Abtak Media Google News

જમાદાર ભારતસિંહ ઉર્ફે ભામા ઝાલા ઉર્ફે ‘સવાઈ રીબેરો’ એ ફોજદાર જયદેવના મુંઝવતા પ્રશ્ર્નો ‘સામાન્ય રીતે ફોજદારના રાયટર તરીકે રહેવા માટે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલો પડાપડી કરતા હોય છે,જયારે મુળીમાં કોઈ રાટયર તરીકે રહેવા તૈયાર નથી બીજુ ફોજદાર ગોસાઈ ખૂનના કાવત્રા બદલ જેલમાં ગયા બાદ જે નવા ફોજદારની નિમણુંક થતી તે હાજર થઈ સીક રજા ઉપર ચાલ્યા જતા છેલ્લા પાંચ મહિનામાં પાંચ ફોજદારો બદલાયેલા તેનો જે જવાબ આપેલ અને તેના ખરેખર કારણ‚પ જે વાત કરી તે ખરેખર ભયંકર અને ભય પ્રદ તો હતી જ.

પરંતુ તે વાતમાં રહેલ પાત્રોનો સાચો પરિચય તો જમાદારો શકિતસિંહ અને મંગળસિંહ પાસેથી જ મળી શકે તેમ હોય જયદેવે આ બંને જમાદારોને વિશ્રામગૃહમાં બોલાવી મુત્સદી પૂર્વક જમાદાર ભારતસિંહ ઉર્ફે ‘સવાઈ રીબેરો’એ કહેલ વાત છુપાવી રાખીને મુળી તાલુકાના રાજકારણ અને પોલીસના સંબંધો, તેમજ પોલીસનો ઉપયોગ દૂ‚પયોગ વિશે ચર્ચા કરતા જે વાત જાણવા મળી તે વાત પણ કદી જયદેવે કયાંય સાંભળેલી કે વાંચેલી પણ નહિ આ રાજકારણની અસર ફકત મૂળી પોલીસ ને જ નહિ પણ લગભગ તમામ સરકારી તંત્રો અને જીલ્લાના રાજકારણને પણ પ્રભાવીત અને અસર કરતુ હતુ આ રાજકારણ હતુ મુળીનું એક હથ્થુ રાજકારણ અને તેનું સમગ્ર તાલુકામાં પાકુ નેટવર્ક અને તેનો પ્રજા પર ગજબનાક પ્રભાવ અને ભય હતો.

ઓનરેકર્ડ તો મુળી તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુ દેવા હતા. પણ પોલીસના કહેવા મુજબ ખરેખર રાજકારણના ‘આકા’ મુળીના જ બનારાજા હતા આમ તો ખરેખર તાલુકા પ્રમુખ બનારાજા જહોય પરંતુ મુળીના પરમારોએ જ તેમને તાલુકા પંચાયત સભ્ય ની સીટ ઉપર  હરાવી દીધેલા પરંતુ બનારાજા રાજકારણનો પાકો ખેલાડી તેણે તેની વ્યવસ્થા કરી લીધી. બીજી સલામત અને ખાત્રી વાળી સીટ ઉપરથી ચૂંટાયેલા પોતાના પક્ષના સભ્યને રાજીનામું અપાવી પોતાના માટે પેટા ચૂંટણી અર્થે ખાલી કરાવી આ આ પેટા ચૂંટણી થાય ત્યાં સુધી નાઈટ વોચમેન તરીકે એક સીધા સાદા સરળ અને બનારાજાના જ કહ્યાગરા સભ્ય પ્રભુ દેવાને મુળી તાલુકા પંચાયત પ્રમુખની ગાદી ઉપર બેસાડી દીધા.

આથી જયારે પેટા ચૂંટણી થાય અને બનારાજા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવે એટલે પ્રમુખ પદેથી પ્રભુદેવાએ રાજીનામું આપી તાલુકા પંચાયત પ્રમુખની ગાદી બનારાજા માટે ખાલી કરી દેવાની આથી આ પ્રમુખની ગાદી ઉપર બનારાજા ફરીથી આ‚ઢ થઈ જાય ! આયોજન તો તેમનું જડબેસલાક હતુ પરંતુ ગાદીનો ચસ્કો, સતાની મમત અને રાજકારણના રંગ ભલભલાની બુધ્ધી, તાસીર અને વફાદારી ને ઘૂમરી ખવરાવી દે છે. મુળી તાલુકા પંચાયતમાં બનારાજાની રાષ્ટ્રીય પાર્ટી અને રાષ્ટ્રવાદી પાર્ટી વચ્ચે ફકત બે સીટનો (સભ્ય)નો જ તફાવત હતો.

રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા રાણીપાટની સીટનાં સભ્ય સૂરવિરસિંહ પણ ભણેલા અતિ હોશિયાર અને તે પણ રાજકીય પાઠ શહેરોમાંથી ભણીને આવેલી હસ્તી હતી. સુરવિરસિંહે પ્રમુખ પ્રભુદેવાના નાઈટ વોચમેન (પેટાચૂંટણી)ના સમય ગાળામાં એવા ઘૂંટડો ઉતરાવી દીધેલ કે જો તમે મકકમ રહેશો તો ગાદી તમારી જ છે.

અમારો તમને ટેકો છે. આ સમય ગાળામાં સુરવિરસિંહે રાષ્ટ્રીય પાર્ટીના બે સભ્યોને પણ પોતાના અંગત અને ખાસ બનાવી દીધેલ બનારાજા પેટા ચૂંટણી જીતીને આવ્યા પ્રભુદેવાને રાજીનામું આપવા કહ્યું પરંતુ વાઘ સતાનું લોહી ચાખી ગયેલો રાજીનામું આપવાની ઘસીને ના પાડી બિહારમાં જેમ માઝી (મુખ્યમંત્રી) એ જે રીતે નીતિષકુમારને ઠેંગો બતાવેલો તેમ. બનારાજા અવિશ્ર્વાસની દરખાસ્ત લાવ્યા પણ પેલા બે સભ્યો સુરવિરસિંહે ફોડી નાખેલા તેમની મદદથી સુરવિરસિંહે તાલુકા પંચાયત પ્રમુખ સામેની અવિશ્ર્વાસની દરખાસ્તને ફીયાસ્કો કરી દીધો આમ સુરવિરસિંહ તેમના હરીફ અને મહારથી બનારાજા કરતા રાજકીય ચોકઠાબાજીની શામ-દામ અને ભેદની નીતિમાં સવાયા સાબીત થયા. પ્રમુખ પ્રભુદેવા બચી ગયા.

તાલુકા પ્રમુખ પ્રભુદેવાની તરફેણમાં જે બે રાષ્ટ્રીય પાર્ટીના બનારાજાના માણસોએ ટેકો આપેલો અને સુરવિરસિંહે ફોડી નાખેલ હતા તે સભ્યોમાં એક અનામત સીટના સભ્ય તથા એક મહિલા સભ્ય ગામડાના હોય બનારાજાની તેઓ ઉપર રાજકારણની ખાસ કૂટ નીતિ ‘દમ’ની નીતિ ચાલતી નહોતી.

પરંતુ બનારાજા વર્ષોથી મુળી તાલુકા પંચાયત પ્રમુખ હતા તેથી પૈસા પાત્ર પણ હતા. તેમજ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં તથા તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય અને સંસદ સભ્ય અને સહકારી સંસ્થાના હોદેદારો ઉપર તેમનું અતિશય પ્રભુત્વ હતુ. આ લોકોને મુળી તાલુકામાં કોઈ કાર્યક્રમ કરવો હોય તો બનારાજાની મરજી ઈચ્છા વગર અશકય જ ! પણ બનારાજાની કમનીશીબી એ હતી કે તેમના વતનના ગામ મુળીમાં જ તેમનું કાંઈ ઉપજણ નહોતુ.

પરમારો માનસીક રીતે જ તેમના વિરોધી હતા છતા બનારાજાએ મુળીના રાજકીય મહારથીઓ દીલુભાભગત, બટુકસિંહ વિગેરે સાથે સંબંધો જાળવી રાખેલા વળી દીલુભા ભગતથી બનારાજાએ તમામ પ્રકારે દબાઈને રહેવું પડતુ. પરંતુ જીલ્લાના રાજકારણમાં બનારાજાનું ઉપજણ ઘણુ વધારે હોય દીલુભા ભગત બનારાજાને રાજકીય મનમાની કરવા દેતા છતા મોટી કમનસીબીએ હતી કે તાલુકા પંચાયત પ્રમુખ પદેથી પ્રભુદેવા હટતા નહતા.

બનારાજાનું દરેક ગામે નેટવર્ક સંપર્ક બહુ જબરદસ્ત જેમ અકબરના દરબારમાં નવ રત્નો હતા. તેમ બનુભાને મુળી તાલુકામાં અનેક રત્નો હતા જે પૈકી મુખ્ય પાંડવરાના લખુભા દીગસરના બચુભા, સિધ્ધસરના પ્રેમપોપટઉમરડાના મનુ દેવરાજ, શેપીપરના ઈન્દુભા વિગેરે તથા તમામ જ્ઞાતિના આગેવાનો અને લગભગ તમામ ગામોના તલાટીઓ બનારાજાના ખાસ અંગત માણસો કે જાસુસો કે જે કહો તે તમામ હતા! ગામડામાં કોઈ બનાવ કે ગુન્હો બને તો તેની પ્રથમ જાણ આ ગામના જાસુસ દ્વારા બનારાજાને કરવામાં આવે.કયા પ્રકારનો બનાવ બન્યો કોણ કોણ આરોપીઓ તેમાં બનારાજાના માણસોના નામ છે કે કેમ? હોય તો તેનું નામ કઢાવી નાખવા ફરિયાદીને જ કહી દેવાનું અથવા તો સમાધાન જ કરાવી દેવાનું જો પોતાના વિરોધી તે ગામમાં હોય અને તે ગુન્હામાં તેણે કોઈ ભાગ ભજવ્યો ન હોય તો પણ તેનું નામ ઉમેરી દેવા વ્યવસ્થા કરી લેવાની.

ગુન્હો જો પોતાના માણસોએ કર્યો હોય તો જામીન લાયક બનાવી દેવાનો.વિરોધ પક્ષેકર્યો હોય તો તે ગુન્હો બીન જામીન લાયક જ બનાવી દેવાનો જો પોતાના પક્ષના માણસો ગુન્હામાં હોય અને પૈસાથી અને દમથી સરખુ આવે તો ખૂન નો ગુન્હો પણ જાહેર ન થવા દે સમાધાન કરાવી લાશ નો બારોબાર નીકાલ કરાવી દે આમ બનારાજા પોતાની આગવી રાજકીય ચાલથી પોતાના માણસોનું અચુક રક્ષણ કરી લેતા આજ બાબત ધંધામાં પણ લાગુ પડતી.

આ પ્રથા ઘણા સમયથી ચાલતી હતી. પરંતુ મુળી જ સજાનું ઠેકાણુ પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓ એમ માનીને કે આની સાથે કોણ માથાકૂટ કરે અહી કોને લાંબો સમય રહેવું છે. તમામ પોતાની નીમણુંક મુળીમાં થાય તે દિવસથી જ બદલીના સપના જોવા માંડે અને બદલી માટે પ્રયત્નો કરવા માંડે!

જયદેવે વાત સાંભળેલી કે મુળીમાં અગાઉ આ લોકોની એવી શિરજોરી હતી કે નાઈટ રાઉન્ડમાં એકલ દોકલ પોલીસ વાળો નીકળે તો તેની પાસે ત્યારે જ પરેડ કરાવતા એક દો એક દો કરીને પોલીસને દોડાવતા પછી પોલીસ જ નાઈટ રાઉન્ડમાં જતી નહિ. લોકઅપમાંથી આરોપીને ટોળામાં આવી ને લઈ જવો અરે ફોજદારોને માર્યાના પણ ઘણા દાખલા હતા.!

જયદેવને મૂળીના રાજકારણની આવી વિચિત્ર અને વિકટ વળી શકુની ચાલ વાળી ભયંકર રાજરીત જોઈને ઘણી જ નવાઈ લાગી.

આમ તો રાજકારણનો પર્યાય એટલે કપટ કપટ અને કપટ જ.હજુ સુધી તો વાંચવામાં કે સાંભળવામાં પણ આવ્યું નથી કે ખરેખર સીધા, સત્યવાદી કે સિધ્ધાંતવાદી વ્યકિત રાજકારણમાં લાંબું ચાલ્યા હોય ઉદાહરણ તરીકે રામાયણમાં દશરથ અને રામ કૌશલ્ય વિ. લાગણી સત્ય વિગેરેમાં રાચતા રહ્યા અને મંથરાએ કપટનું રાજકારણ ખેલી કૈકયીથી રામને વનમાં મોકલી ભરતને ગાદી અપાવી દીધી પછી પરિણામ ભલે ગમે તે આવે! અને માનો કે આવા સિધ્ધાંતવાદી સત્યવાદી રાજકારણમાં હોય તો પણ તેની કક્ષા ‘કીંગમેકર’ સુધીની જ હોય છે જેમકે ચાણકય અને મહાભારતના શ્રીકૃષ્ણ કુ‚ક્ષેત્રમાં તો શકુની ચાલ સામે ખૂદ શ્રી કૃષ્ણ એ પણ ન્યાય અને ધર્મ ખાતર પણ યુધીિષ્ઠર પાસે અધરસત્ય બોલાવવું પડયું હતુ કે ‘અવસ્થામા મરાયાેનરોવાકુંજરોવા’જો આ કપટ રાજકારણ સામે કપટ ન કરવામાં આવે તો ટકી શકાય જ નહિ.

આમ રાજકારણ એ ચોપાટની રમત જેવું છે. જેને ગાંડીયું કાઢતા આવડે તે રમત જીતે જો સામે વાળો પણ ગાંડીયું કાઢે અને પેલા ગાંડીયાને ઠેકાણે પાડી શકે તોજ રમતમાં જીતી શકાય પહેલાના જમાનામાં આ ચોપાટની રમત એટલા માટે જ રાજરમત હતી.

તે સમયે મુળીના રાજકારણની પકકડ જીલ્લા આખાનાં રાજકારણ ઉપર હતી તે સમયે જીલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ બહુમતી રાષ્ટ્રીય પાર્ટીને મળી. સુરેન્દ્રનગર જીલ્લાના રાષ્ટ્રીય પાર્ટીના લગભગ તમામ સભ્યો જીલ્લા પ્રમુખ તરીકે મુળીની દાણાવાડાની સીટ ઉપરથી ચૂંટાયેલા સભ્ય એવા નિર્વિવાદીત સજજન ઉદ્યોગપતી અને આમતો બીન રાજકારણી વ્યકિતએવાબાપાલાલભાઈને ઈચ્છતી હતી. પરંતુ તે વખતે તો હાઈકમાન્ડ જ સર્વસતાધીશ હતુ. સેન્સ તો નામની લેવાની હતી ઉપરથી પ્રમુખ તરીકે (જનતા) પ્રજા પક્ષમાંથી રાષ્ટ્રીય પાર્ટીમાં ભળેલા પૈસાદાર ધનીક મનુભાઈ મદ્રેસી વાળાનું નામ નકકી હતુ.

પરંતુ ચોપાટની રાજરમત ના માહિર એવા મુળીના રાજકારણે તેમના એક સભ્ય દ્વારા હાઈકમાન્ડ સામે જ ગાંડીયું કાઢ્યું. આ સભ્યએ હાઈકમાન્ડને જ કહ્યું ‘હું અહિં કાંઈ સાંભળવા આવ્યો નથી. અમને ફકત પાર્ટીનું લેબલ જ છે. બાકી અમા‚ રાજકારણ ફકત અમારા થકી છે. અમે પાર્ટી થકી ચૂંટાયા નથી પાર્ટીને અમે ઉજળી કરીદેખાડી છે. પ્રમુખ તો બાપાલાલભાઈ જ નહિ તો કોઈ નહિ અને બીજો એક તોછડો શબ્દ બોલી બહાર નીકળી ગયા હાઈકમાન્ડના સભ્યોને અનુભવતો ઠીક પણ આવી કલ્પના પણ નહિ હોય. પરંતુ આખરે જેમ અગાઉ જણાવ્યું તેમ ચોપાટની રમતની જેમ જેને રાજકારણમાં ગાંડીયું કાઢતા આવડે અને તે અવળાઈને બીજો વળી ડહાપણ કરીને વારે તે રીતે જીલ્લા પંચાયતના અન્ય સભ્ય દીલુભા ભગતે વાત વાળી લઈ પરોક્ષ રીતે દાદાગીરીથી જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે બાપાલાલભાઈ પરમારને જ બેસાડયા.

આ સિવાય સુરેન્દ્રનગર જીલ્લાના રાજકીય હોદાઓ તે વખતે જોઈએ તો જીલ્લાની એકમાત્ર અગ્રણી સહકારી બેંકના ચેરમેન પણ મુળીના વતની ઉદ્યોગપતિ અને સહકારી ક્ષેત્રના રાજયકક્ષાના માંધાતા શ્રી જુવાનસિંહભાઈ પરમાર હતા. તેજ રીતે સુરેન્દ્રનગર જીલ્લાની દુધ ઉત્પાદક સહકારી ડેરીના ચેરમેન પણ બનારાજા જ હતા.

ટુંકમા તે સમયે મુળીનું રાજકારણ એ ખરેખર મહાભારતના સમય પ્રકારનું નમુના ‚પ ધગધગતુ રાજકારણ હતુ જેમાં જયદેવને ખાતાએ ઉતાર્યો તો હતો પરંતુ કામ કરવાનું હતુ યુધિષ્ઠિરની નિતીથી કાયદેસરજ. પરંતુ જયદેવ જાણતો હતો કે શ્રી કૃષ્ણની નીતિથી જ કુ‚ક્ષેત્રમાં વિજય થયો હતો. જયદેવે ભીમ અને અર્જુનની જેમ જાતે જ લડવાનું હતુ. પરંતુ જયદેવ માટે સારી વાત એ હતી કે તેની પાસે જમાદારો શકિતસિંહ, મંગળસિંહ રાયટરો જસુભા અને જયુભા તથા કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પરમાર જેવા નિષ્ઠાવાન અને કોઈથી દબાય તો નહિ જ પરંતુ સામા પક્ષનો વ્યૂહ અને બાતમી તથા નબળી વાતોની પણ માહિતી સામાપક્ષના સાવ અંગત માણસોમાંથી જ લાવી શકે તેવા બુધ્ધીશાળી માણસો પણ હતા.

જયદેવને આવા રાજકારણ અને ખટપટ વાળી જગ્યામાં રહેવાનો કોઈ શોખ કે ઈચ્છા જ ન હોતી. પરંતુ જયદેવ પાસે મુળીથી બદલી કરાવી અન્યત્ર જવાની કોઈ લાગવગ પણ નહોતી. ઉચ્ચ કક્ષાએથી જ નકકી કરીને આ રાજકારણીઓ સામે લડવા માટે બરાબર ફાઈટ લડાઈ આપી શકે તેમ ખાસ પસંદગી જયદેવની કરવામાં આવી હતી. જયદેવને મુળીમાં જ રહેવાનું હતુ!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.