Abtak Media Google News

પૂજય આચાર્ય યશોવિજયજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંઘના તમામ હોદેદારોની ઉપસ્થિતિ

ઝારખંડ સરકારના આપખુદશાહી વર્તનના કારણે છેલ્લા ઘણા સમયથી સમેતશીખરજી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સમેતશીખરજી બચાવો અભિયાન અંતર્ગત જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પૂજય આચાર્ય યશોવિજયજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સંઘના તમામ હોદેદારોની ઉપસ્થિતિ રહી હતી.

સમેતશીખરજી મહત્વનું પૂજનીય તીર્થ સ્થાન છે જયાં ૨૪ તીર્થકરોમાંથી ૨૦ના કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલ છે. આ પવિત્ર તીર્થ સ્થાનનો કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે જેનો નિર્ણય આવવાનો બાકી છે.

તેની ઉપરવટ જઈને ઝારખંડ સરકાર ટુરીઝમ ડેવલોપ કરવા માટે ત્યાં પાશ્ર્વનાર્થ પ્રભુજીની ટુંકમાં દેરાસરની તદન નજીક હેલીપેડ તૈયાર કરાવે છે. ઉપરાંત અભક્ષીય ખોરાકનું વિતરણ જેવું માસ, મચ્છીનું વિતરણ તેમજ દારૂનું વેચાણ કરવા માટેની ગતિવિધિઓ પણ ચાલુ છે જે અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દલીલો ચાલે છે ત્યારે સમગ્ર ભારતમાં સમેતશીખર બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને બળ મળે તે માટે જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે આચાર્ય યશોવિજયજી મ.સા.ના અધ્યક્ષ સ્થાને સંઘના હોદેદારોની મીટીંગ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૯૧૨માં મોગલ સલતનતે તેમજ ૧૯૬૫માં ભારત સરકારે સમેતશીખરજી પર્વતની કાયદેસરની માલિકી આપી દીધી છે તેમ છતાં ઝારખંડ સરકાર આપખુદશાહી વર્તન કરી રહી છે. આ બેઠકમાં સંઘના હોદેદારો દિનેશભાઈ પારેખ, હરેશભાઈ શાહ, નિલેશભાઈ, રાજુભાઈ શાહ, પ્રફુલ ધામી, હિતેશ મહેતા, જીતુભાઈ ચાવાળા, ભુપીભાઈ, મહેન્દ્રભાઈ ઝવેરી, હિતેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.