Abtak Media Google News

આકાશમાં ખાનગી લોકો માટે ‘અવકાશ’ !!!

આવનારા સમયમાં અંતરીક્ષ યાત્રાનાં પ્રોગ્રામ પણ ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકવામાં આવશે

ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે લોકો જમીન ઉપર તો ખેતી કરી રહ્યા છે પરંતુ હવે અવકાશમાં પણ અમુલ તકો ઉદભવિત થઈ રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા દેશને ડિજિટલ તરફ આગળ વધારી રહ્યા છે અને ડિજિટલ ઈન્ડિયાને વેગવંતુ કેવી રીતે બનાવી શકાય તે દિશામાં અનેકવિધ રીતે ચર્ચા-વિચારણા પણ કરતા નજરે પડે છે જો ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવું હોય તો ખાનગી ક્ષેત્રની કંપનીઓને અવકાશી ક્ષેત્રે તક આપવી પડશે. પ્રાઈવેટ સેટેલાઈટો પણ સૌથી વધુ પ્રમાણમાં લાવી પડશે જેથી દેશ જયારે ડિજિટલ તરફ અગ્રેસર થાય તો તેને કોઈપણ તકલીફનો સામનો કરવો ન પડે. બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી છે તેનાથી અનેકવિધ કંપનીઓએ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે તૈયાર કર્યા છે. આગામી દિવસોમાં વર્ક ફ્રોમ હોમ પ્રણાલી મુખ્યત્વે લોકો કામ કરતા નજરે પડશે જેથી તેઓને ડિજિટલી વધુ મજબુત બનાવવા માટે ખાનગી ક્ષેત્રને પણ આવવું અત્યંત જરૂરી છે.

ઈસરો અનેકવિધ રીતે અવકાશ ક્ષેત્રે નવા આવિસ્કારો કરી રહ્યું છે અને સેટેલાઈટની મદદથી અનઉકેલ રહસ્યોને પણ શોધી રહ્યું છે. ઈસરો દ્વારા અનેકવિધ સેટેલાઈટ મારફતે દેશ હિત માટે અને દેશનાં રક્ષણ માટે સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. આકાશમાં અવકાશ હવે ખાનગી ક્ષેત્ર માટે એક તકરૂપ સાબિત થયું છે જેને લઈ સરકારે પણ પૂર્ણ મંજુરી આપી દીધી છે. સરકાર અંતરીક્ષ ક્ષેત્રે કનેકટીવીટી કરી તેની કેપેસીટીમાં પણ અનેકગણો વધારો કરશે ત્યારે હવે ભારતનાં તમામ અવકાશી પ્રોગ્રામોમાં મુખ્યત્વે ખાનગીકરણ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાનગી કંપનીઓની એન્ટ્રી બાદ ઈસરોની મોનોપોલી તુટી જશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ તકે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવનારા દિવસોમાં જે સ્પેસ ટ્રાવેલ પ્રોગ્રામ હોય તેમાં ખાનગી ક્ષેત્રને તક આપવામાં આવશે. અવકાશી મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારી દ્વારા રીસર્ચ તથા રોકેટ અને સેટેલાઈટનાં ડેવલોપમેન્ટ તથા સ્પેસ મિશનને અનુરૂપ થવા ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે તેવું સ્પષ્ટપણે માનવામાં આવ્યું છે.

યુ.એસ., ચાઈના જેવા દેશો અવકાશ ક્ષેત્રે ખાનગી કંપનીઓને વિશાળ તકો આપી રહ્યું છે. જયારે ઈસરો દ્વારા રોકેટ તથા સેટેલાઈટ બનાવવા માટેનાં કમ્પોનેટ આઉટસોર્સીંગ મારફતે કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ હવે માત્ર આઉટસોર્સીંગ નહીં પરંતુ અવકાશ ક્ષેત્રે ખાનગી કંપનીઓને પણ વિશાળ તક આપવામાં આવશે. વડાપ્રધાન મોદીનું જે ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આ પગલું અત્યંત કારગત અને ઉપયોગી સાબિત થશે. હાલ સરકાર તે દિશામાં અનેકવિધ રીતે પગલાઓ લઈ રહી છે અને વિકાસ તરફ હરણફાળ પણ ભરી રહી છે. ભારત અવકાશ ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે ત્યારે હવે પ્રાઈવેટ કંપનીઓ સ્પેસ ક્ષેત્રમાં આવતાની સાથે જ ભારત માટે એક નવી રાહ ચિંધાઈ હોય તેવું પણ માનવામાં આવે છે જે આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.