Abtak Media Google News

સોનાને લાગે ક્યાંથી કાટ…

આગામી દિવસોમાં પણ સોનાનો ચળકાટ ઝાંખો નહીં પડે: મહામારીના પગલે આર્થિક અફરા-તફરીમાં સોના તરફ લોકો વળ્યા

સોનુ વિશ્વમાં સૌથી વિશ્વસનીય મુડી રોકાણ કરવાનું માધ્યમ ગણવામાં આવે છે. વર્તમાન સમયે મહામારીની સ્થિતિમાં લોકોને અનેક આર્થિક અસમંજસતાનો સામનો કરવો પડે છે. એક તરફ સરકાર આર્થિક તંદુરસ્તી ધ્યાને રાખી વધુને વધુ ચલણી નોટો છાપવાનું વિચારી રહી છે. અલબત વધુ નોટો છાપવાથી ફૂગાવો વધશે તેવી દહેશત પણ છે. શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોવાનું સામે આવ્યું છે. આવા સમયે ગોલ્ડ બોન્ડ કે ફિઝીકલ બોન્ડમાં રોકાણ કરવું યોગ્ય હોવાનો મત નિષ્ણાંતોનો છે. વર્તમાન સમયે સોનુ ૪૭૦૦૦ની સપાટી નજીક હોવા છતાં આગામી સમયમાં રોકાણ માટે સોનુ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે તેવું પણ કેટલાકનું માનવું છે.

ભારતમાં સોના તરફે અન્ય દેશોના લોકો કરતા વધુ લાગણીઓ જોડાયેલી હોય છે. યુવતીના લગ્ન થાય ત્યારે તેને આપવામાં આવતા આભુષણ સ્ત્રીધન તરીકે ગણાવાય છે. આ સ્ત્રીધન પર માત્ર તે મહિલા સીવાય કોઈનો હક્ક રહેતો નથી. સંકટ સમયે સ્ત્રીધનનો ઉપયોગ થઈ શકે છે. સરકારે સ્ત્રીધનને સુરક્ષીત રાખવા કડક કાયદા પણ બનાવ્યા છે. ભારતમાં વર્ષોથી સોનામાં રોકાણ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ ગણાય છે. વર્ષ ૧૯૭૩થી અત્યાર સુધીમાં સોનાએ દર વર્ષે સરેરાશ ૧૪.૧૦ ટકાનું રિટર્ન આપ્યું છે. ડોલર સામે રૂપિયો તૂટે છે પરંતુ સોનામાં આવેલ ચળકાટ બરકરાર છે.

વર્તમાન સમયે મહામારીના પગલે આર્થિક સ્થિતિ ઉપર થયેલી અસર જોતા શેર કે બોન્ડના સ્થાને સોનામાં રોકાણ કરવામાં આવે તેવી સલાહ આર્થિક નિષ્ણાંતો આપી રહ્યાં છે. જો કોઈ લાંબાગાળાના મુડી રોકાણદાર હોય તો વર્તમાન સમયે સોનાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વધુ અસર કરતા નથી. અલબત ગમે તેવા આર્થિક સંકટમાં સોનામાંથી મળતું વળતર શ્રેષ્ઠ જ હોય છે.

બીજા રોકાણના સાધનોમાં સ્થિતિ સ્પષ્ટ ન હોવાી કેટલાક રોકાણકારો સોનાના પર ભરોસો દર્શાવે છે. સોના માટે થોડા થોડા સમયે આ થતું આવે છે. જોકે તે રોકાણનો નીરસ વિષય છે. સોનાએ પાછલા ૧૦ વર્ષમાં ફક્ત ૮.૩ ટકા રિટર્ન આપ્યું છે. જે તેના ભાવમાં આવતા ચઢાવ ઉતારને જોતા પૂરતું નથી. સોનામાં રોકાણ સારા રિટર્ન માટે ક્યારેય નથી હોતું.

ભારતીય રોકાણકારો આજે પણ પરંપરાગત માન્યતાઓમાં બંધાયેલા છે. લોકો સોનાને ખૂબ જ સરળ અને ભરોસાપાત્ર રોકાણ ગણે છે. સોનું મુશ્કેલીના સમયે કામ આવે છે અને તેને દરેક પરિવારે ખરીદવું જોઈએ. જોકે આધુનિક રીતે જોવામાં આવે તો સોનામાં રોકાણમાં કેટલાક યુનિક ફિચર્સ છે પરંતુ તે વધુ રોકાણ કરવું તે સારો વિકલ્પ નથી. તેના કરતા પણ વધુ સારું રિટર્ન અને ભરોસાપાત્ર રોકાણ મળી શકે છે.

સોનામાં જે રુપિયા રોકવામાં આવે છે તેને અન્ય કોઈ વેપાર કે ઇકોનોમિક એક્ટિવિટીમાં લગાડવામાં આવે તો તેનાથી વેલ્થ ક્રિએશન થાય છે. જ્યારે સોનાની માત્રા હંમેશાથી જેટલી ને તેટલી જ રહે છે. જો તમે સોનું ખરીદવા માગતો હોવ તો પેપર ગોલ્ડમાં રોકાણ કરવું વધુ સારો ઓપ્શન છે. ગોલ્ડ ઈટીએફની વેલ્યુ સોનાના ભાવ જેટલી જ હોય છે. તેમજ તે એક ઓપન એન્ડેડ ફંડ હોય છે જેથી ગમે ત્યારે તેને વેચી શકાય છે. તેમજ જો રોકાણ પાંચ વર્ષ માટે કરવું હોય તો RBI તરફથી ભારત સરકાર માટે લાવવામાં આવતા ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક ઓપ્શન છે. તેમાં સોનાની વેલ્યુ વધવાની સાથે સાથે વાર્ષિક ૨.૫ ટકા વ્યાજ પણ મળે છે.

ત્રીજા વિશ્વ યુદ્ધ સમાન કોરોનાના સંકટમાં પણ સોનુ દેશને ઉગારશે

વિશ્વમાં કરોડો લોકોનું બલીદાન લેનાર પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સમાજ જીવન અને આર્થિક માળખુ બેઠુ કરવામાં સોનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જે તે સમયે કરન્સીમાં આવેલી અફરા-તફરીના પગલે સોનુ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ હતી. યુદ્ધમાં શસ્ત્રો કે સૈનિકોની સંખ્યા કરતા જે દેશ પાસે સોનુ વધુ હતું તે દેશ વધુ તાકાતવર ઉભરી આવ્યો હતો. આજે કોરોના સંકટ સમયે પણ સોનામા રોકાણ કરીને આર્થિક ખુવારીથી બચવાનો વિકલ્પ છે. જે દેશ પાસે સોનુ સૌથી વધુ છે તે અત્યારના કટોકટીના સમયમાં લાંબો સમય સુધી ટકી શકશે.  એક રીતે ત્રીજા વિશ્વ યુદ્ધ સમાન કોરોના સંકટમાં પણ સોનુ દેશને તારવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.