પાસા એકટનો વ્યાપ આશીર્વાદરૂપ કે પડકાર?

ગુન્હાખોરી ડામવા પોલીસ માટે ફાયદારૂપ પાસા એકટ વ્યાપના  દુરૂપયોગ અંગે નિષ્ણાંતોએ વ્યક્ત કરી ચિંતા

સાયબર ક્રાઇમ, જુગાર, ઘરેલુ હિંસાને પાસા એકટમાં સમાવવા અંગે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાસાનો દુરૂપયોગ પણ થઈ શકે છે. સાયબર ક્રાઇમ, લોન ડિફોલ્ટર અને જાતીય અપરાધીઓને નિવારવા અસામાજિક પ્રવૃત્તિ હેઠળ પ્રીવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ(પાસા) ની દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા છે.  જેમાં એક વર્ષ સુધીની જેલ મોકલી શકાય છે.  પરંતુ નિષ્ણાતોએ તેના દુરૂપયોગ સામે ચેતવણી આપી છે.

રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને પાસાના અમલીકરણનો અવકાશ વધારવા અને તે હેઠળની કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ મહાનિદેશક, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને મોકલ્યા છે.  આ કાયદામાં રીઢા ગુન્હેંગારોની નિવારક અટકાયત કરવાની જોગવાઈ છે. પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરની ભલામણ પર  એક વર્ષ સુધીની જેલ મોકલી શકાય છે.  તહોમતદાર પાસા સલાહકાર મંડળ અને ત્યારબાદ હાઇકોર્ટમાં આદેશને પડકાર આપી શકે છે.  હાલમાં, ભારતીય દંડ સંહિતા, આર્મ્સ એક્ટ, ડ્રગ ગુના, બુટલેગર, જુગાર, વેશ્યાવૃત્તિ અને ગૌહત્યાના ગુનામાં સામેલ લોકો સામે પાસાની માંગ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમની પાસે ગૃહ પોર્ટફોલિયો પણ છે. તાજેતરમાં કેબિનેટની બેઠકમાં પાસા એક્ટ, ૧૯૮૫ માં સુધારો કરવા માટે વટહુકમની દરખાસ્ત કરવામાં આવી હતી.

જાહેરનામાં મુજબ માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુનાઓ કરનાર વ્યક્તિને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી શકાય છે.

જુગારના કેસોમાં જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થયાના ત્રણ વર્ષમાં સમાન ગુન્હામાં સંડોવણી હોય તો તેને અટકાયતમાં લઈ શકાય છે.  સૂચિત ફેરફારો હેઠળ ત્રણ વર્ષની મર્યાદાને દૂર કરવામાં આવી છે. જેનાથી વ્યક્તિને પાસા હેઠળ અટકાયતી પગલાં સરળ બને છે.

જાહેરનામા મુજબ આ અધિનિયમ આઈપીસી હેઠળ જાતીય સતામણીના ગુનામાં સામેલ લોકો તેમજ જાતીય ગુનાથી સંરક્ષણના કાયદા(પોકસો), લોન લેનારની પજવણી અથવા સંપત્તિ હડપવામાં સામેલ લોકોને પણ લાગુ પડશે.  જે વ્યક્તિ પર મહિલાઓને આઈપીસીની કલમ ૩૫૪ (જાતીય હુમલો અને પજવણી અંગે), બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને અપ્રાકૃતિક લૈંગિક સંબંધી ગુનો નોંધવામાં આવ્યો છે તે પણ પાસા હેઠળ નોંધાઈ શકે છે.

કાયદાકીય નિષ્ણાતોએ જો કે જાહેર હુકમ માટે ઘડવામાં આવેલી નીતિ અને તેનો રાજકીય દાયરાઓને સમાધાન કરવાના સાધન તરીકે દુરૂપયોગ કરી શકાય તેવી ચેતવણી આપી છે. નવી જોગવાઈઓ અંગે ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલર પેરી કવિનાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે પાસા એકટનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કોઈ નિર્દોષ વ્યક્તિને આ જોગવાઈઓના માધ્યમથી ભારે હાલાકીનો સામનો કરવો પડે તો તેમાં કોઈ નવાઈની વાત નહીં.

આ મામલે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, “નવા સુધારા અમલમાં આવ્યા છે અને અમે સખત ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા માટે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને સાયબર ગુન્હાઓ અને જુગારધારા અધિનિયમ હેઠળના ગુન્હાઓમાં અમે ચુસ્તપણે આ જોગવાઈનો અમલ કરાવીશું.  તેમણે કહ્યું હતું કે આ કાયદાનો ઉપયોગ સખત ગુનેગારો સામે કરવામાં આવશે જે સુલેહ શાંતિનો ભંગ કરતા હોય છે.

Loading...