Abtak Media Google News

૮ દિવસમાં તપાસ રિપોર્ટ આપવા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલનો આદેશ: મવડી ફાયર બ્રિગેડ નજીક હોવાના કારણે વધુ ભયાનકતા અટકી

શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગત મધરાત્રે ગ્રાઉન્ડ ફલોરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આઈસીયુમાં કોરોનાની સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓ ભડથુ થઈ ગયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશને તપાસની જવાબદારી સુપરત કરી છે. પીજીવીસીએલ, ઉર્જા વિભાગ અને એફએસએલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શ‚ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન કોર્પોરેશન વતી તપાસની જવાબદારી ઈસ્ટ ઝોન કચેરીના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર બી.જી.પ્રજાપતિને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સોંપવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ ૮ દિવસમાં સોંપવા આદેશ કરાયો છે.

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા છેલ્લા ૨ મહિનાથી શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો અંગે ચકાસણી કરવામાં આવી રહી છે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં તમામ ફાયર શેફટીના સાધનો ઉપલબ્ધ હતા અને મહાપાલિકા દ્વારા હોસ્પિટલના સ્ટાફને આ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરતો તેની ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી. હોસ્પિટલને ફાયરનું એનઓસી પણ આપવામાં આવ્યું છે. ગઈકાલે મધરાત્રે આગની ઘટના લાગ્યા બાદ તમામ શાધનો ઉપલબ્ધ હોવા છતાં વિકરાળ આગને અટકાવી શકાય ન હતી. આ ઘટના બાદ રાજ્ય સરકારે તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવને સોંપી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આગની તપાસની જવાબદારી બી.જી.પ્રજાપતિને સોંપવામાં આવી છે અને ૮ દિવસમાં તેનો રિપોર્ટ પણ સુપરત કરવા આદેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદ બંગલા ચોકમાં જે જગ્યાએ ઉદય શિવાનંદ હોસ્પિટલ આવેલ છે ત્યાંથી માત્ર થોડા અંતરે કોર્પોરેશનનું મવડી ફાયર બ્રિગેડ સ્ટેશન કાર્યરત છે. ઘટનાની જાણ થતાંની સાથે જ ગણતરીની મીનીટમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર ફાઈટરે જીવના જોખમે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીને બચાવ્યા હતા.

જો ફાયર સ્ટેશન નજીકમાં ન હોત તો ભયાવકતા વધુ ઘટી હોત અને મૃત્યુઆંક પણ વધુ રહેત. ફાયર સેફટીના પૂરા સાધનો હોવા છતાં અને સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હોવા છતાં આ આગની ઘટના અટકાવી શકાય ન હતી. પ્રાથમિક અનુમાન મુજબ ગ્રાઉન્ડ ફલોરમાં શોર્ટ સક્રિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ સાચો ખ્યાલ તપાસ રિપોર્ટ બાદ આવશે.

રહેણાંક વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાતા વિરોધ ઉઠતા કલેકટર તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી આપી હતી

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નિપજયા હતા. આજે શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓએ પોતાનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું હતું કે, અમે કોવિડ હોસ્પિટલ શ‚ કરવા માંગતા ન હતા પરંતુ કલેકટર તંત્રના દબાણના કારણે અમારે કોવિડ હોસ્પિટલ શ‚ કરવી પડી. દરમિયાન વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, જ્યારે શિવાનંદ હોસ્પિટલમાં ઉદય કોવિડ હોસ્પિટલ શ‚ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સ્થાનિકો દ્વારા એવો વિરોધ કરવામાં આવ્યો હતો કે, રહેણાંક વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ શ‚ કરવામાં ન આવે તેવી કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે અમોને એવું કહેવામાં આવ્યું હતું કે, વિરોધ કરશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હોસ્પિટલોમાં બે માસથી ફાયર સેફટીનું ચેકિંગ ચાલુ છે: ૫૮ને નોટિસ

કોર્પોરેશનના ચિફ ફાયર ઓફિસરે આજે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને ફાયર એનઓસી આપવામાં આવ્યું હતું અને તેમની પાસે ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ હતા. આટલું જ નહીં કોર્પોરેશન દ્વારા સ્ટાફને પણ ફાયર શેફટીના સાધનાનો ઉપયોગ કેમ કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરમાં ફાયર બ્રિગેડ શાખા દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો અંગેનું ચેકિંગ ચાલુ છે. આજ સુધીમાં ૨૦૦ જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવયું છે. જે પૈકી ૫૮ હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. માત્ર ફાયર સેફટીના સાધન હોય તેને એનઓસી આપી દેવામાં આવે એટલી જ કામગીરી કરવામાં આવતી નથી પરંતુ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોના સ્ટાફને સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ટ્રેઈન સ્ટાફ તથા ફાયર સેફટીના સાધનો હોવા છતાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં જે ઘટના બની તે દુ:ખદ છે. ફાયર બ્રિગેડના સ્ટાફે જીવના જોખમે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીના જીવ બચાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.