કોરોનાને ગંભીર ગણી સાવધ રહેવા જામનગરના કલેક્ટર રવિશંકરની અપીલ

કોરોનાનો રોગચાળો વધી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર રવિશંકરે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.

જામનગરમાં હાલ સુધીમાં ૭રપ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે સતત વધતા સંક્રમણ સામે હજુ પણ લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે. જામનગરમાં છેલ્લા દસ દિવસમાં અંદાજે ર૦ જેટલા કેસ એવરેજ દરરોજ આવી રહ્યાં છે. આ સમયે સતત વધતા કેસોથી આરોગ્ય વિભાગ ડોક્ટરો કે અન્ય આરોગ્યકર્મીઓ જે છેલ્લા ચાર મહિનાથી સતત દિવસ-રાત કામગીરી કરી રહ્યાં છે. તદ્ઉપરાંત વહીવટીતંત્ર પણ લોકોની સેવામાં સતત કાર્યરત છે, પરંતુ હાલ આરોગ્ય સેવાઓ પર પણ ભારણ વધી રહ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જિલ્લામાં દર ર૦ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે. જે રીતે કેસ વધી રહ્યાં છે તેને ધ્યાને લેવામાં આવે તો ૧પ-ઓગસ્ટ સુધીમાં જામનગરમાં પોઝિટિવ કેસોની સંખ્યા ૯૦૦ સુધી પહોંચવાની શક્યતા છે. સતત વધતા કેસને કારણે ડેથ ઓક્યુપન્સી રેટ પણ વધી રહ્યો છે.

હોસ્પિટલમાં હાલમાં જે કોઈ દર્દીઓ આવી રહ્યાં છે તેમાં મોટાભાગના દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરના છે, અમુક કિસ્સામાં તો ૮૦ થી ૯૦ વર્ષની ઉંમરના પણ દર્દીઓ જાણવા મળ્યા છે. આ વૃદ્ધ લોકો મોટાભાગે ઘરની બહાર જતા નથી, પરંતુ પરિવારના અન્ય સભ્યોના કારણે તેઓ કોરોના સંક્રમણથી પિડીત થઈ રહ્યાં છે. મોટાભાગે જે લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે, તેઓ કોમોર્બીડ કન્ડિશનમાં એટલે કે, તેમને હાર્ટ કે લીવરની તકલીફ હોય કે ડાયાબિટીસની તકલીફ હોય છે અથવા તો ઓબેસિટી એટલે કે વધુ વજન ધરાવતા હોય છે. વળી મોટાભાગે આ લોકો ઈન્ફેકશન થયાના પાંચથી છ દિવસ બાદ હોસ્પિટલનો સંપર્ક કરતા નથી, અથવા ઓછી તકલીફના સમયે લોકો પોતાની તકલીફ છુપાવીને રાખે છે. જેથી ગંભીર તકલીફના સમયે તેઓ હોસ્પિટલ પહોંચે છે. આ સમયે તઓનું એસપીઓટુ લેવલ ખૂબ ઓછું થઈ ગયું હોય છે, એટલે કે, ઓક્સિજનની માત્રા તેમના શરીરમાં ખૂબ ઓછી થઈ ગઈ હોય છે. સામાન્ય રીતે લોકો ઘરે દવા લઈને તબીબી માર્ગદર્શન લેતા નથી.

આ સમયે જામનગરના ખાનગી તબીબો અને મેડિકલ સ્ટોરના વિક્રેતાઓને પણ કલેક્ટરે વિનંતી કરી હતી કે સામાન્ય શરદી, ઉધરસ, તાવના દવા લેવા આવતા લોકોને પણ તેઓ સમજૂતી કરે. ખાનગી તબીબો પણ પોતાને ત્યાં આવતા કોઈપણ દર્દીીનું ઓક્સિજન લેવલ તુરંત ચેક કરે તો શરૃઆતમાં સમયગાળામાં જ દર્દી વિશે જાણી શકાશે અને તેની સારવાર થઈ શકશે.

કલેક્ટરશ્રીએ જામનગરના લોકોને આગામી દિવસોમાં આવતા પર્વો ઘરમાં જ રહી ઉજવવાની અપીલ કરી છે. આવનારા દિવસોમાં બકરી ઈદ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ વિગેરે પર્વો આવી રહ્યાં છે ત્યારે લોકો એકબીજાને મળવા માટે ઘરથી બહાર ન નીકળે અને આ ર૦ર૦ ના વર્ષમાં આવેલી કોરોના મહામારી સામે લડત આપવા આ પર્વની ઉજવણી ઘરે રહીને જ સુરક્ષિત રીતે કરે તો પરિવારના સભ્યોને આ મહામારીથી બચાવી અને તેમના જીવનને સુરક્ષિત રાખી શકાશે તેમ ઉમેર્યુ હતું.

Loading...