શેરબજારમાં રોકાણકારોની દિવાળી: ૫૫૦ પોઈન્ટનો ઉછાળો

38

રૂપીયામાં પણ મજબૂતી, ૭૩.૧૦ પર ખુલ્યો: સેન્સેકસ ૩૪૯૭૦ અને નિફટી ૧૦૫૫૦ને પાર

દિવાળીના તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે શેરબજારમાં રોકાણકારો માટે દિવાળીનો માહોલ બન્યો છે. બજાર આજે સકારાત્મક અસરોના કારણે ૫૦૦ પોઈન્ટ ઉંચકાઈ છે. નિફટી ૧૦૫૦૦ની નજીક પહોંચી ગયો છે. જયારે સેન્સેકસ ૩૪૯૦૦ને પાર થવામાં એકંદરે સફળ રહ્યો છે.

બીજી તરફ સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય રૂપિયાની મજબૂતીથી શરૂઆત થઈ છે. એક ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૩૫ પૈસાની મજબૂતી સાથે ૭૩.૧૦ના સ્તર પર ખુલ્યો છે. ગઈકાલે કારોબારી સત્રના દિવસે રૂપિયો ૫૦ પૈસાના ઉછાળા સાથે ૭૩.૪૫ પર બંધ રહ્યો હતો. આજે રૂપિયાની સાથો સાથ શેરબજાર પણ ત્તેજી તરફ આગળ વધી રહ્યું છે.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદદારી જોવાઈ રહી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૭૦ પોઈન્ટ (૧.૩૫ ટકા)ના ઉછાળા સાથે ૩૪૯૦૩ના સ્તર પર પહોંચ્યું છે. જયારે નિફટી-ફીફટીમાં ૧૫૭ પોઈન્ટ (૧.૫૧ ટકા) ઉછાળો જોવા મળ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપમાં અનુક્રમે ૧૧૨ પોઈન્ટ અને ૨૮૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.

યશ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, યુનિયન બેંક, દેના બેંક, શ્રી રેણૂકા, વિજયા બેન્ક, સુઝલોન અને બેન્ક ઓફ બરોડા તથા પીએનબી સહિતના શેરોની આગેવાનીમાં શેરબજાર આજે પોઝીટીવ દિશામાં ગતિ કરી રહ્યું છે. બીજી તરફ બીપીસીએલ, આયસર મોટર્સ, હિરો મોટોકોપ, એમ એન્ડ એન, એશીયન પેઈન્ટસ, મારૂતિ સુઝુકી, આઈઓસી, અદાણી પોર્ટ સહિતના શેર પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

Loading...