Abtak Media Google News

વાયુ પ્રદુષણ નિયંત્રણમાં લેવા ખેતરોમાં લગાડવામાં આવતી આગની સમસ્યાને નાથવા કાયદો બનાવવાની કેન્દ્રને સુપ્રીમની હિમાયત

વૈશ્ર્વિક સ્તરે વાયુ પ્રદુષણની વધતી જતી સમસ્યા પર્યાવરણ ક્ષેત્ર સમૃધ્ધ એવા ભારતમાં પણ હવે લબકારા લેવા લાગી છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં વર્ષમાં અનેકવાર હવાનું પ્રાણવાયુ ઘટીને પ્રદુષણયુક્ત હવાનું પ્રમાણ વધી જવાના બનાવોમાં અનેકવાર લોકો માટે વાતાવરણમાંથી સીધુ પ્રાણવાયુ લેવું ઘાતક બની જાય તેવા પ્રદુષણના માનાંકના વધારાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે હવે રાષ્ટ્રીય સ્તરે હવાના પ્રદુષણ પર નિયંત્રણ લાવવા માટે કાયદો અને સરકારી વ્યવસ્થાપનની આવશ્યકતા ઉભી થઈ છે.

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને એ વાતથી માહિતગાર કરી હતી કે, ભારતમાં સૌપ્રથમવાર હવે પ્રદુષણ વિરોધી કાયદા અને વ્યવસ્થાપનની આવશ્યકતા ઉભી થઈ છે. દેશના ચોક્કસ પ્રદુષિત વિસ્તારોમાં પ્રદુષણ ઓછુ થાય તે માટે આવશ્યક પગલાઓ જરૂરી છે. પ્રદુષણ વિરોધી વ્યવસ્થા માટે બંધારણીય ધોરણે સમીતી બનાવીને પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં  ખેડૂતો દ્વારા પરાળ સહિતના જેવીક કચરા સામૂહિક ધોરણે સળગાવીને વાતાવરણમાં પ્રદુષણ ફેલાવે છે તેની સામે ચોક્કસ પ્રમાણની વ્યવસ્થા અને રાષ્ટ્રીય પ્રદુષણ માનાંક ઘટાડવા માટેની આવશ્યકતા અંગે સુપ્રીમ કોર્ટમાં હિમાયત કરવામાં આવી હતી.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે અને એ.એસ.બોપન્ના સાથે વી.રામા સુબ્રમણ્યનની ખંડપીઠ સમક્ષ સરકાર તરફે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પ્રદુષણ નિયંત્રણ માટે કાયદાકીય જોગવાઈ અનુસાર એક સુનિશ્ર્ચિત સમીતીની રચના કરી તેમને પ્રદુષણ ફેલાવનારાઓ સામે પગલા લેવાની સ્વાયત સત્તાની જોગવાઈ સાથે એક માળખુ ઉભુ કરવામાં આવશે અને આપણે આ અંગે ચાર જ દિવસમાં કાયદાકીય પ્રાર્વધાનમાંથી બહાર નિકળશે. પ્રદુષણ વિરોધી કાર્યવાહી માટે જરૂરી એવી આ કવાયત સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ અને સંલગ્ન વ્યવસ્થા સાથે જોડાયેલા વર્ગને કાયદાના પરીઘમાં લેવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદો લાવીને આ સમીતીની રચના કરવા માટે આગળ વધી રહ્યું છે. પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના પ્રદુષણની સમસ્યાને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે, તમે આ કરો છો તેને અમે આવકાર આપીએ છીએ. આ સમસ્યાના સમાધાન માટે સરકાર પ્રયત્નશીલ છે. લોકો જ્યારે શહેરમાં સારી રીતે શ્ર્વાસ પણ લઈ શકતા નથી ત્યારે આ કવાયત આવકારદાયી છે. અદાલતે કેન્દ્ર સરકારના સમીતી રચવાના નિર્ણયને આવકાર આપી આ કાર્યવાહી જલ્દીથી થઈ જાય તેની હિમાયત કરી હતી. સોલીસીટર જનરલે જવાબ ભર્યો હતો કે, આ અંગેની પૂર્વ તૈયારીઓ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કોર્ટના ઓકટોબર ૧૬ના હુકમ અનુસંધાને સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ મદન લોકુરનું પંચ આ અંગે માર્ગદર્શક પગલાઓ ભરશે.

જાહેર હિતના અરજદાર અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિકાસસિંઘ, અરજદાર આદિત્ય દુબે વતી કોર્ટમાં હાજર રહ્યાં હતા. તેમણે સોલીસીટર જનરલની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આવી સમીતીની રચના ક્યારે કરવી, પ્રદુષણ વિરુધ્ધની વ્યવસ્થા કયારે અમલમાં આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી. એ સારૂ થશે કે, ન્યાયમૂર્તિ લોકુર આ કાર્ય પરિણામ સુધી આગળ વધારે. કેન્દ્ર સરકારના મતે લોકુર પંચ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. ખેતી આધારીત વાયુ પ્રદુષણની પરિસ્થિતિના પ્રાપ્ત આંકડામાં ખેતી મંત્રાલયને મળેલી ફરિયાદોમાં પંજાબમાં ૮૨ ટકા મામલાઓ ૧ થી ૨૩ ઓકટોબર દરમિયાન સામે આવ્યા છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પરાળ સળગાવવામાં પંજાબ સૌથી આગળ છે.

૨૩મી ઓકટોબરે ઉપગ્રહ પરથી લેવાયેલી તસ્વીરોમાં કુલ ૧૪૭૧ ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાના બનાવો સામે આવ્યા હતા. જેમાંથી પંજાબમાં જ ૮૬ ટકા એટલે કે ૧૨૬૭ ઘટનાઓ સામે આવી હતી. હરિયાણામાં ૧૩૩ જગ્યાએ કચરો સળગાવવામાં આવ્યો હતો જ્યારે ઉત્તરપ્રદેશમાં ૭૧ બનાવો સામે આવ્યા હતા. કુલ ૧૪૩૨૬ કચરો સળગાવવાની ૩ રાજ્યોની ૧લી ઓકટોબરથી ૨૩ ઓકટોબર સુધીની ઘટનાઓમાં પંજાબમાં ૧૭૯૬, હરિયાણામાં ૧૯૪૪, ઉત્તરપ્રદેશમાં ૫૮૬ ઘટનાઓ સામે આવી છે.

પંજાબમાં આ બનાવ અને ઘટનાઓ સૌથી વધુ સર્જાય છે. અમૃતસર, તરણ તરણ અને ફિરોઝપુરમાં પરાળ સળગાવવાના બનાવો સૌથી વધુ છે. હરિયાણાના પટલાલ, કરનાલ અને કુરુક્ષેત્ર જિલ્લાઓમાં વ્યાપક પ્રમાણમાં કચરો સળગાવવામાં આવે છે. ખેડૂતો કૃષિ બીલના વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ અનુસંધાને પણ ઘણા લોકો પંજાબમાં પોતાનો પાક સળગાવી વિરોધ કરી રહ્યાં છે. શાકભાજી ઉગાડતા ખેડૂતો અને જવની ખેતી કરતી ખેડૂતોની સાથે સાથે ઘઉંના ખેડૂતો કચરો સળગાવવા માટે નવા પાકની વાવણી માટે ખેતીની તૈયારી કરી રહ્યાં હોવાની દલીલો આપે છે.

વિશ્ર્વમાં અત્યારે પર્યાવરણ સંબંધી સમસ્યાઓ મોટાપાયે સર્જાય રહી છે. એક તરફ લીલા વન કપાઈ રહ્યાં છે, બીજી તરફ હવામાં પ્રદુષણ વધી રહ્યું છે. વિશ્ર્વમાં જંગલ વધારવાની જરૂર છે તેવા સંજોગોમાં બ્રાઝીલમાં ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃતિના ગુનાઓને છુપાવવા માટે જાણી જોઈને જંગલમાં આગ લગાડી દેવામાં આવે છે. કેલીફોર્નિયામાં લાગતા દવનો મુદ્દો વિશ્ર્વ સમક્ષ વિકરાળરૂપ ધારણ કરી ચૂકયો છે. આગામી દિવસોમાં વાયુ પ્રદુષણને નિયંત્રણમાં રાખવું દરેક દેશ માટે આવશ્યક છે ત્યારે ભારત સરકાર પ્રદુષણને કાબુમાં લેવા માટે પાકની સાથે ખેતરોનું સંરક્ષણ કરવા માટે કાયદાકીય વ્યવસ્થા અને તેના જતન માટે સ્વાયત સમીતીઓની રચના કરવા માટે કમર કસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.