Abtak Media Google News

લાફો માર્યા બાદ કોન્ટ્રાકટરે ઝેરી દવા પીવાનો  પ્રયાસ કર્યો: સિંચાઈ વિભાગના અધિકારીએ પૈસાની માંગણી કરી હોવાનો આક્ષેપ

ચોટીલા તાલુકાના મેવાસામાં તળાવમાંથી માટી કાઢવાનું કામ રામદેવપીર જૂથ મજૂર સહકારી મંડળીએ કર્યુ હતુ. આ કામ પેટે મૂકાયેલા રૂપિયા 2.79 લાખના બિલ સામે 48 હજાર જેવી નજીવી રકમનો ચેક તૈયાર થતો હતો. આ જોઇને મંડળીના મંત્રીએ ઉશ્કેરાઇ જઇ મદદનીશ ઇજનેરને લાફાવાળી કરી ઝેરી દવા પી આત્મ હત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે કાર્યપાલક ઇજનેરે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તકના તળાવોમાં પાણીની સંગ્રહ શકિત વધે તે માટે તેમાંથી માટી કાઢવાનું કામ કોન્ટ્રાકટ હેઠળ અપાયુ હતુ.

જેમાં ચોટીલા તાલુકાના મેવાસા ગામના તળાવમાંથી માટી કાઢવાનું કામ રામદેવપીર જૂથ મજૂર સહકારી મંડળી દ્વારા રખાયુ હતુ. વર્ષ પહેલા રૂપીયા 11 લાખનું અંદાજીત કામ કરાયા બાદ ચારેક માસ પહેલા મંડળી દ્વારા રૂપિયા 2.79 લાખનું બિલ મૂકાયુ હતુ. અનેકવાર ધક્કા ખાવા છતાં બિલ પાસ ન થતા શુક્રવારે બપોરે જિલ્લા પંચાયત આવેલા મંડળીના મંત્રી ભીખાભાઇ રબારીએ પોતાના બિલની સામે રૂપિયા 48 હજારની નજીવી રકમનો ચેક પાસ થતો જોયો હતો. આથી ઉશ્કેરાયેલા ભીખાભાઇએ મદદનીશ ઇજનેર આર.વી.કોન્ટ્રાકટર સાથે બોલાચાલી કરી, ગાળો આપી બે લાફા ઝીંકી દીધા હતા. જયારે પોતાની પાસે રહેલી ઝેરી દવાની શીશી પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી સિંચાઇ વિભાગના અન્ય કર્મચારીઓએ એકત્ર થઇ પોલીસને ફોન કરી ભીખાભાઇને આવુ કરતા રોકયા હતા. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર નીતીન મકવાણાએ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

મંડળીના મંત્રી અને કોન્ટ્રાકટર ભીખાભાઈ રબારીએ કહ્યું કે, સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેર આર.વી.કોન્ટ્રાકટરે ચેક પાસ કરાવવા માટે પૈસા માગ્યા હતા. ના પાડતા મારૂ પેમેન્ટ અટકયુ હતુ. જો મને ન્યાય નહી મળે તો આવુ પગલુ બીજી વાર ભરનાર છુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ વિભાગ ઘણા સમય થી અત્યંત ચર્ચામાં રહ્યો છે .ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માં સિંચાઈ નહીં પરંતુ તમામ શાખાઓમાં કામ કાજના બિલ આપ્યા બાદ ક્યારે પાસ થાય તેનું કોઈ ફિક્સ સમય હોતો નથી.કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવ્યા બાદ બિલ ચુકવણીમાં નબળાઇ કરતી હોવાની રાવ ઉઠી છે. થપ્પડ ફટકારવાની ઘટના પોલીસ સ્ટેશને પહોંચી હતી. સિંચાયઇ વિભાગના કર્મીઓ સાથે કોન્ટ્રાક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.