Abtak Media Google News

ઈરાન અને અમેરિકા વચ્ચે સ્થિતિ વધુ વણસી: યુદ્ધની પ્રબળ શકયતાના કારણે ભારત સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય રહી છે થોડા સમય પહેલા અમેરિકાએ ઈરાનના કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે ઈરાને બદલો લેવાનું શરૂ કર્યું છે જેના અનુસંધાને ગઈકાલે ઈરાકમાં તૈનાત અમેરિકન સૈન્ય પર ઈરાન દ્વારા એક ડઝનથી વધુ રોકેટ ચલાવાયા હતા. આ વિસ્તારમાં અમેરિકા અને તેની ગઠબંધન સેનાઓ કામગીરી સંભાળે છે જયાં ગઈકાલે થયેલા રોકેટ હુમલા બાદ સ્થિતિ બંને દેશો વચ્ચે વણસી છે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ પ્રબળ બની છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે વણસેલા સંબંધોનાં કારણે સમગ્ર વિશ્ર્વમાં ધબકારા તેજ થઈ ગયા હતા. ઈરાને ગઇકાલે ઈરાકમાં કરેલા રોકેટમારાના કારણે આ બંને દેશો વચ્ચે પણ યુદ્ધ થઈ શકે તેવી શકયતા છે આવા સંજોગોમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે વારંવાર પગલા લેવાની ચીમકી ઉચ્ચારી ચુકયા છે જો અમેરિકન નાગરિક કે સૈનિક પર હુમલો થશે તો જોયા જેવી થશે તે પ્રકારની ચેતવણી બે દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ આપી ચુકયા છે. દરમિયાન કમાન્ડરના મૃત્યુથી સમસમી ઉઠેલા ઈરાને આ ચેતવણીને ગણકારી ન હોય તેવું ફલિત થાય છે.

ગઈકાલે અમેરિકાના સૈન્ય અડ્ડા પર ગઈકાલે કરેલા રોકેટમારામાં કોઈ નુકસાન થયું હોવાનું હજુ સુધી જાણવા મળતું નથી. આ ઘટના બાદ ઈરાનનાં વિદેશમંત્રી જવાદ જરીફે કહ્યું હતું કે, ઈરાનને યુએનનાં કાયદા મુજબ આર્ટીકલ-૫૧ના અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સૈન્યઅડ્ડા પરથી અમારા નાગરિકો અને સૈનિકો ઉપર કાયરતાથી હુમલો કરવામાં આવ્યો હતો જેનો અમે જવાબ આપ્યો છે. અમે આ યુદ્ધને આગળ વધારવા માંગતા નથી પરંતુ તેઓ ઉશ્કેરશે તો અમે પોતાની રક્ષા માટે પગલા લઈશું.

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં ભારત દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ઈરાક કે ઈરાન જતા યાત્રિકોને ભારત સરકાર દ્વારા એડવાઈઝરીનાં માધ્યમથી ચેતવવામાં આવ્યા છે. ઈરાક માટે બિનજરૂરી યાત્રા ન કરવાની ચેતવણી ભારતનાં વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. બીજી તરફ ઈરાકમાં વસતા ભારતીય નાગરિકોને પણ એલર્ટ રહેવા જણાવાયું છે. આ સ્થિતિ પરથી યુદ્ધ થવાની દહેશત વધુ પ્રબળ બની છે.

ઈરાનમાં યુક્રેનનું વિમાન ક્રેશ: ૧૮૦ લોકોનાં મોત

એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી છે ત્યારે ઈરાનનાં તહેરાન એરપોર્ટ નજીક ૧૮૦ લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાનાં સૈન્ય અડ્ડા ઉપર ઈરાને કરેલા હુમલા બાદ તુરંત આ વિમાન ક્રેશ થયું હોવાનું જાણવા મળે છે. આ વિમાનમાં ૧૮૦ લોકો સવાર હતા જોકે વર્તમાન સમયમાં વિમાનમાં આંતિરક ખામી સર્જાઈ હોવાથી વિમાન ક્રેશ થયું હોવાનું જણાવાઈ રહ્યું છે ત્યારે આ ગમખ્વાર ઘટના પાછળ કોન જવાબદાર છે તેની ચર્ચાએ જોર પકડયું છે.

ઈરાનનાં ન્યુક્લિયર રીએકટર ક્ષેત્રમાં ભુકંપનાં બે ઝટકાથી ખળભળાટ

ઈરાનમાં સ્થિતિ વણસી રહી હોવાનું ભુકંપનાં બે ઝટકાથી જણાઈ રહી છે. આજે ઈરાનમાં ભુકંપનાં બે ઝટકા આવ્યા હોવાનું જાણવા મળે છે. ઈરાનમાં જયાં પરમાણુ રીએકટર છે તેવા ક્ષેત્રમાં પહેલા ૫.૫ની તિવ્રતાનો ત્યારબાદ ૪.૯ની તિવ્રતાનો ભુકંપ આવ્યો હતો. આ ભુકંપ બાદ ઈરાનમાં પરમાણુ રીએકટરને નુકસાન થાય તો મોટી જાનહાની થાય તેવી દહેશત સેવવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાનને વધુ એક ધમકી આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.