી પાડયા છે. સ્થળ પરથી પરપ્રાંતિય એક મહિલા પણ મળી આવી છે જેને પોલીસે સાક્ષી બનાવી આગળની કાર્યવાહી કરી છે. બે દિવસમાં બે સ્થળેથી કૂટણખાના ઝડપાતા પ્રબુધ્ધ નગરજનો ચોંકી ઉઠયા છે.

જામનગરના જનતા ફાટક વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં મહિલા દ્વારા પરપ્રાંતમાથી મહિલાઓને બોલાવી પોતાના ફલેટમાં જ લોહીનો વેપાર કરાવતી હોવાની બાતમી ડિવિઝનના હે.કો. પ્રતિપાલસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ બચુભાને ગઈકાલે મળતા તેઓએ પીઆઈ એમ.એમ. રાઠોડને તેની વિગતો આપી હતી.

ત્યાર પછી પીએસઆઈ એ.એલ. મકરાણીના વડપણ હેઠળ તૈયાર કરવામાં આવેલી પોલીસ ટૂકડીએ જનતા ફાટક પાસે આવેલી મીનાક્ષી સ્કૂલની નજીકના હરિપ્રેમ એપાર્ટમેન્ટના પ્રથમ માળે આ કૂટણખાનું ચાલતું હોવાની મળેલી વિગતના પગલે એક વ્યક્તિને બોગસ ગ્રાહક તરીકે મોકલવાની તજવીજ કરી હતી.

આ ગ્રાહક તે સ્થળે પહોંચ્યા પછી તેણે આપેલા સંકેતના પગલે પોલીસે દરોડો પાડયો હતો તે સ્થળે ફલેટ નં.૧૦૧માં તલાશી લેવાતા તે સ્થળેથી જામનગરના એરફોર્સ-૧ રોડ પર આવેલા કવાર્ટર નં.૪૪૯/પમાં વસવાટ કરતા ભગવાનજી કરશનભાઈ ઝાખરિયા નામના સાંઈઠ વર્ષના દરજી પ્રૌઢ તેમજ જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતો રીવાઝ હસમુખભાઈ રૃપાપરા નામનો પટેલ શખ્સ મળી આવ્યા હતા.

આ ઉપરાંત તે ફલેટના ધારક મનિષાબેન દિલીપભાઈ પ્રેમચંદ શાહ (ઉ.વ.૩૫) નામના મળી આવ્યા હતા. પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરતા મનિષાબેન પોતાના ફલેટમાં રાજ્ય બહારની મહિલાઓને બોલાવી તેઓને પૈસાની લાલચ આપી માનવ તસ્કરી કરી કૂટણખાનુંં ચલાવતા હોવાની અને રીવાઝ તથા કરશનભાઈ ગ્રાહક તરીકે ત્યાં આવ્યા હોવાની વિગતો મળવા પામી છે.

આ ફલેટની પોલીસે તલાશી લેતા ત્યાંથી રૃા.૩૯૦૦ રોકડા, ત્રણ મોબાઈલ તેમજ કોન્ડોમ સહિતનો કુલ રૃા.૧૫૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે ત્રણેય વ્યક્તિઓ સામે ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો તેમજ આઈપીસી ૩૭૦ (૩) હેઠળ ગુન્હો નોંધ્યો છે. જ્યારે તે ફલેટમાંથી મળી આવેલી અન્ય એક સ્ત્રીને પોલીસે સાક્ષી તરીકે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના મહિપાલસિંહ જાડેજા, રમેશ ચાવડા, હિતેશ જગદીશભાઈ, હિતેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે રહ્યા હતા.

મંગળવારે રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પીઆઈના પુત્ર દ્વારા ચલાવાતું કૂટણખાનું એલસીબીએ પકડી પાડયા પછી ગઈકાલે રણજીતનગરથી થોડે જ દૂર આવેલા જનતા ફાટક પાસેથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાતા પ્રબુધ્ધ નગરજનો ચોંકી ઉઠયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.