Abtak Media Google News

રોકેટ સાયન્ટિસ્ટ એસ.નંબી નારાયણને રૂપીયા ૫૦ લાખનું વળતર ચુકવવા સુપ્રીમનો આદેશ

ઈસરો રોકેટ એન્જિનની ગુપ્ત જાણકારી પાકિસ્તાન સહિતના અન્ય દેશોમાં આપવાના આરોપમાં નવેમ્બર ૧૯૯૪માં નંબી નારાયણની થઈ હતી ધરપકડ

ઈસરો જાસુસી કાંડમાં વૈજ્ઞાનિક એસ. નંબી નારાયણને સુપ્રીમ કોર્ટે દોષમુકત કર્યા છે. આખરે ૨૪ વર્ષ પછી આ ચુકાદો આપ્યો છે અને રૂપીયા ૫૦ લાખનું નંબી નારાયણને વળતર ચુકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

જણાવી દઈએ કે, રોકેટ સાઈન્ટિસ્ટ એસ.નંબી નારાયણની નવેમ્બર ૧૯૯૪માં ધરપકડ કરવામાં આવી હતી. નંબી નારાયણ સહિત અન્ય બે વૈજ્ઞાનિક ડી.શશિકુમાર અને ચંદ્રશેખરને પણ જેલહવાલે કરાયા હતા. આ ઉપરાંત રશિયા સ્પેશ એજન્સીનો એક ભારતીય પ્રતિનિધિ એસ.કે.શર્મા, એક લેબર કોન્ટ્રાકટર અને માલદીવની એક મહિલા મરિયમ રાશિદા તેમજ તેની મિત્ર ફૌજિયા હસનની પણ ધરપકડ કરાઈ હતી. આ તમામ પર આરોપ હતો કે તેમણે ઈસરો રોકેટ એન્જિનની તેમજ અન્ય ગુપ્ત જાણકારી પાકિસ્તાન અને અન્ય દેશોને આપી છે.

ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ નંબી નારાયણની કડક પુછપરછ હાથધરી હતી જેની સામે નંબી નારાયણે આ તમામ આરોપો ખોટા ગણાવી નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. ડીસેમ્બર, ૧૯૯૪માં આ મામલાની તપાસ સીબીઆઈને સોંપાઈ અને સીબીઆઈએ પોતાના તપાસમાં જણાવ્યું કે, ઈન્ટેલીજન્સી બ્યુરો અને કેરળ પોલીસે જે આરોપો લગાવ્યા છે તે સારા પુરવાર થયા નથી. ત્યારબાદ જાન્યુઆરી ૧૯૯૫માં નંબી નારાયણને જામીન પર છોડી મુકાયા હતા.

આ સામે નંબી નારાયણે પણ કોર્ટમાં અરજી દાખલ કરી જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમને ખોટી રીતે ફસાવ્યા છે. નારાયણની આ અરજી પર એપ્રિલ ૨૦૧૭માં સુપ્રીમમાં સુનાવણી શરૂ થઈ હતી. મે-૨૦૧૮માં ચીફ જસ્ટીશ દિપક મિશ્રાની આગેવાનીમાં ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર અને ડીવાય ચંદ્રચુડની બેંચે કહ્યું હતું કે, નંબી નારાયણ દોષમુકત છે અને તેઓને ૪૫ લાખ રૂપીયાનું વળતર આપવા સરકારને આદેશ કરી જણાવ્યું હતું કે, નંબી નારાયણની પ્રતિષ્ઠા ફરી ઉભી થાય તેના પર વિચાર કરી રહ્યા છીએ ત્યારબાદ ગઈકાલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉત્પીડનનો શિકાર થયેલા નંબી નારાયણને રૂપીયા ૫૦ લાખનું વળતર અપાશે અને આ મામલે જયુડીશીયલ તપાસ હાથ ધરવા પણ આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.