જામનગર : ‘નાગમતી’ ની રવિવારી બંધ થાય એ પહેલાં ‘સાધના’ ની મંગળવારી બંધ

જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં દર મંગળવારે ભરાતી ગુજરી બજાર વહીવટી તંત્ર દ્વારા બંધ કરાવી હતી. ગત મંગળવારે બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી તેમજ પોલીસ અને કોર્પોરેશનની ટીમ સાથે બબાલ સર્જાયા પછી મંગળવારે પોલીસ તંત્ર વહેલી સવારથી જ હરકતમાં આવ્યું હતું, અને બજાર સંપૂર્ણપણે બંધ રખાવી છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં મંગળવારે ગુજરી બજાર ભરાય છે જેમાં અનેક રેકડી- પાથરણાવાળાઓ આવીને બેસી જાય છે અને સોશિયલ ડિસ્ટનસનું પાલન જળવાતું નથી, ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી રહે છે અને રીક્ષા વાળાઓ પણ ત્યાં જ અડીંગો જમાવીને પડ્યા રહે છે. જેના કારણે ટ્રાફિક પણ અવરોધ થાય છે. જે બાબતે ગત મંગળવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ફેરિયા-પાથરણાવાળાઓમાં નાસભાગ મચી હતી અને વહીવટીતંત્ર સાથે જીભાજોડી પણ કરવામાં આવી હતી.

ગત મંગળવારે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ રિક્ષા ચાલકો તેમજ અન્ય કેટલાક પથારાવાળાઓ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો, સાથો સાથ ૨૦ પથારાવાળાનો માલ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

ગયા મંગળવારે થયેલી બબાલને અનુલક્ષીને મંગળવારે પોલીસ તંત્ર વહેલી સવારથી જ હરકતમાં આવી ગયું હતું અને સાધના કોલોની વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને એક પણ રેકડી-પથારાવાળાઓને ગુજરી બજાર ભરવા દેવા માટેની મંજૂરી આપવામાં આવી નથી અને સાધના કોલોનીનો સંપૂર્ણ વિસ્તાર સજજડ બંધ રહ્યો છે.

Loading...