Abtak Media Google News

રાજસ્થાનના શખ્સને સોપારીના અપાયેલા પૈસામાંથી ખરીદાયેલ મોટર તથા મોબાઈલ સાથે પકડી પાડયો છે. જ્યારે બાકીના ત્રણ આરોપીઓને પકડી પાડવા માટે ચોતરફ જાળ બિછાવી

જામનગરના ચકચારી એડવોકટ હત્યા પ્રકરણમાં તપાસનીશ પોલીસ ટૂકડીએ કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ પાસેથી રૂ.૩ કરોડમાં સોપારી મેળવનાર અમદાવાદના ત્રણ શખ્સોના સગડ મેળવ્યા છે. જ્યારે તેની સાથે રાજસ્થાનના એક શખ્સની મદદગારી પણ ખૂલી છે. હાલમાં પોલીસે રાજસ્થાનના શખ્સને સોપારીના અપાયેલા પૈસામાંથી ખરીદાયેલ મોટર તથા મોબાઈલ સાથે પકડી પાડયો છે. જ્યારે બાકીના ત્રણ આરોપીઓને પકડી પાડવા માટે ચોતરફ જાળ બિછાવી દેવામાં આવી છે.

જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ગઈ તા.ર૮ એપ્રિલની રાત્રે નવેક વાગ્યે પોતાની ઓફિસમાંથી બહાર નીકળી કાર તરફ આગળ વધી રહેલા જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષી નજીક મોટરસાયકલમાં ધસી આવેલા બે શખ્સો પૈકીના એક શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી કિરીટભાઈ જોષીની કરપીણ હત્યા નિપજાવી હતી ત્યાર પછી મોટરસાયકલ તૈયાર રાખી ઉભેલા બીજા શખ્સની પાછળ બેસી ઘા ઝીંકનાર શખ્સનું મોટરસાયકલ બનાવના સ્થળેથી નાસી છૂટયું હતું. આ બનાવની જાણ થતા દોડી આવેલા પોલીસ કાફલાએ બનાવના સ્થળ તેમજ રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા કેટલાક સીસીટીવીના ફૂટેજ કબજે કરી આરોપીઓના વર્ણન, કપડા, બુટની વિગતો મેળવી હતી અને મૃતક કિરીટભાઈના નાનાભાઈ અશોક જોષીની ફરિયાદ પરથી ભૂ-માફિયા જયેશ પટેલ અને અન્ય શખ્સો સામે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ત્યાર પછી રાજ્યના ડીજી શિવાનંદ ઝાની સૂચનાથી નગરના એસપી પી.બી. સેજુળે ખુદ તપાસનો દૌર સંભાળી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટૂકડીને સાથે જોડી હતી. અમદાવાદ તેમજ જામનગર એલસીબી અને અન્ય ચુનંદા પોલીસ અધિકારીઓની ટૂકડીઓની રચના કરી હાથ ધરાયેલી તપાસમાં મુંબઈથી સાયમન લુઈસ અને અજય મહેતા નામના બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન રૂ.પ૦ લાખની સોપારી જયેશ પટેલ પાસેથી લીધી હોવાની કબૂલાત આપી હતી, પરંતુ કિરીટભાઈની હત્યા માટે હત્યારાઓ પોતે નહીં મોકલ્યા હોવાની રટ પકડતા પોલીસે તપાસની દિશા ફેરવી હતી.

તે દરમ્યાન તપાસનીશ ટૂકડીઓ પૈકીની એક ટૂકડીને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ, ટોલનાકા, ત્યાંથી આગળના સીસીટીવી અને રાજકોટ શહેરમાં પણ કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જેમાંથી જામનગરથી એક બાઈકમાં જે બે હત્યારાઓ નાઠા હતા તેની સાથે અન્ય એક મોટરસાયકલમાં એક શખ્સ સતત સાથે હોવાનું જણાઈ આવતા પોલીસે અત્યંત ગુપ્ત રીતે રાજકોટ શહેરના કેટલાક સીસીટી ફૂટેજ મેળવી લીધા હતા અને તેની સાથે કિરીટભાઈની હત્યાનું કાવતરૃં અમદાવાદની જેલમાં ઘડાયું હોવાની કેટલીક વિગતો મળતા પોલીસે જે સમયે જયેશ પટેલ અમદાવાદની જેલમાં હતો ત્યારે તેની સાથે કેટલા શખ્સો જેલમાં હતા? અને હાલમાં કેટલા શખ્સો જેલમાં હાજર નથી? તેની ઉંડાણપૂર્વકની તપાસ કરતા આ કેસની સિલસિલાબદ્ધ વિગતો પ્રકાશમાં આવવા પામી છે.

પત્રકારો સમક્ષ એસપી પી.બી. સેજુળે વિગત આપતા જણાવ્યું છે કે, જ્યારે જયેશ પટેલ અમદાવાદ જેલમાં હતો ત્યારે તેની સાથે મૂળ અમદાવાદના દિલીપ નટવરલાલ પુજારા, હાર્દિક નટવરલાલ પુજારા તથા જયંત અમૃતલાલ ચારણ (ગઢવી) નામના ત્રણ શખ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કે જ્યાં દિલીપ તથા હાર્દિકના પિતા સોડાની રેંકડી ચલાવે છે ત્યાં થયેલી વિક્કી યાદવ નામના યુવાનની હત્યાના કેસમાં અંદર હતા તેઓ હાલમાં પેરોલ પર છૂટી ફરાર થઈ ગયા હોવાની વિગતો મળી હતી આથી પોલીસે દિલીપ, તેના નાનાભાઈ હાર્દિક તેમજ જયંત ગઢવી પર ફોક્સ કરી તપાસ ગતિમાન બનાવી હતી.

આ શખ્સો સામે રાજસ્થાનના પાલી જિલ્લાના બાલી તાલુકાના ડેરી ગામના અજયપાલસિંગ ઉમેદસિંગ પવાર ઉર્ફે બોબી નામના શખ્સની સંડોવણી પણ ખૂલી હતી. આ શખ્સ પોતાના ગામમાં હોટલનો વ્યવસાય કરતો હતો, પરંતુ થોડા સમયથી ધંધો પડી ભાંગતા તે આર્થિક સંકડામણમાં આવી ગયાનું અને તેને નિવારવા કિરીટભાઈ જોષીની સોપારી લેનાર શખ્સો સાથે જોડાયો હોવાનું પણ ખૂલતા પોલીસે રાજસ્થાનના માઉટ આબુમાં ધસી જઈ ત્યાંથી અજયપાલસિંગની અટકાયત કરી લીધી છે.

પત્રકારો સમક્ષ એસપી સેજુળે આ આરોપીને રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, રૂ.૩ કરોડમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે દિલીપ પુજારા તથા તેના નાનાભાઈ હાર્દિક પુજારાએ સોપારી ઉઠાવી હતી, જયેશ પટેલ પાસેથી સોપારી મેળવ્યા પછી આ શખ્સોએ જયંત ચારણને પણ પોતાની સાથે ભેળવ્યો હતો, પેરોલ મેળવી નાસી છૂટેલા આ શખ્સોને ત્રણ કરોડમાંથી અંદાજે રૂ.વીસેક લાખ જયેશ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા જેમાંથી આ શખ્સોએ સ્કોડા કંપનીની મોટર ખરીદી હતી અને તેમાં તેઓ માઉન્ટ આબુ નાસી ગયા હતા જ્યાં તેઓએ અજયપાલસિંગને પોતાની સાથે ’કામ’ કરે તો પૈસા આપવાની લાલચ આપતા અજયપાલસિંગે લાલચમાં ફસાઈ આ શખ્સો સાથે બેઠક ગોઠવી હતી અને રાજસ્થાનના સીરોહીમાંથી એક છરીની ખરીદી કરી હતી.

ત્યાર પછી ઉપરોક્ત શખ્સો મહેસાણામાં આવેલા એક વોટર પાર્ક પાસે બેઠક યોજી હતી તે બેઠકમાં કાવતરૂ ઘડી આ શખ્સો રેકી માટે જામનગર તરફ આવવા રવાના થયા હતા જ્યાં માર્ગમાં રાજકોટ રોકાઈ દિલીપ તથા હાર્દિકે પોતાના રાજકોટના સંબંધી મારફતે બે મોટરસાયકલ સેક્ધડમાં ખરીદ્યા હતા ત્યાર પછી તે મોટરસાયકલમાં અવારનવાર રેકી માટે જામનગર આવતા હતા, કિરીટ જોષીને આ શખ્સો ઓળખતા ન હોય તેઓએ જયેશ પટેલને વાત કરતા જયેશ પટેલે પોતાની પાસે રહેલા કેટલાક ફોટા અને વીડિયો મોકલાવ્યા હતા જેમાં કિરીટ જોષી તરફ અંગુલી નિર્દેશ કરી તેઓની પાકી ઓળખ આપવામાં આવી હતી આથી કિરીટભાઈને ચહેરેથી ઓળખવા લાગેલા આરોપીઓ તા.ર૮ એપ્રિલના દિને જામનગર આવી કિરીટભાઈની હત્યા નિપજાવી નાસી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.