અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા બે મહિનાથી લાપતા,ચીની સરકાર તરફ ઉઠી આંગળી

ચીનના ત્રીજા ક્રમના સૌથી ધનાઢ્ય અને ઇ-કોમર્સ કંપની અલીબાબા એન્ટ ગ્રૂપના માલિક, જેક મા છેલ્લા બે મહિનાથી લાપતા છે. જેક મા ચાઇનામાં જાહેર કાર્યક્રમોમાં વક્તા તરીકે હંમેશા હાજર રહે છે. તેના પ્રેરણાદાયી ભાષણો યુવાનોને ખૂબ જ લોકપ્રિય પણ છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની નજરમાં આવ્યા બાદ તે કોઈ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. ઘણા સમયથી તેના કોઈ સમાચાર ન મળતા જેક મા પર ઘણી શંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે .

ગયા વર્ષે ઓકટોબરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે નાણાકીય નિયમનકારો અને સરકારી બેંકોની આકરી ટીકા કરી હતી. જેક માએ સરકારને કહ્યું હતું કે સિસ્ટમમાં બદલાવ જરૂરી છે જેથી બિઝનેસમાં નવી વસ્તુઓની શરૂઆત સરળતાથી થઈ શકે. તેમણે વૈશ્વિક બેંકિંગની ટીકા કરતાં વૈશ્વિક બેંકિંગનાં નિયમોને ‘વૃદ્ધો માટેનું ક્લબ’ કહ્યું હતું.

તે પછી તેના ધંધા સામે વિવિધ તપાસ શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ જિનપિંગના કહેવા પર, ચીનના અધિકારીઓએ ગયા વર્ષે નવેમ્બરમાં જેક માને તેના એન્ટ ગ્રુપના 37 અબજ ડોલરનો આઈપીઓ સસ્પેન્ડ કરીને આંચકો આપ્યો હતો. મીડિયા રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે જેક માની એન્ટ ગ્રુપ આઈપીઓ રદ કરવાનો આદેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી આવ્યો હતો. નાતાલના આગલા દિવસે, જેક માને તેમના અલીબાબા જૂથ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચીનથી બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર ૨૦૧૬ અને ૨૦૧૭ વચ્ચે ઘણા લોકોની લાપતા થવાની ઘટના સામે આવી હતી. જે લોકો સામ્યવાદી પાર્ટી અથવા જિનપિંગ સરકારની નીતિઓની ટીકા કરે છે ચીની સરકારે એવા ઘણા લોકોને મોટી સંખ્યામાં નજરકેદ હેઠળ રાખ્યા છે. તેથી એવું પણ કહી શકાય કે જિનપિંગ દ્વારા જેક માને નજરકેદ કરવામાં આવ્યા હોય. હજી સુધી જેક માની કોઈ ખબર મળી નથી.

Loading...