‘જેમ્સ’ ગયો ’ ‘બોન્ડ’ આજે પણ જીવંત : ૦૦૭ નંબર માટે રૂ.૩૪ લાખની ચુકવણી

અમદાવાદના ટ્રાન્સપોર્ટરે ૩૯ લાખની ગાડીમાં ૦૦૭ નંબર માટે રૂ. ૩૪ લાખની ચુકવણી કરી

જેમ્સ બોન્ડનું નામ આપણે સૌએ સાંભળ્યું છે. જેમ્સ બોન્ડના પરાક્રમોથી પણ મોટા ભાગના લોકો વાકેફ હશે પણ જેમ્સ બોન્ડ પ્રત્યેની દીવાનગીનો બેનમૂન નમૂનો રાજ્યની આર્થિક રાજધાનીમાં જોવા મળી છે. એક યુવકે જેમ્સ બોન્ડ પ્રત્યેની લાગણી અને દીવાનગી પાછળ રૂ. ૩૯ લાખની ગાડીમાં ૦૦૭ નંબર લેવા આરટીઓને રૂ. ૩૪ લાખની ચુકવણી કરી છે.

અમદાવાદના ટ્રાન્સપોર્ટના આશિક પટેલ નામના ૨૮ વર્ષીય યુવકે અમદાવાદ આરટીઓમાં ઇતિહાસ રચ્યો છે. આશિક પટેલે તેની રૂ. ૩૯ લાખની એસયુવી કારમાં ફેન્સી નંબર માટે રૂ. ૩૪ લાખની ચુકવણી કરી છે.

આશિકે આ અંગે કહ્યું હતું કે, ફેન્સી નંબર માટે આટલી મોટી રકમની ચુકવણી કર્યા પાછળ મારી પાસે ચોક્કસ કારણ છે. તેણે વધુમાં કહ્યું હતું કે, ૦૦૭ નંબર અને પૈસાને કોઈ સબંધ નથી પરંતુ આ નંબર મારા માટે ભાગ્યશાળી છે જેથી આ નંબર માટે હું કોઈ પણ રકમની ચુકવણી કરી શકું છું. ૦૦૭ નંબર માટેની બીડ ગત તારીખ ૨૩ નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ નંબર માટે તળિયાના ભાવ રૂ. ૨૫ હજાર નક્કી કરવામાં આવ્યા હતા. આશિકને તેની ટોયોટા ફોર્ચ્યુનર ગાડીમાં ૦૦૭ નંબર લેવા હતા. આશિક અને અન્ય એક બીડર વચ્ચે નંબર માટે હરીફાઈ શરૂ થઈ હતી. કલાકો બાદ ભાવ રૂ. ૨૫ લાખ સુધી પહોંચ્યા હતા. અંતે રાત્રીના ૧૧:૫૩ વાગ્યે આશિકે રૂ. ૩૪ લાખની બોલી લગાવી હતી જેને આરટીઓ તંત્રે છેલ્લી બોલી તરીકે ગ્રાહ્ય રાખીને આશિકને ૦૦૭ નંબર આપ્યા હતા. આશિકને ગાડી માટે ૠઉં૦૧ઠઅ૦૦૭ નંબર મળ્યા હતા. આ અંગે અમદાવાદના આસિસ્ટન્ટ ઓફિસર એન વી પરમારે કહ્યું હતું કે, ૦૦૭ નંબર માટે રૂ. ૩૪ લાખની બોલી સૌથી ઉંચી બોલી હતી. બીડર દ્વારા પૈસાની ચુકવણી ટૂંક સમયમાં કરી દેવામાં આવશે જે બાદ નંબરની ફાળવણી કરવામાં આવશે. મહામારી બાદ પ્રથમવાર અમદાવાદ આરટીઓ ખાતે ફેન્સી નંબરના ઓક્શનમાં ૬૨૨ લોકોએ ભાગ લીધો હતો.

મહામારી બાદ ૧૦૦થી પણ ઓછા લોકો ભાગ લઈ રહ્યા હતા પરંતુ આ વખતે સંખ્યામાં ધરખમ ઉછાળો નોંધાયો હતો. ૦૦૭ બાદ ૦૦૧ નંબરની ફાળવણી રૂ. ૫.૫૬ લાખમાં કરવામાં આવી હતી.

Loading...