Abtak Media Google News

વોર્ડ નં.૧ની અલગ અલગ સોસાયટીઓમાં જનભાગીદારીથી રૂા.૩.૫૫ કરોડના ખર્ચે પેવીંગ બ્લોકના કામોની ૮ દરખાસ્તમાં ૨૭ ટકા સુધીની ઓન આવતા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન આક્રમક, તમામમાં રિટેન્ડરીંગનો નિર્ણય: વોર્ડ નં.૨માં પેવીંગ બ્લોકના કામમાં ભાવ ૧૧.૪૫ ટકા ડાઉન આવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેડિંગ કમીટીની બેઠકમાં શહેરના વોર્ડ નં.૧ અને ૨માં અલગ અલગ સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવીંગ બ્લોક નાખવા માટે રૂા.૫ કરોડનો ખર્ચ મંજૂર કરવા અલગ અલગ ૧૩ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમીટીની જાગૃતતાથી જબરો ખેલ પાડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વોર્ડ નં.૧માં ૩.૫૫ કરોડના ખર્ચે અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા માટેના કામની ૮ દરખાસ્તોમાં ૧૪ ટકાથી લઈ ૨૭ ટકા સુધીની તગડી ઓન આવી હતી તો બીજી તરફ આ જ કામ એટલે કે વોર્ડ નં.૨ના  વિસ્તારમાં પેવીંગ બ્લોકના કામ માટે રૂા.૧.૪૫ કરોડના ખર્ચે અલગ અલગ પાંચ દરખાસ્તમાં એજન્સીએ કામ ૧૧.૪૫ ટકાના ડાઉન ભાવે કરવાની ઓફર આપી હતી. એક જ કામમાં એક વોર્ડમાં તોતીંગ ઓન અને બીજા વોર્ડમાં ડાઉન ભાવે કામની દરખાસ્તથી સ્ટેન્ડિંગ કમીટીના સભ્યો ચોંકી ઉઠ્યા હતા અંતે વોર્ડ નં.૧માં પેવીંગ બ્લોકના કામ માટેની ૮ દરખાસ્તમાં રિ-ટેન્ડરીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મંજૂરી અર્થે ૬૧ દરખાસ્ત કરવામાં આવી હતી. જે પૈકી કોર્પોરેશન હસ્તકના ગવરીદળ ગામના રસ્તે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ નિભાવ કરવા માટે રૂા.૨.૫૮ કરોડનો ખર્ચ મંજૂર કરવાની જે દરખાસ્ત અગાઉ પેન્ડિંગ રાખવામાં આવી હતી તે આજે નામંજૂર કરવામાં આવી છે. વોર્ડ નં.૧ અને ૨માં અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા માટે રૂા.૫ કરોડ મંજૂર કરવા માટે ૧૩ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગના ધ્યાને એવું આવ્યું હતું કે, તેમાં અલગ અલગ ચાર એજન્સીઓ દ્વારા ૧૪ થી ૨૭ ટકા સુધી ઉંચા ભાવ આપવામાં આવ્યા હતા તો બીજી તરફ વોર્ડ નં.૨માં ચાર સોસાયટીઓમાં પેવીંગ બ્લોકના કામ માટે ભાવ ૧૧.૪૫ ટકા જેટલા ડાઉન આવ્યા હતા.

તેઓએ ઉમેર્યું હતું કે, વોર્ડ નં.૧માં સત્યનારાયણનગર તથા કષ્ટભંજન સોસાયટીમાં પેવીંગ બ્લોક માટે રૂા.૪૮.૪૦ લાખ, મોચીનગર-૬ શેરી નં.૧ થી ૭માં પેવીંગ બ્લોક માટે રૂા.૪૧.૨૪ લાખ, ગૌતમનગરમાં પેવીંગ બ્લોક માટે રૂા.૫૦ લાખ, લાભદીવ સુચીત સોસાયટીમાં પેવીંગબ્લોક માટે રૂા.૨૨.૩૬ લાખ, અક્ષરનગર શેરી નં.૧,૪,૫ તથા હરીઓમ સોસાયટીમાં પેવીંગ બ્લોક માટે રૂા.૨૯ લાખ, આલાપ ગ્રીન સીટીના ખુલા પ્લોટમાં રૂા.૮.૬૨ લાખ, શાસ્ત્રીનગર નોર્થમાં ૧૨ મીટર ટીપીના રોડ પર પેવીંગ બ્લોક માટે રૂા.૫૧.૪૦ લાખ તથા શાસ્ત્રીનગર સાઉથમાં પેવીંગ બ્લોકના કામ માટે ૫૧.૪૦ લાખ સહિત કુલ ૮ દરખાસ્તમાં પેવીંગ બ્લોકના કામ માટે ૩.૫૫ કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર રમેશ રાઘવ વિરાણી, સનરાઈઝ એન્ટરપ્રાઈ, ચીનમય એન્ટરપ્રાઈઝ અને ડિમ્પલ પાનસુરીયા દ્વારા પેવીંગ બ્લોકના કામ માટે ૧૪ ટકાથી લઈ ૨૭ ટકા સુધીની ઓન સાથે ઓફર આપવામાં આવી હતી. આ તમામ દરખાસ્તોમાં રિ-ટેન્ડરીંગ કરી નવેસરથીઓફર મંગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ વોર્ડ નં.૨માં પણ પેવીંગ બ્લોક માટે રૂા.૧.૪૫ કરોડનો ખર્ચ મંજૂર કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરાઈ હતી જેમાં વોર્ડ નં.૨માં ગીત ગુર્જરી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી વગેરે વિસ્તારમાં પેવીંગ બ્લોક નાખવા રૂા.૪૩.૯૮ લાખ, એરપોર્ટ પાસે વંદન વાટીકા, ગ્રીન પાર્ક, દિવ્યસિદ્ધી પાર્ક વિસ્તારમાં પેવીંગ બ્લોક માટે રૂા.૪૩.૭૮ લાખ, શ્રીજીનગર, પત્રકાર સોસાયટી મેઈન રોડ, બહુમાળી ભવન પાછળ વિસ્તાર પેવીંગ બ્લોક માટે રૂા.૪૪.૨૦ લાખ તથા ભોમેશ્ર્વર પ્લોટ અને જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં પેવીંગ બ્લોકના કામ માટે રૂા.૪૨.૪૪ લાખનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં આશ્ર્ચર્યજનક રીતે શ્રીજી એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા પેવીંગ બ્લોકનું કામ ૧૧.૪૫ ટકા ડાઉનથી કરી આપવાની ઓફર આપવામાં આવી હોય આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

પેવીંગ બ્લોકનું કામ એક સરખું હોય છે જેમાં વધુ ખોદકામ કે અન્ય કોઈ કામગીરી કરવાની રહેતી નથી ત્યારે સામાન્ય રીતે ભાવો એક સમાન આવવા જોઈએ પરંતુ વોર્ડ નં.૧માં અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોકના કામ માટેની ૮ દરખાસ્તોમાં ૪ કોન્ટ્રાકટરોએ તગડી ઓન સાથે ઓફર આપી હતી. તો બીજી તરફ વોર્ડ નં.૨માં પેવીંગ બ્લોકના કામ માટે ૪ દરખાસ્તમાં એક જ એજન્સી દ્વારા ૧૧.૪૫ ટકા જેટલા ડાઉન ભાવે કામ કરવાની ઓફર આવતા ખુદ સ્ટેન્ડિંગ કમીટીના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. પેવીંગ બ્લોકના કામમાં મલાઈ તારવવાનો જબરો ખેલ ચાલતો હોવાની પણ શંકાઓ ઉભી થઈ રહી છે. સ્ટેન્ડિંગ કમીટીએ પેવીંગ બ્લોકના કામોની ૮ દરખાસ્તોમાં રિ-ટેન્ડરીંગ કરવાનો નિર્ણય ચોક્કસ લીધો છે પરંતુ જો ઉંડા ઉતરીને તપાસ કરવામાં આવે તો આમાં જબરૂ કૌભાંડ પકડાય તેવી સંભાવના પણ દેખાઈ રહી છે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ૬૧ દરખાસ્તો પૈકી ૧ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે ૮ દરખાસ્તોમાં રિ-ટેન્ડરીંગનો નિર્ણય લઈ કુલ રૂા.૪૫.૧૮ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ હાઈસ્કૂલ બનાવવા માટે રૂા.૧૯.૩૮ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે તો ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર રૂા.૫૦૦ વસુલી ભૂતિયુ નળ જોડાણ કાયદેસર કરી આપવાની દરખાસ્ત પણ મંજૂર કરાય છે.

કોરોના કાળમાં ૪ સ્મશાન ગૃહોને વિશેષ ગ્રાન્ટ ફાળવાશે

ડેડબોડી દીઠ રૂા.૨૦૦ ચૂકવવાની દરખાસ્ત સામે સ્ટેન્ડિંગ કમીટીએ રૂા.૩૦૦ ચૂકવવાનો લીધો નિર્ણય

કોરોના કે શંકાસ્પદ કોરોનાથી મોતને ભેટતા હતભાગીઓની અંતિમવિધિ શહેરના અલગ અલગ ૪ સ્મશાનગૃહોમાં કરવામાં આવે છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને ૪ સ્મશાન ગૃહોને સંચાલક સંસ્થાઓને વિશેષ ગ્રાન્ટ આપવા મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં રામનાથપરા મુક્તિ ધામના બે યુનિટ, ૮૦ ફૂટ રોડ પર સોરઠીયાવાડી સ્મશાન ગૃહ, મોટા મવા સ્મશાન ગૃહ અને મવડી મુક્તિધામ કે જ્યાં કોવિડ કે નોનકોવિડ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવે છે તેને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે રૂા.૨૦૦ ચૂકવવા દરખાસ્તમાં સૂચવવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સ્ટેન્ડિંગ કમીટી દ્વારા રૂા.૨૦૦ નહીં પરંતુ ૩૦૦ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રેમ મંદિર પાસેના ૩૬૦ આવાસ રિપેર કરી લાભાર્થીને રૂા.૨ લાખમાં આપવાનો નિર્ણય

ખાલી પડેલા અન્ય ૬૯૮ આવાસ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ પોલીસી અંતર્ગત ભાડે અપાશે

કોરોનાના સંક્રમણને નાથવા માટે લાદવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ લાખોની માત્રામાં શ્રમિકોએ સ્થળાંતર કર્યું હતું. આ શ્રમિકોને અનલોકની પ્રક્રિયા દરમિયાન નજીવા દરે મકાનો ભાડે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ પોલીસી લાવવામાં આવી છે. જેમાં અલગ અલગ આવાસ યોજનાના ખાલી રહેલા આવાસો મજૂરો, વિદ્યાર્થીઓને ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ સ્ટેન્ડિંગ સમક્ષ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાલી પડેલા ૧૦૫૮ આવાસ ભાડે આપવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જે અભ્યાસઅર્થે પેન્ડીંગ રાખવામાં આવી હતી. દરમિયાન આજે મળેલી બેઠકમાં આ દરખાસ્ત અંગે એવોર્ડ નિર્ણય લેવામાં આવ્યો છે કે, શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે જે ૩૬૦ આવાસ છેલ્લા ૧૨ વર્ષથી ખાલી પડ્યા છે અને હાલ તેની હાલત જર્જરીત થવા પામી છે તેનું તાત્કાલીક રિપેરીંગ કામ હાથ ધરી આ તમામ આવાસો બીએસયુપીના લાભાર્થીને માત્ર ૨ લાખમાં ફાળવી દેવામાં આવશે. જ્યારે રેલનગર સહિતના વિસ્તારોમાં અલગ અલગ આવાસ યોજનામાં ખાલી પડેલા ૬૯૮ આવાસ ઓર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ભાડે આપવામાં આવશે.

ભૂતિયા નળ જોડાણ નિયમીત કરવા અને ભગવતીપરામાં હાઈસ્કૂલ બનાવવાની દરખાસ્ત મંજૂર

વૃક્ષારોપણ માટે રૂા.૨.૫૮ કરોડનો ખર્ચ નામંજૂર

સ્ટેન્ડિંગ કમીટીમાં આજે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અડધા ઈંચના રહેણાંક નળ કનેકશનને રાજ્ય સરકારના ઠરાવ મુજબ માત્ર રૂા.૫૦૦ વસુલી નિયમીત કરી આપવાની દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં ભૂતિયા નળ જોડાણ ધારકો પોતાનું અનઅધિકૃત નળ જોડાણ ૫૦૦ દંડ ભરી નિયમીત કરાવી શકશે. આ ઉપરાંત વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૩૧ના ફાઈનલ પ્લોટ નં.૩૧/૪ પર ભગવતીપરા વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવી હાઈસ્કૂલ બનાવવા માટે રૂા.૧૯.૩૮ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે મહાપાલિકા હસ્તકના ગવરીદળ ગામના રસ્તે આવેલા સુએઝ ટ્રેટમેન્ટ પ્લાન્ટના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી ૩ વર્ષના નિભાવ માટે રૂા.૨.૫૮ કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત અગાઉ પેન્ડિંગ રાખી સ્થળ વિઝીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.