Abtak Media Google News

ગુજરાતમાં ખાનગી શાળામાં ૮૦ લાખથી વધુ છાત્રોને ૪ લાખથી વધુ શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે, આ શિક્ષકોને તાલીમ – નવી શિક્ષણ પઘ્ધતિઓથી અવગત કરાવવા જરૂરી

સરકારી શાળાનાં શિક્ષકોની જેમ આ શિક્ષકોને પણ વિવિધ તાલીમ આપીને નિપુણ બનાવવાથી છાત્રોને સીધો લાભ મળશે

આપણા ગુજરાતમાં વર્ષોથી સરકારી શાળાનું પ્રભુત્વ રહ્યું છે. અગાઉ ખાનગી શાળા હતી જ નહી બંધારણમાં પણ ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ છે ત્યારે છેલ્લા અઢી દાયકામાં ખાનગી શાળાનો ઢગલો થઇ ગયો. શેરી ગલ્લીએ શાળાઓ શરૂ થઇ  ગઇ, સગવડતા હોય કે ના હોય પણ શાળા ચાલુ થઇ ગઇ, વાલીઓનો પણ એટલો જ વાંક છે. કશું જ જોયા વગર દેખાદેખીને કારણે ખાનગી શાળા તરફ આંધળી દોટ લગાવી છે આ શાળાની મસ મોટી ફિ હવે વાલીઓને ભરવી આકરી લાગે છે.સરકારી શાળામાં સ્માર્ટ કલાસ, કોમ્પ્યુટર લેબ સાથે ટેબલેટ વાળી જ્ઞાનકુંજ પ્રોજેકટ વાળી શાળા આજના વાલીઓએ જોવાની જરૂર છે. હાલમાં ધો. ૧ થી ૮ માં ગુજરાતભરમાં અઢી લાખ જેટલા તાલિમ બઘ્ધ, કવોલીફાઇડ શિક્ષકો છાત્રોને એક ચોકકસ અભ્યાસક્રમ, માસિક, વાર્ષિક આયોજન સાથે દર શનિવારે એકમ કસોટીને સહઅભ્યાસિક પ્રવૃતિ સાથે ઉમદા શિક્ષણ આપી રહ્યા છે. આ શિક્ષકોને નિષ્ણાતો દ્વારા દર માસે વિવિધ તાલિમ અપાય છે. શિક્ષક સજજતા માટે જીલ્લા શિક્ષણ તાલિમ ભવન જી.સી. ઇ.આર. ટી. જેવી વિવિધ સંસ્થાઓ સતત કાર્યરત છે. તમામ શ્રેષ્ઠ મટીરિયલ શિક્ષકો માટે માઇક્રોપ્લાનીંગ સાથેના મોડયુલમાં અપાય છે.

સરકારી શાળા કરતા વધારે શિક્ષકો ખાનગી શાળામાં છે, તેન કોઇ તાલિમનો લાભ મળતો જ નથી. તેના આયોજન, શિક્ષણ પઘ્ધતિઓ સરકારી શાળા કરતાં જાુદી છે. સરકારી શાળામાં ધો. પ થી અંગ્રેજી તે ધો.૪ થી હિન્દીનું શિક્ષણ શરૂ થાય છે. તો ખાનગી શાળામાં ધો.૧ થી બધા વિષયો આવી જાય છે. અંગ્રેજી માઘ્યમને વિવિધ બોર્ડ પણ અલગ અભ્યાસક્રમથી ભણાવાય છે.ખાનગી શાળામાં ૧ લાખ જેટલા તો વહિવટી સ્ટાફ છે. ખાનગી શાળામાં બી.એડ. કે પી.ટી.સી. ની શિક્ષકની માન્ય પદવી કે ડીગ્રી ધરાવતાની સંખ્યા પણ ઓછી હોય છે. સુપ્રિમ કોર્ટની છેલ્લી સુચના ૨૦૧૮માં હતી કે દરેશ શાળાએ કવોલી ફાઇડ સ્ટાફ રાખવો ફરજીયાત છે. એના માટે દર શનિ-રવિમાં ચાલતા કોર્ષ ડી.એલ. એડ. પણ શરુ કર્યા પણ હજી મોટાભાગની શાળામાં આવા અન કવોલીફાઇડ સ્ટાફ બાળકોને ભણાવી રહ્યા છે.

નવી શિક્ષણ નિતી આવી રહી છે. અત્યાર સુધી અર્લી ચાઇલ્ડ એજયુકેશન સીસ્ટમ ન હતી જેમાં નર્સરી, લોઅર કેજી, હાયર કેજી જેવા રૂપકડા નામથી શેરી-ગલ્લીએ બાલ મંદિર ખુલ્લી ગયા.  સરકારી દાયરામાં આવા બાલ મંદિરો હતા જ નહી તેથી મન ફાવે તેવા અભ્યાસ ક્રમોથી ૩ થી ૬ વર્ષમાં બાળકોને ભણાવાય છે. એક વાત કે કોર્પોરેશનની આંગણવાડી ખુબ જ સુંદર કાર્ય સરકારી રાહબરીમાં ચાલી રહી છે.

ખાનગી શાળાના શિક્ષકોને તાલિમ બઘ્ધ કરવા શાળા સંચાલકોને શિક્ષણ વિભાગે સાથે મળીને આયોજન કરવું જરૂરી છે. ગુજરાતના ચાર ઝોનમાં કે મોટા શહેરોને ગ્રામ્ય શૈક્ષણિક સંકુલો સાથે સાંકળીને અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા વિવિધ શહેરોમાં શિક્ષક ભવન સ્થાપવા જરૂરી બની ગયું છે. શિક્ષણ ક્ષેત્રનો વ્યાપ વધતા આપણા ગુજરાતમાં ખાનગી શાળાની સંખ્યા વધી રહી છે. દર વર્ષે નવી શાળા નવી છાત્રો ઉમેરાતા જાય છે.આવા શિક્ષકો માટે સેમીનાર, વર્કશોપ, અભ્યાસક્રમ તાલીમ, વાર્ષિક આયોજન, કરન્ટ એજયુકેશન પ્રોગ્રામની સાથે રીફ્રેશમેન્ટ કોર્ષ કરાવીને તેના જ્ઞાનમાં પણ વધારો કરવાનો સમય પાકી ગયો છે. સરકારી શાળા કરતાંય આ શાળામાં શિક્ષકો, છાત્રો વધારે છે ત્યારે ‘વન નેશનવન સિલેબસ’ અમલમાં મુકવો પડશે. રાજય સરકારે જ ખાનગી શાળાના શિક્ષકોને, વહિવટી કર્મચારીને તાલિમ બઘ્ધ કરવા જરૂરી છે આ માટે શિક્ષક ભવનની સ્થાપના જરુરી છે. નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તાલિમ આપીને માસ્ટર ટ્રેઇનરો તૈયાર કરવા.

સર્વ શિક્ષા અભિયાને હવે જયારે સમગ્ર શિક્ષા અભિયાન કે મિશનની કાર્ય શરુઆત છે ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ ખાનગી શાળામાં મળે તેવા પ્રયાસો કરવા જ પડશે. સરકારી શાળાની સાથે ખાનગી શાળાના છાત્રોનું શિક્ષણ સ્તર અને વાંચન, ગણન, લેખન  બાબતે સજાગ થવું જ પડશે. ખાનગી શાળાના શિક્ષકોને પણ આધુનિક શિક્ષણ પઘ્ધતિથી વાકેફ કરી તાલિમ, જ્ઞાન સાથે સજજ કરીને એનો સર્ંવાગી વિકાસ કરવો જરૂરી છે.

આવનારા સમયમાં રાજયનાં વિકાસ માટે શિક્ષણ ક્ષેત્ર એ પાયાનું ક્ષેત્ર ગણી શકાય. સરકારશ્રી શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજના કરી રહી છે. ત્યારે શિક્ષક ભવનની સ્થાપનાથી રાજયનો વિકાસ હરણફાળ ભરી શકશે. આ સુંદર કાર્યોમાં નિવૃત શિક્ષણવિદ્રો સાથે વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવાનો સાથ સહકાર પણ લઇ શકાય, સ્વનિર્ભર શાળા એસોસિયન ગુજરાત પણ આ વિકાસ લક્ષી પ્રોજેકટમાં સહયોગ આપશે જ કારણ કે છેલ્લે તો ફાયદો શાળા સંકુલ શિક્ષકો અને છાત્રોને થવાનો છે.

ચાઇલ્ડ સાયકોલોજીને ઘ્યાન લઇને શિક્ષકોને તાલીમબઘ્ધ કરવા…

આજના યુગમાં જાુની ઘરેડથી બાળકોને શિક્ષણ આપી શકાતું નથી. ઇન્ફરમેશન ટેકનોલોજીના વ્યાપે બાળક પોતે ઘરે મિત્રો કે આસપાસના પર્યાવરણમાંથી ઘણું શિખીને શાળાએ આવે છે. ત્યારે શિક્ષકોએ ખુબ જ ચિવટથી ઇતરપ્રવૃતિ, શૈક્ષણિક રમકડા સહઅભ્યાસિક પ્રવૃતિ, દ્રશ્ય શ્રાવ્ય સાધનો સાથે છાત્રોના રસ, રૂચિ, વલણોને ઘ્યાને લઇને શિક્ષણ આપવું પડશે. બાળ માનસ શાસ્ત્રનો શિક્ષક અભ્યાસી હોવો જરુરી છે. શિક્ષણની વિવિધ પઘ્ધતિ જેવી કે ચિત્ર, વાર્તા, કથન, શ્રવણ, નાટય જેવી વિવિધતા સભર ઉપયોગ કરવાથી બાળક પોતે સંયમ, સ્વ. અઘ્યન કરતો થશે. આપણે બાળકને ભણાવવાનો નથી તેને જાણે ભણતો કરવાનો છે, સ્વાઘ્યાય પોથી પોતે જ ભરે છે. એજ રીતે શિક્ષણ પણ જાતે શિખવા લાગશે. સૌ સાથે મળીને આવનારી પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરીને શ્રેષ્ઠ નાગરીકોના ઘડતર કરીને શ્રેષ્ઠ ભારત નિર્માણ કરવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.