Abtak Media Google News

ટાટાના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને દૂર કરવાના રતન ટાટાના નિર્ણયથી શરૂ થયેલા આ મતભેદો હવે ભાગલા સુધી પહોંચ્યા

દેશના ટોચના ઔદ્યોગીક જુથ ટાટા સન્સ સાથે દાયકાઓથી વ્યવસાયીક ભાગીદારી ધરાવતા સાપુરજી પાલુનજી જુથે  ટાટા જૂથમાંથી અલગ થવાની ઈચ્છા વ્યકત કરતા ઔદ્યોગીક ક્ષેત્રે બે મોટા બિઝનેશ સહયોગીઓ અલગ થવાના સંજોગો ઉભા થયા છે. સાપુરજી પાલુનજીએ ટાટા જુથમાંથી પોતાનો ૧૮.૪ ટકાનો હિસ્સો અલગ માંગી રૂા.૧.૭૮ લાખ કરોડની માંગણી કરી છે. મિસ્ત્રી ફેમીલીની માલીકીની કંપનીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો ધાર્યો ચુકાદો મેળવવામાં સફળતા મેળવી ન હતી. સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી ૨૦૧૬માં દૂર કર્યાથી શરૂ થયેલી કાનૂની જંગમાં મંગળવારે સાયરસ મિસ્ત્રીને સુપ્રીમ કોર્ટમાંથી અણધાર્યું પરિણામ સહન કરવું પડ્યું હતું. એસપી ગ્રુપે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ટાટા જૂથમાંથી અલગ થવું હવે જરૂરી બન્યું છે. પોતાના હક્ક હિત અને આર્થિક હિતોને ધ્યાને લઈ આ બટવારો આવશ્યક છે.

મિસ્ત્રી પરિવારે મોડી સાંજે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે અમે ભારે હૃદયે સહયોગીઓ અને શેર હોલ્ડરોના હિતમાં બટવારાનો નિર્ણય લીધો છે. આ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિનો જેમ બને તેમ વહેલો નિવેડો આવે તે ઈચ્છનીય છે. એપેક્ષ કોર્ટમાં ટાટા જૂથે એસપી જૂથની ૧૮.૪ ટકાના હિસ્સાની માંગ ઠુકરાવતી એસપી ગ્રુપે વચલો રસ્તો કાઢવાની પણ દરખાસ્ત મુકી છે.

કોર્ટ બહાર સમાધાનના તખતાની પણ તૈયારી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે મિસ્ત્રી પરિવારની સ્થિતિ અને તેમના નિવેદન પરથી એવા સંકેત મળી રહ્યાં છે કે આ વિવાદનો ઉકેલ લાવવા માટે કોર્ટ બહાર સમાધાન માટેની પણ તૈયારી થઈ રહી છે. આ પરિસ્થિતિ પાછળ સાયરસ મિસ્ત્રીને પોતાના હોદ્દા પરથી દૂર કરવાના ટાટા જૂથના પગલાથી શરૂ થયેલો વિવાદ રતન ટાટાના સાયરસ મિસ્ત્રીને પડતા મુકવાના નિર્ણયથી શરૂ થયો હતો. કાયદાકીય નિષ્ણાંતનું માનવું છે કે, સાપુરજી પાલુનજી જુથનો દાવો હાલ પુરતો સ્વીકાર્ય નહીં બને. ટાટા ટ્રસ્ટ, ટાટા સન્સ અને સાપુરજી પાલુનજી ગ્રુપના સહીયારા નિર્ણયથી આ ઉકેલ લાવી શકાશે. સુપ્રીમ કોર્ટે પણ એસપી જૂથની ટાટા સન્સના શેર તબદીલ કરવાની માંગને અસ્વીકાર્ય ગણાવી જણાવ્યું કે, તે શકય નથી. એસપી ગ્રુપે આઈડીબીઆઈ સાથે સપ્ટેમ્બર ૪ના દિવસે પોતાના શેર તબદીલીનો કરાર કર્યો હતો. ટાટાના કેસની વકાલત કરતા ધારાશાસ્ત્રી હરિશ સાલવે, અભિષેક મનુ સંઘવીએ આ અંગે દલીલો કરી હતી.  તેની સામે ધારાશાસ્ત્રી સુંદરમે બચાવ રજૂ કર્યો હતો.

કાયદાની જોગવાઈ મુજબ ટાટા પાસે આ શેર આપવાનો ઈન્કાર કરવાનો હક્ક છે. કંપનીના હિતમાં ત્રાહિત જૂથને શેર આપી ન શકાય. મિસ્ત્રી જૂથનું કહેવું છે કે, ટાટા જૂથ પોતાની ભાગીદારીના હક્કમાં નુકશાની કરી રહ્યું છે. શેરનું હસ્તાંતરણ પ્રજાની સંપતિ ગણાય તે આપવા જોઈએ. તેની સામે ટાટા જૂથનું કહેવું છે કે, શેરની તબદીલીથી કંપનીના હક્ક હિતનું નુકશાન ન જાય તે જોવાની તેમની ફરજ છે. સુપ્રીમ કોર્ટે સાપુરજી પાલુનજી ગ્રુપના ટાટાના શેર વેંચવાના ઈરાદા પર પૂર્ણ વિરામ મુકી દીધુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.